થોડી જ સેકન્ડમાં ધરાશાયી થઈ ગયો સુરતનો ૮૫ મીટર ઉંચો કુલિંગ ટાવર, વિડીયોમાં નજીકથી જુઓ કેવી રીતે ધરાશાયી થયો સુરતનો કુલિંગ ટાવર

ગુજરાતનાં સુરતમાં ૩૦ વર્ષ જુનો એક કુલિંગ ટાવર મંગળવારે તોડી પાડવામાં આવ્યો હતો. આ કુલિંગ ટાવર સુરતના ઉત્રાણ પાવર સ્ટેશનમાં આવેલો હતો. કોંક્રિટનો આ ટાવર ૮૫ મીટર ઊંચો હતો અને તેનો વ્યાસ લગભગ ૭૨ મીટર જેટલો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે માત્ર ૭ સેકન્ડમાં જ આ ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો. ટાવર ધરાશાયી થતા જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. આ ઘટનાએ લોકોને નોઈડાના ટ્વીન ટાવરની યાદ અપાવી હતી.

લોકોએ જણાવ્યું હતું કે આ દ્રશ્ય બિલકુલ એવું જ હતું, જેવું ગત વર્ષે દિલ્હી એનસીઆરનાં નોઇડા સ્થિત ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવ્યો હતો. તાપી નદીના કિનારે આવેલા ઉત્રાણ પાવર પ્લાન્ટના આ ટાવરને દિવસે ૧૧:૧૦ કલાકે તોડી પાડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્રાણ પાવર પ્લાન્ટના આ ટાવરને તોડી પાડવામાં લગભગ ૨૨૦ કિલો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

માત્ર ૭ સેકન્ડમાં ધુળની ડમરીઓ અને જોરદાર અવાજ સાથે આ ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ ટાવરને તોડી પાડતા પહેલા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આસપાસના વિસ્તારોને ખાલી કરાવીને ૨૫૦ થી ૩૦૦ મીટરના અંતર સુધી બેરિકેડ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોની મદદથી ટાવરમાં કોલમમાં ડ્રિલ કરીને સામગ્રીઓ નાખવામાં આવી હતી.

એડિશનલ ચીફ એન્જિનિયર આર.આર.પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, “આ ટાવર ગુજરાત રાજ્ય વીજ નિગમનાં ૧૩૫ મેગાવોટના પાવર પ્લાન્ટનો એક ભાગ હતો અને તેનો ઉપયોગ પ્લાન્ટમાં ઠંડક માટે કરવામાં આવતો હતો. તેની ઊંચાઈ ૮૫ મીટર હતી અને તેનો વ્યાસ ૭૨ મીટર હતો”. તેમણે કહ્યું કે, “તેનું નિર્માણ ૧૯૯૩ માં કરવામાં આવ્યું હતું. ટેકનિકલ અને કોમર્શિયલ કારણોસર તેને તોડી પાડવો જરૂરી હતું.

તેને ૨૦૧૭ માં તોડી પાડવાની મંજુરી આપવામાં આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૧ માં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૧૯૯૩ માં બનેલો સુરતનો ૮૫ મીટર ઊંચો ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. ઉત્રાણમાં પાવર સ્ટેશનના આ કુલિંગ ટાવરને ટેકનોલોજીની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જુના પ્લાન્ટને ચોક્કસ વર્ષ બાદ તોડી પાડવાનો હોય છે.

ઉત્રાણમાં સ્થિત આ ગેસ બેજ પાવર સ્ટેશન ઘણા વર્ષોથી કાર્યરત હતું. ઉત્રાણમાં કુલ ૩૭૫ મેગાવોટ અને ૧૩૫ મેગાવોટના બે પ્લાન્ટ છે. તેમાંથી ૧૩૫ મેગાવોટનો આ પ્લાન્ટ ઘણો જુનો હતો. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ જુના પ્લાન્ટને નિર્ધારિત વર્ષો બાદ બંધ કરવા પડે છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં ૧૩૫ મેગાવોટના પ્લાન્ટને બંધ કરવાનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું. આજે આ કુલિંગ ટાવરને તોડી પાડવાની ઝુંબેશ પુર્ણ થઇ ગઇ છે.