દરરોજ ૧૭૦ અસહાય માતા-પિતાને ભોજન કરાવે છે આ બંને ભાઈઓ, મફત સારવાર પણ કરાવે છે, જાણો કારણ

આજે પણ દુનિયામાં ઘણા એવા માતા-પિતા છે, જેમને વૃદ્ધાવસ્થામાં સાથ આપવા વાળું કોઈ નથી અથવા તો બાળકો સાથ આપવા માંગતા નથી. આ વૃદ્ધ લોકો એકલા ખૂબ મુશ્કેલીથી પોતાનું જીવન પસાર કરતા હોય છે. તેવામાં ગુજરાતનાં સુરતમાં અલથાણમાં રહેવાવાળા બે સગા ભાઈઓ ગૌરાંગ અને હિમાંશુ સુખડિયા આ પ્રકારના વૃદ્ધોના જીવનમાં ભગવાન બનીને આવ્યા છે. હકીકતમાં ગૌરાંગ અને હિમાંશુ ૨૦૧૬ થી દરરોજ ૧૭૦ અસહાય વૃદ્ધ માતા-પિતાને ફ્રી માં ભોજન કરાવે છે. તેમની સેવા ફક્ત ભોજન કરાવવા સુધી જ સીમિત રહેતી નથી પરંતુ તે તેમના સ્વાસ્થ્ય સંબંધિત સારવાર અને અન્ય જરૂરી ચીજોની પણ મદદ કરે છે.

તેની શરૂઆત ત્યારે થઇ જ્યારે બંને ભાઇઓએ પોતાના પિતાને એક કાર એક્સિડન્ટમાં ગુમાવી દીધા હતા. જ્યારે આ એક્સિડન્ટ થયું ત્યારે કારમાં ગૌરાંગ અને તેમના પિતા હતા. આ ઘટના પછી તેમનાં પિતાનું મૃત્યુ થયું પરંતુ ગૌરાંગનો જીવ બચી ગયો. ત્યારબાદ ગૌરાંગને હંમેશા એ વાત ખટકતી હતી કે તે ક્યારેય પણ પોતાના પિતા માટે કંઈક ખાસ કરી શક્યા નહી. બસ ત્યારબાદ જ તેમને આઈડિયા આવ્યો કે તેમણે ભલે પોતાના પિતા માટે કંઈ કર્યું ના હોય પરંતુ તે બાકી લોકોના માતા-પિતા માટે કંઈક ને કંઈક જરૂર કરી શકે છે. બસ ત્યારથી જ તેમણે વૃદ્ધ અને અસહાય માતા-પિતાના ઘરે ટિફિન પહોંચાડવાનું શરૂ કરી દીધું.

વ્યવસાયે આ બન્ને ભાઈઓ ખાણી-પીણીની દુકાન ચલાવે છે અને સાથે જ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટનું કાર્ય પણ કરે છે જ્યારે તેમણે તે કામ શરૂ કર્યું હતું ત્યારે તે ફક્ત ૪૦ વૃદ્ધ લોકોને ભોજન મોકલતા હતા પરંતુ ધીમે-ધીમે તે સંખ્યા વધીને ૧૭૦ સુધી પહોંચી ગઈ. તેમને ભોજન મોકલવાનું કામ દરરોજ થાય છે. કોઈ દિવસ રજા હોતી નથી. તેમનું ભોજન બનાવવા માટે કર્મચારી રાખવામાં આવેલ છે. ટિફિન પહોંચાડવાનું કામ ચાર રિક્ષાવાળા મળીને કરે છે. આ કામમાં તેમના દર મહિને ૧ લાખ ૭૦ હજાર રૂપિયા ખર્ચ થાય છે. તેમ છતાં પણ તેમણે ક્યારેય કોઈની પાસે મદદ માગી નથી. ગૌરાંગ જણાવે છે કે ઘણીવાર લોકો પોતાની મરજીથી મદદ કરવા માટે જરૂર આવે છે.

ગૌરાંગ આગળ જણાવે છે કે જ્યારે એક બાળક પોતાના માતા-પિતાને છોડી દે છે તો ખૂબ જ દુઃખ થાય છે. હવે આ દુઃખને હું ઓછું તો કરી શકતો નથી પરંતુ તેમના દુઃખમાં ભાગ જરૂર લઈ શકું છું. આ જ કારણ છે કે ગૌરાંગ આ અસહાય વૃદ્ધ લોકોને ભોજન પહોંચાડવાની સાથે સાથે તેમની પાસે જઈને તેમના ખબર અંતર પણ પૂછે છે. તે ત્યાં જઈને એ પણ જાણે છે કે આખરે શા માટે તેમનાં બાળકોએ તેમનો ત્યાગ કરી દીધો. એટલું જ નહીં તે તેમની દવાઓ, આંખોનાં ચશ્મા અને અન્ય સારવારનું પણ ધ્યાન રાખે છે. આ તમામ કામમાં ગૌરાંગ પોતે જ નજર રાખે છે.

આ કામને લઈને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતા ગૌરાંગ જણાવે છે કે ઘણીવાર એવું પણ થયું છે કે જ્યારે હું આ વૃદ્ધ માતા-પિતાની સાર-સંભાળ રાખું છું તો તેમના બાળકો શરમનાં લીધે તેમને પોતાની સાથે લઈ જાય છે. આ બંને ભાઈઓ આપણા બધા જ માટે એક પ્રેરણા છે. તેમને આપણી સલામ.