બોલિવુડની સૌથી મોટી હસ્તીનું થયું નિધન, આખું બોલિવુડ શોકમાં ડુબી ગયું, અચાનક નિધનથી બોલિવુડ જગતમાં માતમ

દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપડાની પત્નિ અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપડા નું આજે નિધન થઈ ગયું છે. તેમણે ૭૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. યશ ચોપડાનું તો લગભગ ૧૧ વર્ષ પહેલા જ નિધન થઈ ગયું હતું. હવે પામેલા ચોપડા ની વિદાયથી યશરાજ પરિવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પામેલા ચોપડા એ ૨૦ એપ્રિલની સવારે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

યશ ચોપડાની પત્નિ અને આદિત્ય ચોપડા ની માતા પામેલા ચોપડા નું આજે સવારે ૨૦ એપ્રિલનાં રોજ નિધન થઈ ગયું છે. તેઓ ૭૪ વર્ષના હતાં. પામેલા ચોપડા એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતાં. તે એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ૧૫ દિવસથી તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડોક્ટરો એ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતાં પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થતો નહોતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા.

લીલાવતી હોસ્પિટલનાં ડો.પ્રહલાદ પ્રભુદેસાઈએ જણાવ્યું કે, “પામેલા ચોપડાનું આજે સવારે ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટિઓર્ગન ફેલ્યોરનાં કારણે નિધન થયું છે”. પામેલા ચોપડા એ વર્ષ ૧૯૭૦ માં યશ ચોપડા સાથે લગ્ન કર્યા હતાં. તેની સાથે જ યશરાજ ફિલ્મ્સે પણ ટ્વીટ કરીને પામેલા ચોપડાનાં નિધન પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. પામેલા અને યશને બે પુત્રો છે, આદિત્ય ચોપડા અને ઉદય ચોપડા.

પામેલા ચોપડા છેલ્લે YRF ની ડોક્યુમેન્ટરી “ધ રોમેન્ટિક્સ” માં જોવા મળ્યાં હતાં. આ ડોક્યુમેન્ટ્રીમાં તેણે પોતાનાં પતિ યશ ચોપડા અને તેની જર્ની વિશે વાત કરી હતી. “ધ રોમેન્ટિક્સ” માં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં યશ ચોપડાનાં યોગદાન પર જ નહી પરંતુ પામેલા એ આપેલા યોગદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ શો માં પામેલાએ એ દિવસોને યાદ કર્યા હતાં જ્યારે નિર્માતા તરીકેની પોતાની પહેલી ફિલ્મ (દાગ-૧૯૭૩)ની રજુઆત પહેલાં દિગ્દર્શકે ઉંઘ્યા વગર ઘણી રાતો પસાર કરી હતી. સ્ત્રી પરિપ્રેક્ષ્ય કેવી રીતે કાર્ય કરે છે, તે સમજવા માટે યશ ઘણીવાર તેની પત્નિ પાસે પણ પહોંચતા હતાં.

યશરાજ ફિલ્મ્સે પામેલા વિશે ટ્વિટર પર ટ્વીટ કરીને તેના નિધનની જાણકારી આપી હતી. તેમાં લખ્યું હતું કે, “ભારે હૃદય અને દુ:ખ સાથે ચોપડા પરિવાર જણાવે છે કે પામેલા ચોપડાનું આજે સવારે ૭૪ વર્ષની વયે નિધન થયું છે. સવારે ૧૧ વાગ્યે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અમે તમારી પ્રાર્થનાઓ માટે ખુબ જ આભારી છીએ. આ દુ:ખદ સમયમાં અમે ઇચ્છીએ છીએ કે અમારી ગોપનીયતાનું સન્માન કરવામાં આવે”.

પ્રખ્યાત પટકથા લેખક જાવેદ અખ્તરે પામેલાને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે. જાવેદ અખ્તરે લખ્યું કે, “શ્રી યશ ચોપરાનાં પત્નિ પામ (પામેલા) જી નું આજે નિધન થયું છે. તે એક મહાન સ્ત્રી હતી. બુદ્ધિશાળી, શિક્ષિત અને ખુશમિજાજ. જે લોકોએ મારી જેમ યશ સાથે મળીને કામ કર્યું છે, તેઓ સ્ક્રિપ્ટો અને સંગીતમાં તેમના યોગદાનને જાણે છે. તે એક ખાસ મહિલા હતી”.