ભયંકર વિવાદ બાદ આખરે હવે આદિપુરુષ ફિલ્મનાં ડાયલોગ્સ બદલાશે, મેકર્સે કહ્યું જનતાની ભાવનાઓ સર્વોપરી

Posted by

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ “આદિપુરુષ” રિલીઝ થયા બાદથી જ દર્શકોનાં જબરદસ્ત આક્રોશનો સામનો કરી રહી છે. “જલેગી તેરી બાપ કી” જેવા ડાયલોગ્સ ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત હનુમાનજીનાં મુખેથી લોકોની લાગણી દુભાવી રહ્યા છે. દિગ્દર્શક ઓમ રાઉત લંકેશ, રાઘવ અને જાનકીના લુકને પહેલેથી જ અલગ બનાવી ચુક્યા છે. હવે તેના લેખક મનોજ મુન્તાશીર પોતાના સ્ટ્રીટ પ્રિન્ટ ડાયલોગ્સને કારણે લોકોનાં નિશાના પર છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ મનોજે પહેલા તો વાહિયાત તર્ક સાથે પોતાના લખાણને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનાથી પણ લોકોનો ગુસ્સો શાંત ના થયો. હવે મનોજ કહે છે કે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ડાયલોગ્સ બદલવા તૈયાર છે. તેમણે પોતે આ જાણકારી ટ્વિટરનાં માધ્યમથી આપી છે. મનોજે ટ્વિટર પર લખ્યું કે, “રામ કથામાંથી જો સૌથી પહેલો પાઠ શીખી શકાય તો તે છે દરેક લોકોની ભાવનાનું સન્માન કરવું.

સાચું હોય કે ખોટું, સમયની સાથે બદલાય છે, લાગણી તો રહે જ છે. મેં આદિપુરુષમાં ડાયલોગ્સની ૪૦૦૦ થી વધુ લાઈનો લખી હતી, ૫ લાઈન પર અમુક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. તે સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રી રામનું યશગાન કર્યું, માતા સીતાના સતીત્વનું વર્ણન કર્યું, જેમાં પ્રશંસા મળવી જોઈતી હતી પણ ખબર નહિ કેમ ના મળી. મારા પોતાના જ ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા હતાં.

વળી મારા પોતાનાં, જેમની આદરણીય માતાઓ માટે મેં ઘણીવાર ટીવી પર કવિતાઓ વાંચી. તેમણે મારી પોતાની જ માતાને અપમાનજનક શબ્દો કહ્યા. હું વિચારતો રહ્યો કે મતભેદ થઈ શકે છે પરંતુ મારા ભાઈઓમાં જ અચાનક ક્યાંથી આટલી કડવાશ આવી ગઈ કે શ્રી રામના દર્શન કરવાનું પણ ભુલી ગયા, જે દરેક માતાને પોતાની માતા માનતા. શબરીનાં ચરણોમાં એવી રીતે બેસ્યા, જાણે કૌશલ્યા માતાનાં ચરણોમાં બેઠા હોય.

મનોજ મુન્તશિરે પોતાના ટ્વીટમાં આગળ લખ્યું છે કે, “મેં અને ફિલ્મનાં નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે લોકોને દુ:ખ પહોંચાડતા કેટલાક ડાયલોગ્સને સુધારવામાં આવશે. કદાચ ૩ કલાકની આ ફિલ્મમાં મેં ૩ મિનિટ સુધી તમારી કલ્પનાથી કંઇક અલગ લખ્યું હતું પરંતુ મને ખબર નથી પડતી કે તમે મારા પર સનાતન વિરોધી લખવામાં આટલી ઉતાવળ કેમ કરી. શું તમે જય શ્રી રામ, શિવહમ, રામ સિયા રામ ગીત નથી સાંભળ્યું?. આદિપુરુષમાં સનાતનની આ સ્તુતિઓ પણ મારા લખાણોમાંથી જ જન્મી છે. તેરી મિટ્ટી અને દેશ મેરે પણ મેં જ લખ્યા છે.

મને તમારાથી કોઈ ફરિયાદ નથી, તમે મારા પોતાનાં છો અને રહેશો. જો આપણે એકબીજાની વિરુદ્ધ ઉભા રહીશું તો સનાતન ધર્મ હારી જશે. અમે આદિપુરુષ ફિલ્મ સનાતન સેવા માટે બનાવી છે, જે તમે મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો અને મને ખાતરી છે કે તમે આવું કરવાનું ચાલુ રાખશો”. આ પોસ્ટ શા માટે?. કારણ કે મારા માટે તમારી લાગણીઓથી વધુ મહત્ત્વનું બીજું કશું જ નથી. હું મારા ડાયલોગ્સની તરફેણમાં અસંખ્ય દલીલો કરી શકું છું પરંતુ તેનાથી તમારું દુ:ખ ઓછું નહીં થાય.