પોપકોર્ન ખાવા કોને પસંદ હોતા નથી. તેને જો બાળકો કે મોટા લોકોનો ફેવરીટ ટાઇમપાસ કહેવામાં આવે તો તે બિલકુલ પણ ખોટું નથી. બાળકોથી લઇને મોટા લોકો સુધી પોપકોર્ન ખૂબ જ પોપ્યુલર છે. ફિલ્મ જોવાની સાથે જો કંઈક ખાવાની ચીજ લાવવાની હોય તો લોકો હંમેશા પોપકોર્ન લઈને આવે છે. તે ફક્ત ખાવામાં જ ટેસ્ટી નહી પરંતુ તમારા ખાલી સમયને પણ ચપટીમાં પસાર કરી દે છે. તેને ખાતા-ખાતા ક્યારે ફિલ્મ ખતમ થઇ જાય છે, તેની જાણ જ રહેતી નથી.
જો કે વડીલોની સામે જ્યારે પણ તમે પોપકોર્ન ખાઓ છો તો તે ઘણીવાર એવું કહેતા હોય છે કે, “આ કઈ ખાવાની ચીજ થોડી છે”. પરંતુ હકીકત એ છે કે પોપકોર્ન ખાવાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ તેને ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. ભૂખ લાગવા પર તળેલું ખાવાથી સારું છે કે તમે પોપકોર્ન ખાઈ લો. સૌથી સારી વાત એ છે કે તેમાં ખાંડ અને મીઠું એવું કંઈ પણ હોતું નથી, તેથી તેને કોઈપણ ખાઇ શકે છે. આજની આ સ્ટોરીમાં અમે તમને પોપકોર્નનાં અમુક એવા ફાયદાઓ વિશે જણાવીશું, જેમના વિશે તમે હજુ સુધી અજાણ હશો.
કબજિયાતમાં આપે રાહત
પોપકોર્નમાં ફાઈબરની માત્રા વધારે મળી આવે છે, જેના લીધે તમને કબજિયાતમાં રાહત મળે છે. પાચન સંબંધિત સમસ્યા થવા પર પોપકોર્નનું સેવન જરૂર કરવું જોઈએ. પોપકોર્નમાં બી-કોમ્પલેક્સ વિટામિન, વિટામીન-ઇ અને મિનરલ્સ મળી આવે છે, જે પાચનક્રિયાને સુધારવામાં તમારી મદદ કરે છે. સૌથી સારી વાત એ હોય છે કે વધારે માત્રામાં તેનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા થતી નથી.
વજન ઘટાડવામાં મદદરૂપ
વજન ઘટાડવા માંગતા લોકો માટે પોપકોર્ન સૌથી સારું ઓપ્શન સાબિત થઈ શકે છે. ઘણીવાર ડાયટિંગ પર ચાલી રહેલા લોકો ભૂખ લાગવા પર જેવી તેવી ચીજો ખાઈ લેતા હોય છે. તેવામાં જો તમને પણ ડાયટિંગના સમયે ભૂખ લાગતી હોય તો તમારે પોપકોર્નનું સેવન કરવું જોઈએ. તેમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક કપ પોપકોર્નમાં ફક્ત ૩૦ કેલરી હોય છે, જે એક કપ બટેટાની ચિપ્સની તુલનામાં ૫ ગણી ઓછી છે. તેમાં રહેલ ફાઇબર ભૂખ મટાડવામાં તમારી મદદ કરે છે, જેના લીધે તમને વારંવાર ભૂખ પણ લાગતી નથી.
કેન્સરનાં જોખમને કરે ઓછું
જે લોકો નિયમિત રૂપથી પોપકોર્નનું સેવન કરે છે, તેમને કેન્સર થવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. સાથે જ પોપકોર્નનું સેવન કરવાથી તમારૂં હૃદય પણ મજબૂત રહે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચનું માનીએ તો પોલીફીનોલ તે એંજાઈમને બ્લોક કરી નાખે છે, જેના લીધે કેન્સર થવાની સંભાવના હોય છે.
બ્લડ સુગર લેવલને રાખે કંટ્રોલમાં
પોપકોર્નનું ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ખૂબ જ ઓછું હોય છે. હકીકતમાં કોઈપણ આહારનાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ પરથી જાણી શકીએ છીએ કે તેના સેવન બાદ કેટલું બ્લડ સુગર વધવાની સંભાવના છે. જે આહારનું ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઓછું હશે તેના સેવનથી બ્લડ સુગરનું લેવલ ઓછું જ રહે છે. વળી ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ વધારે હોવા પર બ્લડ સુગર અચાનકથી વધી શકે છે.