એક ગામમાં ચાર બ્રાહ્મણ મિત્ર રહેતા હતા અને આ બ્રાહ્મણો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. આ ચારેય મિત્રો અલગ-અલગ ગુરુ પાસે જઈને તંત્ર વિદ્યા શીખતા હતા. પાંચ વર્ષ સુધી આ ચારેય બ્રાહ્મણોએ મન લગાવીને પોતાના ગુરુઓ પાસેથી તંત્ર વિદ્યા શીખી હતી. તંત્ર વિદ્યા સંપૂર્ણ રીતે શીખ્યા બાદ આ ચારેય પોતાનાને એકબીજાથી ચડિયાતા સમજવા લાગ્યા હતા અને ઘણીવાર પોતાનાને સારા બતાવવા માટે આ ચારેય મિત્રો વચ્ચે લડાઈ પણ થતી હતી.
એક દિવસ આ ચારેય બ્રાહ્મણોને બીજા ગામમાંથી યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવે છે. આ ચારેય બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે જંગલના રસ્તેથી બીજા ગામડામાં જઇ રહ્યા હોય છે. પરંતુ જંગલમાં એક વાત પર આ બ્રાહ્મણો વચ્ચે ફરીથી લડાઈ શરૂ થઈ જાય છે. ત્યારે જ એક બ્રાહ્મણની નજર ત્યાં પડેલ એક સિંહના કંકાલ પર જાય છે. તે બ્રાહ્મણ અન્ય ત્રણ બ્રાહ્મણોને કહે છે કે હું મારી વિદ્યાથી આ સિંહના કંકાલના હાડકાઓને ફરીથી જોડી શકું છું. આવું કહેતાં જ તે બ્રાહ્મણે મંત્રોનો જાપ શરૂ કરી દીધો અને સિંહના કંકાલને સંપૂર્ણ રીતે જોડી દીધો.
આ બ્રાહ્મણની વિદ્યા જોઈને બીજો બ્રાહ્મણ કહે છે કે હું મારી વિદ્યાની મદદથી આ સિંહના કંકાલમાં ચામડી, માંસ અને લોહી ભરી શકું છું અને આ બ્રાહ્મણ એ પોતાની વિદ્યાની મદદથી સિંહના કંકાલમાં ચામડી, માંસ અને લોહી ભરી દીધું. આ બંને બ્રાહ્મણોની વિદ્યા જોઈને ત્રીજો બ્રાહ્મણ તેમને કહે છે કે મારી પાસે તમારા લોકો કરતાં પણ વધારે જ્ઞાન છે અને હું આ સિંહની અંદર જીવ લાવી શકું છું.
ત્રીજા બ્રાહ્મણની આ વાત સાંભળીને ચોથો બ્રાહ્મણ તેમને આવું કરવાથી રોકે છે અને કહે છે કે જો તું આ સિંહની અંદર જીવને લાવી દઈશ તો તે આપણને ખાઈ જશે. પરંતુ અન્ય બે બ્રાહ્મણોને ત્રીજા બ્રાહ્મણની આ વાત પર વિશ્વાસ નથી આવતો અને તે હસવાનું શરૂ કરી દે છે અને કહે છે કે એવી કોઈ વિદ્યા જ નથી. જેની મદદથી એક સિંહને જીવતો કરી શકીએ.
આ બંને બ્રાહ્મણને હસતા જોઈને ત્રીજા બ્રાહ્મણને ગુસ્સો આવી જાય છે અને તે મંત્રોનો જાપ શરૂ કરી દે છે. પોતાના મિત્રને મંત્રનો જાપ શરૂ કરતાં જોઈને ચોથો બ્રાહ્મણ કોઈપણ પ્રકારની રાહ જોયા વગર એક ઝાડ પર ચડી જાય છે. તેમજ બીજા બે બ્રાહ્મણોને લાગે છે કે સિંહ જીવતો નહીં થાય. પરંતુ મંત્ર પૂરો થતાં જ સિંહ ની અંદર જીવ આવી જાય છે અને સિંહ ઊભો થઈ જાય છે. આ ત્રણેય બ્રાહ્મણ કઈ સમજી શકે તે પહેલાં જ સિંહ આ ત્રણેય પર હુમલો કરી દે છે અને આ ત્રણેય બ્રાહ્મણનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે ચોથો બ્રાહ્મણ ઝાડ પર ચડીને આ બધું જોઈ રહ્યો હોય છે.
વાર્તા પરથી મળેલી શીખ
માણસે પોતાની વિદ્યા અથવા તો જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય પણ ખોટી જગ્યાએ ના કરવું જોઈએ. કારણ કે જો તમે પણ પોતાની વિદ્યા અથવા તો જ્ઞાનનું પ્રદર્શન ખોટી જગ્યાએ કરો છો તો તમારે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.