મહારાજા જયસિંહ પ્રભાકરનું નામ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. રાજસ્થાનના અલવર ના રાજા મહારાજા જયસિંહ પ્રભાકર ખૂબ જ અમીર હતાં અને તે પોતાની દોલત માટે જાણીતા હતાં. તેમની સાથે જોડાયેલ એક કિસ્સા અનુસાર એકવાર રાજા કોઈ કામથી લંડન ગયા હતાં. લંડનમાં રાજાને રોલ્સ-રોયસ કાર ખૂબ જ પસંદ આવી અને તેમણે આ કારને ખરીદવાનો નિર્ણય કર્યો. પરંતુ રોલ્સ-રોયસનાં શો-રૂમમાં કામ કરનાર એક કર્મચારીએ રાજા સાથે ખરાબ વર્તન કર્યું, જેના લીધે રાજાએ એકસાથે ૭ કાર ખરીદી લીધી.
કહેવામાં આવે છે કે વર્ષ ૧૯૨૦માં જયસિંહ લંડન ફરવા માટે ગયા હતાં. એક દિવસ રાજાની નજર રોલ્સ-રોયસનાં શો-રૂમ પર પડી. આ શો-રૂમની અંદર ઉભેલી એક લક્ઝરી કાર રાજાને પસંદ આવી ગઈ અને તેમણે આ કાર ખરીદવાનો નિર્ણય કર્યો. કારને ખરીદવા માટે રાજા-મહારાજા જયસિંહ પ્રભાકર શો-રૂમની અંદર ચાલ્યા ગયા. જયસિંહ પ્રભાકરને જોઈને શો-રૂમનાં એક કર્મચારીએ તેમને ગરીબ સમજી લીધા અને તેમને શો-રૂમમાંથી બહાર જવાનું કહ્યું. કર્મચારીએ રાજાને કહ્યું કે, આ કાર તેમના બજેટની બહાર છે. તે તેમને ખરીદી નહી શકે. સાથે જ આ કર્મચારીએ રાજાની મજાક ઉડાવી. આ વાતથી રાજા ખૂબ જ દુઃખી થયા.
એકસાથે ખરીદી લીધી ૭ કાર
રાજા મહારાજા જયસિંહ પ્રભાકર પરત પોતાની હોટલ પર આવી ગયા અને તેમણે પોતાના નોકરોને આદેશ આપ્યો કે, તે કાલે શાહી અંદાજમાં તે શો-રૂમમાં જશે. રાજાનો આદેશ માનીને જયસિંહ માટે રોલ્સ-રોયસનાં શો-રૂમમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી. વળી શો-રૂમમાં પહોંચીને રાજાએ ત્યાંના મેનેજરને કહ્યું કે, તેમની પાસે શો-રૂમમાં જેટલી પણ કાર છે તે બધી જ ખરીદવા માંગે છે. પરંતુ તેમના સેલ્સમેને જ આ કાર પોતે ઇન્ડિયા પહોંચાડવી પડશે. ત્યાંના મેનેજરે રાજાની આ વાત માની લીધી અને ૭ રોલ્સ-રોયસ કાર રાજાનાં નામથી બુક કરી.
રાજાએ એકસાથે બધી કારનું પેમેન્ટ પણ કરી દીધું. રાજા તરફથી આટલો મોટો ઓર્ડર મળવાથી કાર શો-રૂમનાં બધા જ કર્મચારીઓ ખુબ જ ખુશ થઇ ગયા, પરંતુ રાજા પોતાની સાથે થયેલા અપમાનને ભૂલ્યા ના હતાં. તેથી રાજાએ આ બધી જ કારનો ઉપયોગ ના કરવાનો નિર્ણય કર્યો. વળી જ્યારે રાજાની આ ગાડીઓ ભારત આવી તો રાજાએ આ ગાડીઓમાં બેસવા માટે મનાઈ કરી દીધી અને આ ગાડીઓ નગરપાલિકાને સોંપી દેવામાં આવી. રાજાએ નગરપાલિકાને આદેશ કર્યા કે આ કારમાં જ દરેક વિસ્તારનો કચરો ભરવામાં આવે. રાજાનો આદેશ માનીને તેમની ગાડીઓમાં દરેક વિસ્તારનો કચરો ભરવામાં આવ્યો, એટલું જ નહી આ ગાડીઓની આગળ સાવરણી પણ લગાવી દેવામાં આવી. કારણકે જ્યારે આ કાર ચાલે તો રસ્તો સાફ થતો રહે.
પત્ર લખીને માંગી માફી
ધીમે-ધીમે આ સમાચાર સંપૂર્ણ દુનિયામાં ફેલાઈ ગયા અને લોકોએ આ ગાડીઓને ખરીદવાનું બંધ કરી દીધું અને કંપનીની વેલ્યુ ડાઉન થવા લાગી. આટલું ખરાબ અપમાન જોઈને કંપની તરફથી રાજા પાસે માફી માંગવામાં આવી અને રાજાને કહ્યું કે તે આ ગાડીઓમાં કચરો ના ભરે. કંપની તરફથી રાજાને એક પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં રાજા જયસિંહ સાથે પોતાના કર્મચારીનાં વ્યવહારનાં લીધે માફી માંગવામાં આવી અને સાથે જ અનુરોધ કર્યો કે તેમની આ ગાડીઓમાં કચરો ભરવાનું બંધ કરવામાં આવે. આવું કરવાથી તેમની કારની છબી ખરાબ થઈ રહી છે. રાજા જયસિંહ એ કંપની તરફથી માંગવામાં આવેલ માફીને સ્વીકાર કરી લીધી અને કારમાં કચરો ભરવાનું કામ બંધ કરવામાં આવ્યું.