આ વર્ષે દિવાળીનું શુભ પર્વ ૧૪ નવેમ્બરનાં રોજ આવી રહ્યું છે. દિવાળી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. માન્યતા અનુસાર દિવડાઓથી સજ્જ આ રાતમાં લક્ષ્મીજી ભ્રમણ માટે નીકળે છે અને પોતાના ભક્તોને ખુશીઓ વહેંચે છે. આ તહેવાર ૫ દિવસ (ધનતેરસ, નરક ચતુર્દશી, અમાવસ્યા, કાર્તિક શુક્લ, ભાઈબીજ) નો હોય છે. તેથી તે ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ પર ખતમ થાય છે. દિવાળી તહેવારની તારીખ હિન્દુ કેલેન્ડરના અનુસાર નિર્ધારિત થાય છે. પરંતુ આ તહેવાર ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે.
દિવાળી સાથે જોડાયેલ સૌથી લોકપ્રિય કથા રાજા રામની છે. તેમની પત્નિ સીતાનું અપહરણ કરનાર અસુર રાવણને મારીને અને ૧૪ વર્ષનાં વનવાસ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન શ્રીરામના ઘરે પરત ફરવાની ખુશીમાં લોકોએ પુરી અયોધ્યા નગરી અને પોતાના ઘરોને દિવડાઓથી રોશન કરી દીધી હતી. તે દિવસથી દિવાળી એટલે કે રોશનીનાં તહેવારની ઉજવણી થવા લાગી.
કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી દિવાળીના દિવસે પૃથ્વી પર ભ્રમણ માટે નીકળે છે અને આ દિવસે માં લક્ષ્મી જે વ્યક્તિનાં ઘરમાં નિવાસ કરે છે તેમને ક્યારેય પણ પૈસાની ખોટ પડતી નથી. માં લક્ષ્મીની કૃપા તેમના પર પણ જળવાઈ રહે તે માટે આ દિવસે લોકો પોતાના ઘરને દરેક તરફથી દિવડાઓથી સજાવે છે. પરંતુ અમુક લોકોને તેના વિશે જાણ હોતી નથી કે ઘરમાં કઈ કઈ જગ્યાઓ પર દિવા પ્રગટાવવા જોઈએ. અમુક ખાસ જગ્યાઓ પર દિવા પ્રગટાવવાથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણી લઈએ દિવાળીનાં દિવસે ઘર પર કઈ કઈ જગ્યાઓ પર દિવડા પ્રગટાવવા જોઈએ.
આ પાંચ જગ્યાઓ પર અવશ્ય પ્રગટાવો દિવા
- દિવાળીનાં દિવસે પીપળાનાં ઝાડની નીચે એક દિવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. માન્યતા અનુસાર પીપળાનાં વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે તેથી ત્યાં દિવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
- કહેવામાં આવે છે કે દિવાળીનાં દિવસે માં લક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે. તેથી દિવો પ્રગટાવતા સમયે વ્યક્તિએ ઘરનાં મુખ્ય દરવાજાની બંને તરફ દિવો જરૂર પ્રગટાવવો જોઈએ.
- જો તમારા ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો દિવાળીનાં દિવસે ત્યાં પણ જઈને એક દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી સંપૂર્ણ વર્ષ માં લક્ષ્મીની કૃપા તમારા પર જળવાઈ રહે છે.
- જો તમારા ઘરની આસપાસ કોઈ સુમસાન જગ્યા હોય તો ત્યાં પણ જઈને એક દિવો જરૂર પ્રગટાવવો જોઈએ.
- જો તમારા ઘરમાં આંગણું હોય તો ત્યાં પણ દિવો પ્રગટાવવાનું ભૂલવું નહી. આંગણામાં દિવો પ્રગટાવવાથી તમારું દુર્ભાગ્ય તમારાથી ઘણું જ દૂર ચાલ્યું જશે અને માં લક્ષ્મીનાં આશીર્વાદ તમારા પર હંમેશા માટે જળવાઈ રહેશે. ઘરના આંગણામાં એક મોટો દિવો પ્રગટાવો અને તેમાં રાતભર ઘી ઉમેરતાં રહો.