આ કારણોનાં લીધે ઉડી જાય છે લોકોની ઉંઘ, આ ઉપાયો તમને સારી ઊંઘ લેવામાં કરશે મદદ

Posted by

૧૯ માર્ચે “વર્લ્ડ સ્લીપ ડે” ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોની ઉંઘ અને સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. જેમ કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોના જીવન ઘણા વ્યસ્ત થઈ ચૂક્યા છે. ભાગદોડ ભર્યા જીવનમાં લોકો ઘણું ઓછું સુવા લાગ્યા છે, જેના કારણે લોકોને માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્વસ્થ રહેવા માટે સારી ઉંઘ લેવી ખૂબ જરૂરી હોય છે પરંતુ વ્યસ્ત દિનચર્યાનાં કારણે ઘણા લોકો ૮ કલાકની ઊંઘ પણ પૂરી કરી શકતા નથી.

આજકાલના સમયમાં લોકો મોડી રાત સુધી સ્માર્ટફોન, લેપટોપમાં લાગેલા રહે છે, જેના કારણે ઊંઘ પૂરી થઈ શકતી નથી અને કામના કારણે સવારે વહેલા ઉઠી જાય છે, જેના કારણે મોટાભાગનાં લોકો પૂરી ઊંઘ લઈ શકતા નથી. લોકોને સારી ઊંઘનું મહત્વ સમજાવવા અને ઊંઘ કેટલી જરૂરી છે તે વિષયમાં લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી ક્યાં કારણોનાં લીધે ઊંઘ આવવામાં મુશ્કેલી થવાની સંભાવના રહે છે અને ક્યાં ઉપાયો અજમાવીને તમે એક સારી ઊંઘ લઇ શકો છો, તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ઊંઘ ના આવવી એક ગંભીર સમસ્યા

વર્તમાન સમયમાં ઘણા લોકો એવા હોય છે, જેમને ઊંઘ ના આવવાની સમસ્યા હોય છે. અનિંદ્રા લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. મેડિકલ ટર્મમાં તેને ઇન્સોમનિયા કહેવામાં આવે છે, જેને ગંભીર બિમારી માનવામાં આવે છે. આ બિમારીમાં લોકોને સારી ઉંઘ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. આ સમસ્યા અમુક અઠવાડિયાથી લઈને ઘણા મહિનાઓ સુધી થઈ શકે છે. હાલના સમયમાં યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. જો તમે તમારી લાઈફ સ્ટાઈલમાં થોડો બદલાવ કરો છો તો આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

જાણો કેટલા કલાકની ઊંઘ જરૂરી હોય છે

અમેરિકાના સ્લીપ ફાઉન્ડેશન અનુસાર વયસ્કો માટે ૭ કલાકથી લઈને ૯ કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. જેમની ઉંમર ૬૫ વર્ષથી વધારે છે તે વૃદ્ધ લોકો માટે ૭ કલાકથી ૮ કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. ૬ વર્ષથી ૧૩ વર્ષનાં બાળકો માટે ૯ થી ૧૧ કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. ૨ વર્ષથી ૫ વર્ષના બાળકો માટે ૧૦ થી ૧૨ કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે અને નવજાત શિશુ માટે ૧૫ થી ૧૭ કલાકની ઉંઘ લેવી આવશ્યક હોય છે.

આ કારણોથી ઉડી જાય છે લોકોની ઉંઘ

  • રાતના સમયે લોકો નાઇટ સુટ પહેરીને સુવે છે પરંતુ જો તમે નાઈટ શુટને સારી રીતે સાફ નથી કર્યો તો તેના કારણે તેમાં રહેલા કીટાણું તમારી ઊંઘ પર અસર નાખે છે. જી હા, જો તમે ગંદો નાઈટ ડ્રેસ પહેરીને સુવો છો તો તેના કારણે તમારી ત્વચામાં ખંજવાળની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે એટલું જ નહીં પરંતુ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય છે, જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકતા નથી.
  • જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ મોડી રાત સુધી કરો છો તો તેના કારણે પણ તમારી ઊંઘ પૂરી થઈ શકતી નથી. આ સિવાય જો તમારો પાર્ટનર નસકોરા બોલાવી રહ્યો છે તો તેના કારણે પણ તમારી ઊંઘમા મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.
  • આજકાલના સમયમાં લોકોનું જીવન ઘણું વ્યસ્ત છે, જેના કારણે લોકો દરરોજ નિયમિત રૂપે વ્યાયામ કરી શકતા નથી. આ કારણે પણ તેમની ઊંઘ પર પ્રભાવ પડે છે. એક્સરસાઇઝ ના કરવાનાં કારણે તમે રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી. આ સિવાય તમારા ખોરાકની પણ અસર તમારી ઊંઘ પર પડે છે.

આ બીમારીઓના કારણે પણ અનિદ્રાની થઈ શકે છે સમસ્યા

જો ડિપ્રેશન, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, એનપિયા, પાર્કિન્સન, અલ્ઝાઇમર્સ વગેરે જેવી બિમારીથી પીડિત હોય તો આ કારણે પણ ઊંઘ ના આવવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

સારી ઉંઘ લેવા માટે અપનાવો આ ઉપાય

  • દરરોજ એક્સરસાઇઝ કરો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સુવા પહેલાં વર્કઆઉટ ના કરો.
  • સૂવાના ઓછામાં ઓછા ૮ કલાક પહેલા કેફીનનું સેવન ના કરવું.
  • સુવાના ઓછામાં ઓછા ૧ કલાક પહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ બંધ કરી દો.
  • ડિનર મોડું ના કરવું. સૂવાના ૨ કલાક પહેલા રાત્રિનું ભોજન કરી લેવું.
  • રૂમમાં એકદમ અંધારું કરીને સૂવું જોઈએ. બની શકે તો તમે રૂમમાં નાઈટ લેમ્પ ના કરવો.