ઓસ્ટ્રેલિયાના હેડ કોચે માન્યું, ભારતને ઓછી આંકવી પડી ગયું ભારે, વીરુએ ટ્વીટ કરીને કહ્યું, સો ટકા સાચું બોલ્યા

Posted by

મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમની વચ્ચે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. બોર્ડર-ગાવસ્કર સિરિઝની આ છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી અને આ ટેસ્ટ મેચ જીતીને ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. હકીકતમાં બ્રિસબેનનાં ગાબા મેદાન પર ૩૨ વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ટીમ કોઈ ટેસ્ટ મેચ હારી છે. ૩૨ વર્ષથી આ મેદાન પર જેટલી પણ ટેસ્ટ મેચ રમાઈ હતી તેમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ફક્ત જીત પ્રાપ્ત થઈ હતી એટલે કે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા છેલ્લાં ૩૨ વર્ષથી એક પણ મેચ હાર્યું ના હતું. તેવામાં ભારતની આ જીત એક ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે.

દુનિયાભરના ખેલાડીઓ ભારતીય ટીમની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. હકીકતમાં ભારતીય ટીમમાં મોટાભાગના ખેલાડીઓ નવા હતાં, તેવામાં માનવામાં આવી રહ્યું હતું કે ભારત માટે આ ટેસ્ટ જીતવી અશક્ય છે. પરંતુ નવા ખેલાડીઓએ મેચ દરમિયાન કરિશ્મા કરીને બતાવ્યો અને આ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી.

વળી ભારતને આ જીત મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગરે કહ્યુ કે તે ભવિષ્યમાં ક્યારેય પણ ભારતીય ટીમને ઓછી આંકવાની ભૂલ કરશે નહી. તેમના આ નિવેદન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પ્રતિક્રિયા આવી છે અને તેમણે લેંગરનાં આ નિવેદનનો વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યું છે કે સો ટકા સાચી વાત લેંગરે કહી છે. ભારતીયોને ક્યારેય પણ ઓછા આંકવા જોઈએ નહી. આ જીતની ખુશી ઘણા દિવસો સુધી અને ઘણા વર્ષો સુધી મનાવવામાં આવશે.

ભારતની આ જીત પર પાકિસ્તાનનાં ખેલાડીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે અને ટીમ ઇન્ડિયાની ખુબ જ પ્રશંસા કરી છે. વસીમ અક્રમે ટ્વિટર પર લખ્યું છે કે, “અવિશ્વસનીય ટેસ્ટ અને સીરિઝ જીત ભારતની ટીમ માટે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સાહસિક અને દમદાર એશિયાઈ ટીમ માટે આનાથી મુશ્કેલ પ્રવાસ ક્યારેય જોયો નથી. કોઈ વિષમતા આ ટીમને રોકી શકી નહી. સ્ટાર ક્રિકેટરોની ઈજા, ૩૬ રન પર ઓલઆઉટ થયા બાદ, અન્ય લોકો માટે પ્રેરણાદાયી. જબરદસ્ત ભારત”.

અખ્તરે ટ્વિટર પર લખ્યું, સીરિઝમાં ૩૬ રન પર ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરિઝ જીતવી, વાહ.

શાહિદ આફ્રિદીએ ટ્વિટર પર લખ્યું, “ભારતનું અવિશ્વસનીય પ્રદર્શન. આટલી બધી ઇજાથી પરેશાન હોવા છતાં પણ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત મેળવી, ભારતીય ટીમને શુભકામના. આ સીરીઝને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે”.

મહત્વપૂર્ણ છે કે અજિંક્ય રહાણેની કપ્તાનીમાં આ ટેસ્ટ મેચ રમાઈ હતી અને ભારતીય ટીમમાં મોટાભાગનાં ખેલાડી નવા હતાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં અનુભવી ખેલાડી હોવા છતાં પણ ભારતીય ટીમ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *