કેનેડા અભ્યાસ કરવા ગયેલા અમદાવાદનાં હર્ષ પટેલને મળ્યું દર્દનાક મોત, લોહીના આંસુએ રડ્યો પરિવાર

કેનેડાથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટોરેન્ટોમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા ગુજરાતી વિદ્યાર્થી હર્ષ પટેલની લાશ તળાવમાંથી મળી આવી છે. દોઢ વર્ષ પહેલા અમદાવાદનો એક પાટીદાર યુવક કેનેડા ભણવા માટે ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકના મૃતદેહને લેવા માટે પરિવાર કેનેડા ગયો છે. એ યુવક એક મિત્રને મળવા માટે નીકળ્યો હતો પણ ફરી ક્યારેય પાછો ફર્યો નહીં.

મૃતક હર્ષ પટેલના પરિવારજનોના જણાવ્યા મુજબ તે દોઢ વર્ષથી કેનેડામાં પીજી ડિપ્લોમા કરી રહ્યો હતો. મિત્રો સાથે રહેતો હતો. જતા પહેલા તેણે ગોવામાં બિટ્સપિલામાં અભ્યાસ કર્યો હતો. તે કેનેડામાં એક થ્રી સ્ટાર હોસ્ટેલમાં રહેતો હતો. કોઈ આર્થિક સમસ્યા નહોતી અને તે અભ્યાસમાં પણ હોશિયાર હતો. આઈલેટ્સમાં પણ ૮ બેન્ડ મેળવ્યા હતાં. તેમનાં પરિવારમાં માતા-પિતા, બહેન અને ત્રણ કાકા સહિત પરિવારનો સમાવેશ થાય છે.

તેમનાં પરિવારમાં કોઈ આર્થિક સમસ્યા નહોતી. આ ઘટના શુક્રવારે બની હતી. તેમનાં પરિવારે સોમવારે તેની સાથે વાત પણ કરી હતી. પરિવારને મૃત્યુ પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. બની શકે છે કે તે કોઇની સાથે ગયો હોય અને પાણીમાં ડુબી ગયો હોય, તે આત્મહત્યા પણ હોય શકે છે, સંપુર્ણ તપાસ પુર્ણ થયા બાદ જ સાચું કારણ જાણવા મળી શકે છે. તે દોઢ વર્ષથી કેનેડામાં હતો અને પીજી ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યો હતો. મિત્રો સાથે રહેતો હતો.

કેનેડાના ટોરેન્ટો નજીક બ્રેમ્પટનમાં રહેતા અને હ્યુમન્સ ઓફ હાર્મની સંસ્થા સાથે સંકળાયેલા પથિક શુક્લાએ જણાવ્યું હતું કે હર્ષ પટેલ ૧૪ મી શુક્રવારે પોતાના મિત્રોને ત્યાં એસાઇન્મેન્ટ માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે ઘરે પરત ના ફરતા તેના મિત્રો ચિંતામાં આવી ગયા હતાં અને તેણે બધાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શુક્રવાર રાતથી જ પોલીસ હર્ષ પટેલને શોધવાનો પ્રયાસ કરી રહી હતી.

કાર ચાલકે હર્ષ પટેલને ક્યાં ઉતાર્યો તે અંગે પોલીસે ટ્રેકિંગ કર્યું હતું. શનિવારે મોડી રાત્રે પોલીસને એક મૃતદેહ મળ્યો હતો પરંતુ પોલીસ તેની પુષ્ટી કરી શકી નથી કે તે હર્ષ પટેલનો છે કે નહી. પોલીસે રવિવારે સવારે ફિંગર પ્રિન્ટ મેચ કરી ત્યારે લાશ હર્ષ પટેલની જ લાશ હોવાની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદ પોલીસે પરિવારજનોને જાણ કરી હતી. મુળ ભરૂચનાં અને છેલ્લા ૧૨ વર્ષથી કેનેડા સ્થાયી થયેલા પથિક શુક્લાએ જણાવ્યું હતું કે, “હર્ષ પટેલના પરિવારે અમારો સંપર્ક કર્યો હતો.

હર્ષનાં કાકા ભારતથી અહીં આવ્યા હતાં, જેની સાથે અમારી વાતચીત શરૂ થઈ. અમે તેના પરિવારને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. પરિવારજનોની ઇચ્છા છે કે હર્ષ પટેલના મૃતદેહને અમદાવાદ પરત લઇ જવામાં આવે. પી.એમ. રિપોર્ટ પેન્ડિંગ છે, જે હવે થશે, ત્યારબાદ પોલીસ વધુ જાણકારી આપશે પરંતુ તેના પરિવારની ઈચ્છા તેને ભારત લઈ જવાની છે.