કપડા ધોવા કોઈને પણ પસંદ હોતા નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તેમાં ઘણા પ્રકારના જિદ્દી ડાઘ લાગેલા હોય છે. પાન, ગુટખા, ચા, કલર, સ્યાહી, તેલ અને આઈસ્ક્રીમ જેવી ચીજોના ડાઘ ધોયા બાદ પણ નીકળવાનું નામ લેતા નથી. તેવામાં આ જિદ્દી ડાઘને હટાવવા માટે થોડું સ્માર્ટ રીતે વોશિંગ કરવું પડે છે. તેવામાં આજે અમે તમને આ જિદ્દી ડાઘને સરળતાથી હટાવવા માટેના રામબાણ ઉપાયો જણાવીશું.
પાન-ગુટખાના ડાઘને આ રીતે કરો દૂર
પાન અને ગુટખા જેવા ડાઘ મોટાભાગે પુરુષોના કપડાં પર જ જોવા મળે છે. આ પ્રકારના ડાઘને કાઢવા માટે મહિલાઓને પરસેવો છૂટી જાય છે. તેવામાં તમે આ ડાઘ લાગેલ કપડાને ખાટા દહીં કે છાશમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પલાળીને રાખી દો. ત્યારબાદ ડાઘ વાળી જગ્યા પર હળવા હાથે ઘસો. જો આ ડાઘ પહેલી વારમાં ના નીકળે તો આ પ્રક્રિયાને બે થી ત્રણ વાર કરવી.
ચા – કોફીના ડાઘને આ રીતે દૂર કરો
ચા કે કોફી ના ડાઘવાળા કપડાને જેટલું જલ્દી બની શકે ગરમ પાણીમાં તેમજ ડિટર્જન્ટ પાઉડરમાં પલાળી દો. થોડા સમય પછી તેને વારંવાર ઘસો. તેનાથી ડાઘ નીકળી જવા જોઈએ. તેમ છતાં પણ જો આ ડાઘ ના નીકળે તો ભીના કપડા પર બેકિંગ સોડા નાખીને અડધા કલાક સુધી તેને છોડી દો. આ બેન્કિંગ પાવડર ચા ના ડાઘ ને દૂર કરવાનું કામ કરશે. અડધો કલાક થઇ ગયા બાદ તે કપડાંને ઘસીને સાફ કરી લો. તેના સિવાય કપડાં પર ચા પડી જાય તો તરત જ ટુથપેસ્ટ લગાવી દો અને ૨૦ મિનિટ પછી ધોઈ નાખો. તેના સિવાય મીઠું નાખીને ઘસવાથી પણ આ પ્રકારના ડાઘ કાઢી શકાય છે. આ બધા ઉપાયો પણ ના ચાલે તો ૧/૨ કપ પાણીમાં ૧ નાની ચમચી વિનેગર નાખો અને તેને ડાઘ પર થોડો સમય રાખ્યા બાદ ધોઈ નાખો.
ચોકલેટ આઈસ્ક્રીમના ડાઘ આ રીતે દૂર કરો
ચોકલેટનો લાગેલ ડાઘ સૌથી વધારે જિદ્દી હોય છે. તેથી સારું રહેશે કે ડાઘ લાગતાં જ કપડા પર તરત જ ટેલકમ પાવડર છાંટી દો. તેનાથી ચોકલેટનો તાજો ડાઘ સુકાઈ જશે. ત્યારબાદ તમે તેને ગરમ પાણીથી ધોઈ શકો છો. વળી આઈસક્રીમ કે ફ્રુટ જ્યુસ થી લાગેલ ડાઘ ને દુર કરવા હોય તો ડાઘ વાળી જગ્યા પર અમોનિયા લગાવીને કપડા સાફ કરી શકો છો.
કલર સ્યાહી જેવા ડાઘ આ રીતે દૂર કરો
કલરનો ડાઘ લાગી જાય તો તેને કેરોસીનથી ઘસીને દૂર કરી શકાય છે. ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ નાખો. તમારો ડાઘ સ્યાહી વાળો હોય તો ડેટોલ લગાવીને તેને ઘસો. સફેદ શૂટ માંથી સ્યાહીનો ડાઘ કાઢવા માટે અડધું કપાયેલ ટમેટા પર મીઠું લગાવો અને તેને ડાઘ પર ઘસો. તે ઉપરાંત તમે મીઠું અને લીંબુના રસને ડાઘ વાળા ભાગ પર લગાવીને અડધો કલાક માટે છોડી શકો છો. ત્યારબાદ ગરમ પાણીથી ધોવાથી ડાઘ નીકળી જશે.