ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૩ ની ૩૯ મી મેચ શનિવારે કોલકાતાનાં ઇડન ગાર્ડન ખાતે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સનાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટનાં નુકસાન પર ૧૭૯ રન બનાવ્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે માત્ર ૧૭.૫ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
આ રીતે ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી મેચમાં ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી આ મેચમાં પુર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ગુજરાત ટાઇટન્સનાં કોચ આશિષ નેહરાનો ફની અંદાજ જોવા મળ્યો હતો. ક્રિકેટરોમાં ક્રિકેટનાં મેદાન પર હસી-મજાક તો ચાલતી જ રહે છે. ફેન્સ માટે પણ બે ક્રિકેટરોની મિત્રતા ખુબ જ રોમાંચક હોય છે. મજા ત્યારે વધારે આવે છે જ્યારે બે જુના ક્રિકેટરો લાંબા સમય પછી મળે છે.
તે સમયે જ્યારે તેઓ પોતાના જુના દિવસોને યાદ કરે છે અથવા એવું કંઇક કરે છે, જેનાથી તેમની મિત્રતા કેટલી પાક્કી છે, તે ખબર પડે છે. ત્યારે કેમેરામાં જોવું એકદમ શાનદાર હોય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી કરી રહેલા ગુજરાત ટાઇટન્સનાં કોચ આશિષ નેહરા અને મુરલી કાર્તિકનો આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ માટે બંને ટીમો ઈડન ગાર્ડન ખાતે સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર સાથે ભેગી થઈ હતી. વરસાદનાં કારણે મેચ મોડી શરૂ થવાની હતી તેથી આશિષ નેહરા મુરલી કાર્તિક પાસે આવે છે. પહેલા તો બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત કરે છે પરંતુ આ દરમિયાન આશિષ નેહરા મુરલી કાર્તિકનાં પ્રાઇવેટ પાર્ટ પર લાત મારે છે.
નેહરાની આ અચાનક હરકતનાં કારણે કાર્તિક જમીન પર પડી જાય છે. બાદમાં નેહરા કાર્તિકને ઉભો કરે છે અને બંને હસવા લાગે છે. બંને પુર્વ ખેલાડીઓનો આ ફની અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આશિષ નેહરા અને મુરલી કાર્તિક વર્ષો સુધી સાથે મળીને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે. ૪૪ વર્ષીય નેહરા અને ૪૬ વર્ષીય મુરલી કાર્તિક રાષ્ટ્રીય ટીમમાં પણ સાથે રમી ચુક્યા છે. મુરલી કાર્તિક ૨૦૦૦ થી ૨૦૦૭ સુધી ભારતીય ટીમ તરફથી રમ્યા હતાં.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 29, 2023
કાર્તિક ટીમ ઇન્ડિયા માટે ૮ ટેસ્ટ અને ૩૭ વન ડે રમ્યા છે, જ્યારે નેહરા ૧૯૯૯ થી ૨૦૧૭ વચ્ચે ૧૭ ટેસ્ટ, ૧૨૦ વન-ડે અને ૨૭ ટી-૨૦ મેચ રમ્યા છે. આશિષ નેહરા અને મુરલી કાર્તિક માત્ર મિત્રો જ નથી પરંતુ તેમની વચ્ચે એક મોટી સમાનતા પણ છે. બંને ડાબોડી બોલર છે. આશિષ નેહરા ડાબા હાથે ઝડપી બોલિંગ કરતા હતાં તો મુરલી કાર્તિક શ્રેષ્ઠ ડાબોડી સ્પિન બોલર હતાં. અનિલ કુંબલે અને હરભજન સિંહના સારા દેખાવનાં કારણે કાર્તિકને ખાસ તક મળી નહોતી. નિવૃત્તિ બાદ મુરલી કાર્તિક કોમેન્ટ્રીમાં સક્રિય છે જ્યારે નેહરા કોચિંગ અને કોમેન્ટ્રી બંનેમાં વ્યસ્ત છે.