મુકેશ અંબાણીનાં ઘરનું સરનામું પુછવા વાળા શંકાસ્પદ વ્યક્તિની મુંબઈ પોલીસે કરી ધરપકડ, પુછપરછ દરમિયાન થયો કંઈક આવો ખુલાસો

Posted by

મુંબઈ સ્થિત મુકેશ અંબાણીનાં ઘર એન્ટેલિયાનાં વિશે પુછપરછ કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. પોલીસે તેની નવી મુંબઈમાંથી ધરપકડ કરી છે. આ વ્યક્તિની હજુ પુછપરછ ચાલી રહી છે. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની ઓળખ ૪૦ વર્ષનાં સુરેશ વિસાનજી પટેલનાં રૂપમાં થઈ છે. શરૂઆતની પુછપરછમાં કંઈપણ શંકાસ્પદ મામલો સામે આવ્યો નથી.

પોલીસે મંગળવારના રોજ કહ્યું કે, “પટેલ એક પર્યટક છે અને અંબાણીનાં ઘર વિશે ફક્ત જીજ્ઞાશાવશ જાણવાની કોશિશ કરી રહ્યો હતો”. જોકે પોલીસે કહ્યું છે કે, “તે કોઈપણ સંભવિત જોખમમાંથી બચવા માટે પટેલની સંપુર્ણ રીતે પુછપરછ કરશે”. સોમવારનાં રોજ એક ટેક્સી ડ્રાઈવરે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, “એક વ્યક્તિ મુકેશ અંબાણીનાં ઘર એંટિલીયા વિશે પુછી રહ્યો છે.

ત્યારબાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને મુકેશ અંબાણીનાં ઘરની આસપાસની સુરક્ષા વધારે કડક કરી દીધી હતી અને શંકાસ્પદ વ્યક્તિની તલાશમાં પોલીસ લાગી ગઈ હતી. પોલીસે સંવાદદાતાઓને જણાવ્યું કે એક ટેક્સી ચાલકે પોલીસને બે લોકોનાં વિશે ફોન કરીને જણાવ્યું હતું. બંનેની પાસે એક મોટી બેગ હતી. આ લોકો તેમની પાસે આવ્યા અને એન્ટેલિયાનું સરનામું પુછ્યું હતું.

સુચના મળ્યા બાદ પોલીસ તરત જ સતર્ક થઇ ગઇ હતી અને સૌથી પહેલા મુકેશ અંબાણીનાં ઘરની આસપાસની સુરક્ષા વ્યવસ્થાને વધારી દીધી હતી. ત્યારબાદ વિસ્તારમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફુટેજનાં આધારે શંકાસ્પદ વ્યક્તિની તલાશ કરવામાં પોલીસ લાગી ગઈ હતી. ત્યારબાદ પહેલા જે ગાડીમાં આ લોકો આવ્યા હતાં તેને શોધી કાઢી હતી અને બાદમાં શંકાસ્પદ વ્યક્તિ સુધી પોલીસ પહોંચી ગઈ હતી.

થોડા મહિનાઓ પહેલા જ વિસ્ફોટકો થી ભરેલી એક એસયુવી મુકેશ અંબાણીના ઘરની થોડી જ દૂર પણ મળી આવી હતી ત્યાર બાદ સોમવારના રોજ શંકાસ્પદ લોકોની પૂછપરછ એ પોલીસને પરેશાન કરી દીધી હતી. ત્યારે એસયુવી કેસમાં એક નવો વળાંક આવ્યો હતો આખરે આ મામલામાં મુંબઈ પોલીસે એક અધિકારી સચિન વાજે ની ધરપકડ કરી લીધી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દુનિયાનાં સૌથી આલિશાન ઘર માંથી એક એંટિલીયામાં રહે છે. આ ઘર દક્ષિણ મુંબઈનાં સૌથી પોશ કંબાલા હિલ વિસ્તારમાં ૪૦૦,૦૦૦ વર્ગફુટમાં ફેલાયેલું છે. આ બિલ્ડિંગમાં ૨૭ માળ છે.