માતા-પિતાના અવસાન બાદ ઘરમાં એકલો રહે છે આ ૧૦ વર્ષનો બાળક, ખેતી કરીને ભરે છે પોતાનું પેટ

જ્યારે માતા પિતા સાથે ના હોય ત્યારે જિંદગી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે અને જો તમે ફક્ત દસ વર્ષના બાળક હોય અને તમારી દેખરેખ માટે આગળ પાછળ કોઈ ના હોય તો ખરેખર જીવન જીવવું સરળ નથી રહેતું. આપણા માટે તો એ વિચારવું પણ મુશ્કેલ બની જાય છે કે કોઈ દસ વર્ષનો બાળક માતા-પિતા વગર અથવા તો કોઈ મોટા વ્યક્તિ વગર એકલો કઈ રીતે રહી શકતો હશે. પરંતુ આજે અમે તમને જે બાળક વિશે જણાવવા જઈ રહ્યા છે તેમણે એવું કરી બતાવ્યું છે. આ કહાની સાંભળીને તમારી આંખો ભીની જરૂર થઈ જશે પરંતુ સાથે જ તમને તેમાંથી ઘણી પ્રેરણા પણ મળશે.

આ છે દસ વર્ષનો બાળક ડાંગ વાન ખુયેન. વિયત માન ના એક ગામમાં રહેવા વાળો ડાંગ પોતાના ઘરમાં એકલો રહેવાની સાથે સાથે ખેતરમાં જઈને મહેનત પણ કરે છે. ડાંગ ના જીવનમાં ખૂબ જ દુઃખ આવ્યા છે. ખૂબ જ નાની ઉંમરમાં તેમની માં તેમને છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ તેમના પિતા કામની શોધમાં શહેરમાં ગયા. તે દરમિયાન ડાંગની દાદી તેમની સંભાળ રાખતી હતી. તેમના પિતા શહેરમાં કમાઈને જ્યારે પૈસા આપતા હતા તો તેમનું ઘર ચાલતું હતું. તેમજ દાદી ગામમાં રસોઈ બનાવવાનું કામ કરીને થોડું-ઘણું કમાઈ લેતી હતી.

ત્યારબાદ એક દિવસ ડાંગના પિતા પણ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ગામના લોકોએ પૈસા ભેગા કરીને તેમના પિતા ના મૃતદેહને ગામડે લાવ્યાં. તેના થોડા દિવસો બાદ ડાંગની દાદી એ બીજા લગ્ન કરી લીધા અને તે બીજા ગામમાં રહેવા ચાલી ગઈ. તેવામાં ડાંગ હવે ઘરમાં એકલો રહી ગયો હતો. હવે તે દરરોજ પોતાના ઘરની પાસે આવેલ ખેતરમાં કામ કરે છે. અહીંયા તે પોતે શાકભાજી ઉગાડે છે. પાડોશીઓ તેમને હાલમાં ખોરાક પૂરો પાડે છે. જોકે ડાંગ નું ઘર પણ ખૂબ જ નબળું છે. લાકડીઓથી બનાવવામાં આવેલ આ ઘરમાં ઘણીવાર ઝડપી પવન ફૂંકાતો રહે છે.

એવું નથી કે ડાંગની મદદ કરવા માટે કોઈ આગળ નથી આવ્યું. તેમને દત્તક લેવાની ઘણા લોકોએ કોશિશ કરી પરંતુ ડાંગ એ એવું કહીને ના પાડી દીધી કે તે પોતાની સંભાળ પોતે રાખી શકે છે. તેમના પાડોશીઓએ પણ ઘણીવાર કહ્યું કે તે ઘરમાં એકલો રહે છે તો અમારી સાથે રહેવા આવી જા. પરંતુ ડાંગને હવે એકલું રહેવું જ પસંદ છે. એક રસપ્રદ વાત એ પણ છે કે ડાંગ ખેતરમાં આટલી મહેનત કર્યા બાદ પણ રોજ સ્કૂલે જાય છે. તે પોતાની સ્કૂલ જવામાં ક્યારેય એક દિવસ પણ ચૂકતો નથી.

જ્યારે ડાંગના શિક્ષકે તેમની કહાની ઓનલાઇન શેર કરી તો તે વાયરલ થઈ ગઈ. જેમણે પણ તેમની આ દુઃખભરી કહાની સાંભળી તો તેમનું હૃદય ભરાઈ આવ્યું. ઘણા લોકોએ ડાંગની દત્તક લેવાની પણ ઈચ્છા વ્યક્ત કરી. તેમજ ઘણા લોકોએ અન્ય માધ્યમ દ્વારા તેમની મદદ કરવાની ઓફર પણ કરી. જોકે હવે ડાંગ આ લોકોની મદદ લઇ રહ્યો છે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ લોકો આ દસ વરસના બાળકની હિંમત અને સાહસને સલામ કરી રહ્યા છે. અહીંયા તો એક મોટો વ્યક્તિ પણ જીવનમાં એકલો રહેવા માટે ગભરાય છે તેવામાં આ દસ વર્ષના બાળકમાં હિંમત છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. આ બાળક પાસેથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ કે મુશ્કેલીઓ કેટલી પણ હોય તેનાથી ગભરાવવું જોઈએ નહી બસ આગળ વધતા રહેવું જોઈએ. તેનું નામ જ જીવન છે.