૮૦ રૂપિયા ઉધાર લઈને શરૂ કરી હતી કંપની, આજે દર વર્ષે કમાય છે ૩૦૦ કરોડ રૂપિયા

“લિજ્જત પાપડ ! કુરમ કુરમ ” તમે બધા લોકોએ આ લાઈન લીજ્જત પાપડની જાહેરાતમાં જરૂર સાંભળી હશે. ખાસ કરીને જૂના જમાનામાં આ જાહેરાત ખૂબ જ મશહૂર થઈ હતી. આજના સમયમાં પાપડની દુનિયામાં લિજ્જત ખૂબ જ મોટું નામ છે. તમારામાંથી ઘણા લોકોએ પણ આ બ્રાન્ડના પાપડ ઘણીવાર ખાધા પણ હશે. આજે લિજ્જત પાપડ દર વર્ષે ૩૩૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ કંપનીનો પાયો જ્યારે નાખવામાં આવ્યો હતો ત્યારે તેને અમુક મહિલાઓ દ્વારા ૮૦ રૂપિયા ઉધાર લઈને શરૂ કરવામાં આવ્યો હતો. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે આ મહિલાઓએ પોતાના દમ પર જોતાં જોતાં જ કરોડો રૂપિયાનો વ્યવસાય ઉભો કરી દીધો.

ઉધારના ૮૦ રૂપિયાથી શરૂ કરી હતી કંપની

આ કંપનીને ઊંચાઇ પર લઈ જવામાં સૌથી મોટું યોગદાન જશવંતી બેન પોપટનું રહ્યું છે. ૧૫ માર્ચ ૧૯૫૯ના રોજ જશવંતી બેને પોતાની અમુક સહેલીઓ સાથે મળીને પાપડનો વ્યવસાય કરવા વિશે વિચાર્યું. આ લોકો પોતાના ઘરનું ભોજન બનાવીને અને પતિને ઓફિસ અને બાળકોને સ્કૂલ મોકલ્યા બાદ અમુક સમય માટે ફ્રી બેસી રહેતાં હતા. તેવામાં આ સમયનો ઉપયોગ કરવા માટે તેમણે પાપડ બનાવવાનું શરૂ કર્યું. તેના માટે આ લોકો કોઈ જગ્યાએથી ૮૦ રૂપિયા ઉધાર લઈ આવ્યા. આ પૈસાથી તેમણે સામાન ખરીદ્યો.

ત્યારબાદ આ સામાનથી તેમણે પાપડ બનાવ્યા. તેમણે પહેલા દિવસે જ તેમની પાસેની દુકાનમાં પાપડ બનાવીને ચાર પેકેટ આપ્યા. દુકાનદારને તેમના પાપડ પસંદ આવ્યાં. તેમણે વધારે પાપડ આપવાનો ઓર્ડર આપ્યો. આ રીતે ફક્ત ૧૫ દિવસમાં જ તેમણે પોતાના ઉધાર લીધેલા ૮૦ રૂપિયા પણ ચૂકવી નાખ્યા. લિજ્જત પાપડ એ પહેલા વર્ષે ૬૧૯૬ રૂપિયાનો વ્યવસાય કર્યો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને આ લોકોએ અન્ય મહિલાઓને પણ પોતાની ટીમમાં જોડી લીધા.

આ વર્કિંગ ટીમથી કંપનીને મળી સફળતા

આ કંપનીની કામ કરવાની રીત ખૂબ જ રસપ્રદ છે. આ કંપનીમાં કામ કરતી બધી જ મહિલાઓ પોતાના ઘરેથી જ કામ કરે છે. હકીકતમાં સૌથી પહેલા આ કંપનીની મુખ્ય મહિલાઓ પાપડનો લોટ ગૂંથે છે. આ દરમિયાન બધા જ મસાલા, લોટની ગુણવતા અને સાફ-સફાઈ વગેરે ચેક કરી લેવામાં આવે છે. જો આ લોટ બધા જ માપ પર ખરો ઉતરે છે તો તેને આગળ અન્ય મહિલાઓના ઘરે પહોંચાડી દેવામાં આવે છે.

ત્યારબાદ તે મહિલાઓ પોતાના ઘરમાં ખાલી સમયમાં પાપડ વણવાનું કામ કરે છે. જ્યારે પાપડ બની જાય છે તો આ કંપનીના લોકો આવીને તેને કલેક્ટ કરી લે છે. ત્યારબાદ તેમને પેકિંગ કરીને તેમને વેચવા માટે માર્કેટ મોકલી દેવામાં આવે છે. પાપડ કઈ રીતે વણવાના છે અને સાફ-સફાઈમાં કેટલું ધ્યાન રાખવાનું છે તે બધી જ ગાઈડલાઇન્સ મહિલાઓને પહેલા જ આપી દેવામાં આવે છે. એટલું જ નહીં કંપની ઘણીવાર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરતી હોય છે. જેમાં એ જોવામાં આવે છે કે મહિલાઓ ઘરમાં પાપડ બનાવતા સમયે સાફ-સફાઈ રાખે છે કે નહી.

દરરોજ બને છે ૯૦ લાખ પાપડ

મહિલાઓને આ વર્કિંગ મોડેલ ખૂબ જ પસંદ આવે છે. તેમને કામ માટે ક્યાંય પણ બહાર જવું પડતું નથી. તે પોતાની સુવિધા અનુસાર ખાલી સમયમાં તેમને બનાવે છે. આ કામથી આ મહિલાઓ એક દિવસમાં ૪૦૦ થી ૭૦૦ રૂપિયા સુધી કમાણી કરી લે છે. આ પૈસાનો ઉપયોગ તે ગરીબ મહિલાઓના બાળકોના અભ્યાસ કે ઘર ખર્ચમાં કરતી હોય છે. બસ આ જ કારણ છે કે આ કંપનીમાં કામ કરનાર મહિલાઓ પુરી ધગશ અને ઇમાનદારી સાથે પોતાનું કામ કરે છે.

વર્તમાન સમયમાં લિજ્જત કંપનીની અંદર ૪૦,૦૦૦ લોકો કામ કરે છે. તે બધા જ મળીને દરરોજ ૯૦ લાખ પાપડ વણે છે. જે ૨૧ મહિલાઓની સમિતિએ તેને શરૂ કર્યો હતો આજે તે મહિલાઓ આ હજારો મેમ્બર્સને મેનેજ કરે છે. આ કંપનીના ૬૩ સેન્ટર અને ૪૦ ડિવિઝન છે. આ કામથી ઘણી મહિલાઓ પોતાના પગ પર ઉભી થઇ અને તેમને આત્મવિશ્વાસ મળ્યો.