અભ્યાસમાં હંમેશા પાછળ રહેતું હોય તમારું બાળક તો અપનાવો આ ઉપાયો

વાસ્તુથી આપણા જીવનનો દરેક ભાગ પ્રભાવિત હોય છે અને તેનો શુભ અને અશુભ પ્રભાવ પડે છે. ઘરના પ્રત્યેક સદસ્યના સ્વાસ્થ્ય, કરિયર અને ધનની બાબતમાં પણ વાસ્તુનો ઊંડો પ્રભાવ પડે છે. વાસ્તુદોષ હોય તો તમારી પ્રગતિમાં પણ અડચણો આવતી રહે છે અને તમારા પરિવારના લોકોને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. આજે અમે જણવવા જઈ રહ્યા છીએ બાળકોના ભણતર વિશે. ઘણા ઘરમાં એવું જોવા મળે છે કે બાળકો મહેનત કર્યા બાદ પણ ભણવામાં પાછળ રહેવા લાગે છે. બાળકની ભણવાની દિશા કે પછી તેમના રૂમમાં વાસ્તુદોષ પણ તેનું કારણ હોઇ શકે છે. આજે અમે એવા જ વાસ્તુદોષ વિશે વાત કરવા જ રહ્યા છીએ કે જેના લીધે તમારું બાળક ભણતરમાં પાછળ થઈ રહ્યું છે.

આ દિશામાં હોવું જોઈએ મોઢું

તે વાતનું ધ્યાન રાખો કે અધ્યયન કરતાં સમયે બાળકનું મોઢું ઉત્તર-પૂર્વ અથવા તો ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશાને દેવ દિશા માનવામાં આવે છે. આ દિશામાં મોઢું રાખીને ભણવાથી બાળકોને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. તેમના દરેક વિચારોમાં ઉચ્ચતા આવે છે. તેમનું મન પણ એકાગ્રચિત થઈને ભણવામાં લાગે છે. આ દિશામાં મોઢું રાખીને ભણવાથી બાળકોને ભણેલો પાઠ્યક્રમ જલ્દી સમજમાં આવે છે અને જલ્દી યાદ પણ રહી જાય છે.

આ દિશામાં હોવો જોઈએ અધ્યયન કક્ષ

જો તમે ઘર બનાવવા વિશે વિચારી રહ્યા હોય કે પછી નવા ઘરમાં રહેવા જવાના હોય તો તે વાતનું ધ્યાન રાખો કે બાળકોને ભણવાનો રૂમ ઉત્તર-પૂર્વમાં જ હોય અથવા તો પૂર્વ દિશામાં બનાવવો જોઈએ. આવું હોય તો બાળકોનું ધ્યાન ભણતરમાં લાગે છે અને તેના પર ઈશ્વરની વિશેષ કૃપા રહે છે.

ભણવાનો કક્ષ આવો હોવો જોઈએ

અભ્યાસનાં રૂમમાં એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે ટેબલ પર રમવાની વસ્તુઓ કે પછી એવી વસ્તુઓ ના રાખો કે જેનાથી બાળકોનું ધ્યાન બીજી તરફ જાય. હંમેશા અધ્યયન કક્ષમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ જે બાળકોની એકાગ્રતા વધારવામાં મદદ કરે. અભ્યાસ કરવાના ટેબલ પર પિરામિડ, મીનાર કે ઊડવા વાળા પક્ષી, ફિનિક્સના ચિત્ર રાખવા જોઈએ. આવું કરવાથી બાળકોની વિચારવાની ક્ષમતા વધે છે અને તેમની કલ્પના શક્તિ મજબૂત થાય છે. તેની સાથે જ બાળકોના ટેબલ પર તમારે સ્ફટિક ગ્લોબ રાખવો જોઈએ. ગ્લોબને રોજ ફેરવવો જોઇએ.

આ પ્રકારે ના બેસે બાળકો

અભ્યાસ કરતાં સમયે બાળકો એ રીતે ના બેસે કે દરવાજા તરફ તેમની પીઠ રહે અથવા તો અધ્યયન કરતા સમયે તેમના પાછળ કોઈ અડચણ રહે, તેમની સામે કોઈ થાંભલો કે કોઈ અન્ય અડચણ હોય. આવું થવાથી બાળકોની બુદ્ધિનો માનસિક વિકાસ અટકી જાય છે અને તેમનું મન પણ ભણવામાં ઓછું લાગે છે.

દિવાલનો રંગ

બાળકોના અભ્યાસ રૂમની દિવાલનો રંગ પણ ખૂબ મહત્વ રાખે છે. દિવાલોનો રંગ આછો વાદળી, બદામી કે પછી પીળો હોવો જોઈએ. દિવાલો પર પ્રેરણાદાયક મહાપુરુષો કે પછી મહાન વૈજ્ઞાનિકોના ચિત્ર તમે લગાવી શકો છો. આવું કરવાથી તેમને પ્રેરણા પ્રાપ્ત થતી રહે છે. તમે ઈચ્છો તો દિવાલો પર નાની-નાની રેક બનાવીને બાળકોની ટ્રોફી વગેરે લગાવી શકો છો.

આવી રીતે ના રાખો પુસ્તકો

વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોની અલમારી કે પુસ્તકો ક્યારેય પણ ખુલ્લા રાખવા જોઇએ નહી. અલમારી ખુલ્લી હોય તો બાળકોના પુસ્તકો વાળી અલમારી પર પડદો રાખવો જોઈએ.  ખુલ્લા પુસ્તકો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ટેબલ પર પુસ્તકો વિખરાયેલા રાખવા જોઇએ નહી. અધ્યયન કક્ષમાં ભૂલથી પણ જૂના પુસ્તકો કે પછી કચરો ના રાખો. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જે બાળકોના સ્વાસ્થ્ય અને મગજ બંને પર પ્રભાવ નાખે છે.