એક પત્નિથી સારો મિત્ર તમને ક્યાંય નહી મળે, દરેક પતિ-પત્નિએ જરૂરથી વાંચવું

Posted by

એક સોસાયટીમાં પાર્ટીનું આયોજન થયું, જેમાં સોસાયટીનાં બધા જ પરણિત કપલને બોલાવવામાં આવ્યા. સાંજનો સમય હતો. બધા લોકો પોતાના ઓફિસથી આવ્યા બાદ સીધા પાર્ટીમાં પહોંચી ગયા હતા. બધા એકબીજા સાથે મળ્યા, રાત્રિનું ભોજન પણ કર્યું અને પછી એક વૃદ્ધ વ્યક્તિ પાર્ટીમાં આવ્યા અને તેમણે કહ્યું કે આજે આપણે આ પાર્ટી રાખી છે, તે એક વિશેષ પાર્ટી છે. આજે આપણે કંઈક નવું કરવાના છીએ. આખો દિવસ એમ જ ઓફિસના ચક્કર લગાવવામાં નીકળી જાય છે. ચાલો આજે આપણે બધા એક ગેમ રમીએ.

વૃદ્ધ વ્યક્તિ એક વ્હાઇટ બોર્ડ મંગાવ્યું અને પાર્ટીમાંથી એક મહિલાને પસંદ કરીને બોલાવી. હવે આ મહિલાને કહ્યું કે તે આ બોર્ડ પર ૨૦ નામ એવા લખે, જેને તે પ્રેમ કરતી હોય, જે તેના પોતાના હોય. તે મહિલાએ પોતાની માં, પિતા, પતિ, બાળકો, સગા સંબંધીઓ અને પડોશીઓના નામ લખ્યા. હવે તે વૃદ્ધ વ્યક્તિ થોડું હસ્યા અને કહ્યું કે ચાલો હવે આમાંથી ૬ નામ કાઢી નાખો, જેને તમે ઓછું પસંદ કરતા હોય અને જેના વગર તમે સરળતાથી રહી શકો તેમ હોય. મહિલાને થોડો સંકોચ થયો, પરંતુ જ્યારે વૃદ્ધ વ્યક્તિએ જોર આપ્યું તો મહિલાએ પોતાના પાડોશીઓનાં નામ તેમાંથી કાઢી નાખ્યા.

પાર્ટીમાં હાજર રહેલા બધા જ લોકો આ બધું જોઈ રહ્યા હતા. હવે વૃદ્ધ વ્યક્તિએ મહિલાને કહ્યું કે ચાલો આમાંથી વધુ ૧૦ નામ કાઢી નાખો, જેને તમે ઓછો પ્રેમ કરતા હોય મહિલાએ પછી પોતાના સગા સંબંધીઓના નામ વ્હાઇટ બોર્ડ માંથી કાઢી નાખ્યા. હવે બોર્ડમાં ફક્ત ૪ નામ બચેલા હતા, માં, પિતા, પતિ અને બાળક. બધા લોકો એકીટસે જોઈ રહ્યા હતા, ત્યાં જ વૃદ્ધ વ્યક્તિ ફરીથી વિનંતી કરી કે આમાંથી વધુ ૨ નામ કાઢી નાખો. હવે તે મહિલા દુવિધમાં ફસાઈ ગઈ. ગેમ તો તે મહિલા રમી રહી હતી, પરંતુ ત્યાં ઉપસ્થિત બધા લોકોનો શ્વાસ અટકી ગયો હતો.

વધારે ભાર આપવા પર મહિલાએ રડતાં રડતાં પોતાના માં-બાપનું નામ બોર્ડ પરથી કાઢી નાખ્યું. બોર્ડ પર ફક્ત હવે ૨ નામ હતા, પતિ અને બાળક. હવે વૃદ્ધ વ્યક્તિએ ફરી કહ્યું – શાબાશ દીકરી, ચાલો હવે આમાંથી વધુ એક નામ કાઢી નાખો. તે મહિલા ખૂબ જ અસમંજસ માં ફસાઈ ગઈ. પરંતુ વૃદ્ધ વ્યક્તિ એ હિંમત આપી કે આ ફક્ત એક ગેમ છે, તમે વધારે એક નામ કાઢી નાંખો.

મહિલા આગળ વધી અને તેણે પોતાના બાળકનું નામ કાઢી નાખ્યું. હવે બોર્ડ પર ફક્ત તેના પતિનું નામ હતું. હવે વૃદ્ધ વ્યક્તિએ તે મહિલાને પોતાની સીટ પર બેસી જવા માટે કહ્યું અને ત્યાં ઉપસ્થિત બધા લોકોને વૃદ્ધ વ્યક્તિએ સવાલ કર્યો કે આવું શા માટે બન્યું કે ફક્ત પતિનું નામ જ આ બોર્ડ પર રહી ગયું? પરંતુ કોઈ જવાબ આપી શક્યું નહીં.

વૃદ્ધ વ્યક્તિએ ફરીથી તે મહિલાને બોલાવી અને પૂછ્યું કે તમે પોતાના પતિનું નામ જ બોર્ડ પર શા માટે છોડ્યું? તમારા માતા-પિતા એ તમને જન્મ આપ્યો છે, તમે તેમનું નામ પણ કાઢી નાખ્યું અને જે બાળકોને તમે પોતાના ગર્ભમાંથી જન્મ આપ્યો છે, તેમનું નામ પણ તમે કાઢી નાખ્યું, આવું શા માટે?

મહિલા બોલી – સર, હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું, પરંતુ મારા માતા-પિતા વૃદ્ધ થઈ ચૂક્યા છે અને તેઓ જલ્દી મને છોડીને ચાલ્યા જશે. હું મારા દીકરાને પ્રેમ કરું છું, પરંતુ ખબર નહીં તે મોટો થઈને મારો સાથ આપશે કે નહીં? પરંતુ મારા પતિ જ્યાં સુધી મારી સાથે છે, ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે. હું તેમની અર્ધાંગિની છું, તેઓ મારું અડધું શરીર બનીને મારો સાથ આપશે અને જીવનભર મારા દરેક સુખ-દુઃખમાં મારી સાથે રહેશે. એટલા માટે મારા પતિ મને સૌથી વધારે પ્રિય છે.

મહિલાની વાત સાંભળીને સમગ્ર વાતાવરણમાં તાળીઓની ગડગડાટ ગુંજવા લાગી. બધા લોકો તે મહિલાના વિચારોની પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું – આ તો આપણે આજે ગેમ રમ્યા હતા. ગેમ અને મસ્તી પોતાની જગ્યાએ હોય છે, પરંતુ આ ગેમમાં તમારા જીવનની હકીકત છુપાયેલી છે. પતિ અને પત્ની એકબીજાનો અડધું શરીર હોય છે અને એકબીજા વગર જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલા માટે બધા પતિ-પત્નીઓએ એકબીજાનાં પ્રેમની ઈજ્જત કરવી જોઇએ અને દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવવો જોઈએ, ત્યારે જ વિવાહનો સાચો અર્થ સાર્થક થાય છે.

મિત્રો, તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો પોતાના કિંમતી વિચારો અમારા સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જોવામાં આવશે, ત્યાં જઈને અમને તમારા કિંમતી વિચાર લખીને મોકલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *