આ ૫ કારણોના લીધે લગ્ન બાદ નબળો પડી જાય છે ભાઈ-બહેનનો સંબંધ, તમે ભૂલમાં પણ ના કરો આવી ભૂલો

ભાઈ અને બહેનનો સંબંધ ઘણો જ અનોખો હોય છે. તેમાં લડાઇ-ઝઘડા પણ થતા હોય છે. થોડી રકઝક પણ થતી રહે છે પરંતુ તેમની બંનેની વચ્ચે એટલો પ્રેમ પણ હોય છે. જરૂર પડવા પર તે બંને એકબીજા માટે ખડેપગ ઉભા રહે છે. જોકે અમુક કારણોથી આ પવિત્ર સંબંધમાં પણ ખટાશ આવી જાય છે. ઘણીવાર જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે ભાઈ-બહેનને એકબીજા સાથે બનતું નથી.

ઘણીવાર ભાઈ-બહેનની વચ્ચે ખૂબ જ અંતર વધી જાય છે તો અમુક ભાઈ બહેનની વચ્ચે પહેલા જેવો પ્રેમ અને સન્માન રહેતું નથી. ભાઇ-બહેનનો સંબંધ તૂટવાના ઘણા કારણો હોય છે. તેવામાં આજે અમે તમને એવી ભૂલોના વિશે જણાવીશું કે જેને જો ભાઈ કે બહેન કોઈપણ કરે છે તો તે સંબંધ તૂટતાં વાર લાગતી નથી.

ભાઈ-બહેનની વચ્ચે મોટાભાગે અંતર લગ્ન બાદ જ જોવા મળે છે. લગ્ન થઈ ગયા બાદ તે બંને પોત-પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. તેવામાં તેમની વચ્ચે વાતચીત પણ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે બંને ઘણા દિવસો કે મહિનાઓ સુધી એકબીજાના ખબર અંતર પણ પૂછી શકતા નથી. તેથી તમારે આ ભૂલ ના કરવી જોઈએ અને સમય-સમય પર પોતાના ભાઈ કે બહેન સાથે વાતચીત કરીને તેમના ખબર-અંતર પુછતાં રહેવા જોઈએ.

લગ્ન બાદ બહેન અને નણંદની વચ્ચે પણ ઝઘડો થવાના ચાન્સ વધી જતા હોય છે. તેવામાં જો ભાઈ બહેનની જગ્યાએ પત્નિનો પક્ષ લે છે તો બહેનને ખરાબ લાગે છે. તેથી દરેક ભાઈને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમણે પત્નિના લીધે બહેન સાથે સંબંધ ના બગાડવા જોઈએ. જો કોઈ બાબતમાં બહેનની પણ ભૂલ હોય તો તમે તેને પ્રેમથી સમજાવી શકો છો. પ્રેમ દરેક ખાટી બાબતોને દૂર કરવામાં સફળ રહે છે. લગ્ન બાદ ભાઈની પત્નિ કે બહેનનો પતિ પોતાની નણંદ કે સાળી વિશે ખરાબ બોલી શકે છે. તેવામાં તમારે તેમની વાતોમાં ના આવવું જોઈએ. પોતાના ભાઈ કે બહેનની સાથે હંમેશા એવો જ સંબંધ રાખવો જોઈએ જેવો તમે લગ્ન પહેલાં રાખતા હતા.

આજના સમયમાં બધા જ વ્યસ્ત રહેતા હોય છે પરંતુ લગ્ન બાદ તો કામકાજ વધી જતું હોય છે. તેવામાં તમે પોતાના ભાઈ કે બહેનની સાથે એવો મસ્તીવાળો ટાઈમ પસાર કરી શકતા નથી જેઓ લગ્ન પહેલા બાળપણમાં પસાર કરતા હતા. તેથી પોતાની દોડતી જિંદગીમાંથી એક નાનકડો બ્રેક લો અને પોતાના ભાઈ કે બહેનની સાથે ફરીથી તમે પહેલા જેવી મજાક-મસ્તી કરો.

લગ્ન બાદ આપણે આપણી પત્નિ કે પતિ ઉપર વધારે ધ્યાન આપવા લાગીએ છીએ. તેને સ્પેશિયલ ફીલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જ્યારે વાત ભાઈ કે બહેનની આવે છે તો તેમના માટે કઇ ખાસ કરી શકતા નથી. તેવામાં તેમને લાગે છે કે તમારા જીવનમાં હવે તેમની કોઈ વેલ્યુ રહી નથી. તેથી તમે આ ભૂલ ના કરો અને પોતાના ભાઈ કે બહેનને જન્મદિવસ કે રક્ષાબંધન પર તેમને સ્પેશિયલ ફીલ કરાવો અને તેમના માટે કંઈક ખાસ કરો.