દિકરીનાં પહેલા પિરિયડ પર પિતા એ આપી પાર્ટી, મહેમાનોને બોલાવીને કેક કાપી, તસ્વીરો થઈ વાયરલ

Posted by

આજે પણ આપણા દેશમાં લોકો માસિક ધર્મ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં અસહજ અનુભવે છે. આપણે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે અને જોયા પણ છે કે જેમાં સ્ત્રીઓને માસિક સ્રાવ આવે ત્યારે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને અસ્પૃશ્યોની જેમ વર્તે છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે અને આ દિવસોમાં ધાર્મિક સ્થળોથી લઈને રસોડામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ રાખવામાં આવે છે.

આ તમામ ઘટનાઓ વચ્ચે ઉત્તરાખંડના કાશીપુરથી એક હૃદયને સ્પર્શી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જે તમામ માતા-પિતા માટે એક બોધપાઠ સમાન છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જિતેન્દ્ર ભટ્ટ નામના વ્યક્તિએ પોતાની પત્નિ સાથે દિકરીના પહેલા પિરિયડની ઉજવણી કરી છે. બંનેએ દિકરી સાથે કેક કાપીને માસિક ધર્મ સાથે જોડાયેલી જરૂરી જાણકારી શેર કરી હતી.

જાણકારી અનુસાર કાશીપુરના રહેવાસી જિતેન્દ્ર ભટ્ટ પોતાની પત્નિ અને દિકરી સાથે રહે છે. હાલમાં જ તેને દિકરીના પહેલા માસિક ધર્મ વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ તેમણે અને તેની પત્નિએ સાથે મળીને પુત્રીને તેનાં સંબંધિત તમામ માહિતી શેર કરી હતી, જેથી તેના માસિક સ્રાવને લગતી બધી મુંઝવણ દુર થાય. સાથે જ સમાજમાં માસિક ધર્મ વિશેની ધારણાઓ સાથે પણ પરિચય કરાવવામાં આવ્યો હતો.

તેમણે પોતાની દિકરીને કહ્યું કે મહિલાઓમાં માસિક ધર્મ એક સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયા છે અને તેમાં અશુદ્ધિ જેવી કોઈ વસ્તુ નથી હોતી. એટલું જ નહિ, દિકરીને સ્પેશિયલ ફીલ કરાવવા માટે બંનેએ તેને સેલિબ્રેટ કરવાનું પણ નક્કી કર્યું હતું. તેણે તેના નજીકના મિત્રોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને પુત્રીના પ્રથમ માસિક ધર્મની ઉજવણી માટે સાથે મળીને કેક કાપી હતી. જિતેન્દ્ર ભટ્ટની આ પહેલનાં લોકો વખાણ કરી રહ્યા છે. જે સમાજમાં માસિક ધર્મને અપવિત્ર ગણવામાં આવે છે ત્યારે ઉત્તરાખંડના રહેવાસી જીતેન્દ્ર ભટ્ટે આ પગલું ભરીને એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.

ભટ્ટે પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ ક્ષણ શેર કરતા લખ્યું કે હવે દિકરી મોટી થઇ ગઇ છે. જે સમાજમાં છોકરીઓને માસિક ધર્મ દરમિયાન અછુત માને છે ત્યારે જિતેન્દ્ર ભટ્ટના આ પ્રયાસથી તેમની દિકરીને ખાસ હોવાનો અહેસાસ તો થયો જ છે, સાથે સાથે સમાજને એક સંદેશ પણ આપ્યો છે કે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવો એ ખોટી પ્રથા છે. તે મહિલાઓ સાથે સંકળાયેલી એક કુદરતી પ્રક્રિયા છે. લોકો જિતેન્દ્ર ભટ્ટના દિકરીના પહેલા પિરિયડને કેક કાપીને સેલિબ્રેટ કરવાના નિર્ણયની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.