IND vs AUS : એક કાનથી સાંભળી નથી શકતો ટીમ ઈન્ડિયાનો આ બોલર, બ્રિસ્બેન ટેસ્ટમાં અશ્વિનની જગ્યાએ મળી તક

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બ્રિસ્બેનમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને ડેબ્યૂ કરવાની તક મળી. IPL-૧૩ બાદ નેટ બોલરના રૂપમાં ઓસ્ટ્રેલિયા ગયેલા વોશિંગ્ટન સુંદરની કિસ્મત ચમકી ગઈ અને તેમને દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. વોશિંગ્ટન સુંદરે ભારતનાં ૩૦૧ માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યુ કર્યું છે.

એક કાનથી સાંભળી નથી શકતા વોશિંગ્ટન સુંદર

રવિચંદ્રન અશ્વિન ભારતને ઐતિહાસિક ટેસ્ટ મેચ ડ્રો કરાવ્યા બાદ ઇજાગ્રસ્ત થઇ ગયા હતાં. આ પહેલા સુંદર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીમિત ઓવરની સિરીઝમાં રમતા જોવા મળ્યા હતાં. વોશિંગ્ટન સુંદરની વાત કરવામાં આવે તો તે ફક્ત એક કાનથી જ સાંભળી શકે છે. જ્યારે તે ૪ વર્ષનાં હતાં ત્યારે તેમની આ બિમારીની જાણ થઈ હતી. ઘણી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ જાણવા મળ્યું કે તે રોગ અસાધ્ય છે.

વોશિંગ્ટન સુંદરને પણ તેના લીધે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ તેમણે આ કમજોરીને પોતાના પર હાવી થવા દીધી નહી. સુંદરે વર્ષ ૨૦૧૬માં તામિલનાડુની ટીમમાં જગ્યા બનાવી હતી. તે જણાવે છે કે મને જાણ છે કે ફિલ્ડિંગ દરમિયાન સાથી ખેલાડીઓને કોર્ડીનેટ કરવામાં સમસ્યા થાય છે. પરંતુ ખેલાડીઓએ ક્યારેય પણ આ બાબતે મને ફરિયાદ કરી નથી અને તે મારી આ કમજોરીને લઈને ક્યારેય પણ કશું કહેતા નથી.

સુંદરનાં નામની સાથે શા માટે જોડાયું વોશિંગ્ટન

વોશિંગ્ટન સુંદર પાર્થિવ પટેલ બાદ સૌથી ઓછી ઉંમરમાં ટીમ ઇન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કરવા વાળા ખેલાડી બની ગયા હતાં. સુંદરે ૧૮ વર્ષ ૬૯ દિવસમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે પાર્થિવ પટેલે ૨૦૦૩માં ૧૭ વર્ષ ૩૦૧ દિવસમાં વન-ડે ડેબ્યું કર્યું હતું. વોશિંગ્ટન સુંદરના નામથી એક રહસ્ય છુપાયેલું છે. હકીકતમાં તેમના પિતા એમ. સુંદરે પોતાના ગોડફાધર પીડી વોશિંગ્ટનનાં નામ પર પોતાના દિકરાનું નામ રાખ્યું હતું. પીડી વોશિંગ્ટને સુંદરનાં પિતાની ખૂબ જ મદદ કરી અને મુશ્કેલીના સમયમાં પરિવારની સાથે ઉભા રહ્યા, તેથી સુંદરના પિતા તેમને પોતાના ગોડફાધર માને છે.

જર્સી નંબરમાં પણ છુપાયેલું છે રહસ્ય

પોતાના નામને લઈને ચર્ચાનો વિષય બની ચૂકેલા વોશિંગ્ટન સુંદર હંમેશા ૫૫ નંબરની જર્સી પહેરીને રમતા જોવા મળે છે. સુંદરની જર્સીના નંબરનો પણ એક ખાસ મતલબ છે. એક વેબસાઈટને આપવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં સુંદરે જણાવ્યું હતું કે, તેમની જન્મતિથિ અને જન્મનો સમય તેમની જર્સીની નંબરની પાછળનું સૌથી મોટું કારણ છે. સુંદરનો જન્મ ૫ ઓક્ટોબરનાં રોજ સવારે ૫ વાગ્યેને ૫ મિનિટે થયો હતો. આ જ કારણ છે કે તે ૫૫ નંબરની જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે.