જ્યારે બે વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે બે પરિવાર એક થાય છે અને પરણિત કપલ એક નવી જિંદગીની શરૂઆત કરે છે. ભારતીય પરંપરામાં લગ્નને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. લગ્ન ફક્ત થોડા દિવસોનો જ સાથ હોતો નથી પરંતુ તે ૭ જન્મનો સંબંધ હોય છે. લગ્ન એક યુવક અને યુવતી બંને માટે એક નવું જ બંધન હોય છે પરંતુ યુવતીઓ માટે તે અહેસાસ થોડો વધારે ખાસ હોય છે.
એવું એટલા માટે કારણ કે તે લગ્ન કરીને એક નવા ઘરમાં જાય છે અને ત્યાંની નવી પરંપરાઓને સમજવાની કોશિશ કરે છે. લગ્નની શરૂઆતમાં કપલ હંમેશા અમુક ભૂલો કરતા હોય છે જે વ્યાજબી નથી. જોકે ઘણીવાર અમુક ભૂલો એવી થઈ જતી હોય છે જે સંબંધને મજબૂત બનાવવાની જગ્યાએ તેને કમજોર બનાવે છે. તમને જણાવી દઈએ કે કઈ છે તે ભૂલો જે પરણિત કપલ કરતાં હોય છે.
બદલવા માટે દબાણ ના કરો
લગ્ન પહેલા યુવક અને યુવતી સિંગલ હોય છે અને તે પોતાના મનના રાજા હોય છે. જીવન જીવવાનો તેમનો એક અલગ જ અંદાજ હોય છે. જોકે જ્યારે લગ્ન થાય છે તો બંને એકબીજાને પોતાની લાઈફ સ્ટાઈલમાં ઢાળવાની કોશિશ કરતા હોય છે. આવું કરવું યોગ્ય નથી કારણ કે કોઈપણ આદત એક દિવસમાં બદલાતી નથી. કપલને હંમેશા એકબીજાની પસંદ-નાપસંદ, પ્રાઈવેસી અને પસંદગીનો ખ્યાલ રાખવો જોઈએ. ક્યારેય પણ પોતાની મરજી પોતાના પાર્ટનર પર નાખવી ના જોઈએ અને તેમને પોતાના પ્રમાણે ઢાળવાની કોશિશ પણ ના કરવી જોઈએ. જો તમે આવું વારંવાર કરો છો તો તમારો સંબંધ નબળો પડતો જાય છે.
પૈસાને સમસ્યા ના બનાવો
પહેલાના સમયમાં પુરુષ કામ કરતા હતા પરંતુ મહિલાઓ ફક્ત ઘરનું જ કામ સંભાળતી હતી પરંતુ હવે એવું રહ્યું નથી. આજના સમયમાં પુરુષ અને મહિલાઓ બંને કામ કરતા હોય છે. લગ્ન પછી પૈસાને લઇને ઘણીવાર સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે. લગ્ન પછી કે લગ્ન પહેલાં જ ફાઈનાન્સિયલ વાતોને લઈને હંમેશા એકબીજા સાથે વાત કરી લેવી જોઇએ. આવું કરવાથી તમે તમારી લાઈફ સ્ટાઈલને આરામથી મેઇન્ટેન કરી શકશો અને તમારા સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે.
કામ છોડી દેવું
આજના સમયમાં મહિલાઓ ભલે ઓફિસમાં કામ કરવા લાગી હોય પરંતુ ઘણા પુરુષોની વિચારધારા એવી હોય છે કે ઘરનું કામ ફકત મહિલાઓનું હોય છે. તેવામાં જ્યારે બે વ્યક્તિ લગ્ન કરે છે તો પતિઓ પત્ની પર ઓફિસના કામની સાથે ઘરની જવાબદારીઓ પણ છોડી દેતા હોય છે. તેવામાં નવી વહુ પર બધી જ જવાબદારી આવી જાય છે અને તેમને સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. આવું કરવાથી બચવું જોઈએ. પુરુષોએ પણ ઘરના કામમાં મદદ કરવી જોઈએ જેથી તમારો સંબંધ તેમની સાથે બગડે નહી.
વાતો ના કરી શકવી
અરેંજ મેરેજમાં ઘણીવાર એવી સમસ્યાઓ થાય છે કે પાર્ટનર એકબીજા સાથે કે પરિવારની સામે અમુક વાતો ખુલીને કરી શકતા નથી. આ સમસ્યાઓ યુવતીઓની સાથે વધારે થાય છે કારણ કે તે એક નવા પરિવારમાં આવેલી હોય છે. એ વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ પરેશાની કે વાતને મનમાં રાખવી ના જોઈએ. કોઈપણ વિશે પરિવાર કે પાર્ટનરની સાથે ખુલીને વાત કરવી જોઈએ કારણ કે તે વાત આગળ જઈને મોટી બની જતી હોય છે.
એકબીજાને સમજો
ભલે સાત ફેરા અને સાત વચન પછી તમે હંમેશા માટે એકબીજાના થઈ ગયા હોય પરંતુ ગૃહસ્થ જીવનમાં એકબીજાને સમજવામાં સમય લાગે છે. ઘણીવાર આ કારણથી કપલમાં દલિલ થવા લાગે છે. જોકે તેના વિશે ક્યારેય પણ કોઈ ત્રીજા વ્યક્તિને ભલે તે મિત્રો હોય કે સંબંધી તેમને જણાવવું ના જોઈએ. તેનાથી તમારી પ્રાઇવસી ખરાબ થશે અને તમારો સંબંધ પણ નબળો પડશે. કોઈપણ વાતને એકબીજા પાસે બેસીને ઉકેલવી જોઇએ તો જ તમારો સંબંધ જળવાઈ રહેશે.