નસીરુદિન શાહે “ધ કેરાલા સ્ટોરી” ને બતાવી ડેન્જરસ ફિલ્મ, કહ્યું, જોઈ નથી અને જોવા માંગતો પણ નથી

સુદીપ્તો સેનની “ધ કેરલ સ્ટોરી” ફિલ્મ વિશે ચારેય તરફ વિવાદ ચાલી રહ્યો છે. રિલીઝ બાદથી જ આ ફિલ્મ કોઇને કોઇ કારણે ચર્ચામાં છવાયેલી રહી છે. આ ફિલ્મ પર ઘણા ફિલ્મ કલાકારો, રાજનેતાઓએ કોમેન્ટ કરી ચુક્યા છે. રિલિઝ પહેલાં જ તેને બેન કરવાની વાત પણ થઈ હતી અને આ ફિલ્મ રીલીઝ થઇ ચુકી છે ત્યારે કેટલાક કલાકારો તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહીને તેનો બહિષ્કાર કરી રહ્યા છે. કમલ હાસન બાદ હવે નસીરુદ્દીન શાહ “ધ કેરલ સ્ટોરી” ફિલ્મ પર પોતાના નિવેદન માટે દરેક જગ્યાએ ટ્રોલ થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહ બોલિવુડમાં પોતાના મનની વાત કહેવા માટે જાણીતા છે. જોકે ઘણીવાર આ આદતના કારણે તે મુશ્કેલીમાં પણ ફસાઇ જાય છે.

જાણો નસીરુદ્દીન શાહે શું કહ્યું?

નસીરુદ્દીન શાહે એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ “ધ કેરલ સ્ટોરી” ની તુલના નાઝી જર્મની સાથે કરી હતી અને તેને “ખતરનાક ટ્રેન્ડ” જણાવી હતી. તેમનું કહેવું છે કે હિટલરનાં સમયમાં સરકાર કે નેતાઓ ફિલ્મ નિર્માતાઓ પાસેથી આવી ફિલ્મો બનાવતા હતાં, જેમાં તેમની પ્રશંસા કરવામાં આવતી હતી અને બતાવવામાં આવતું હતું કે સરકારે દેશની જનતા માટે શું કર્યું છે.

તેનાં કારણે ઘણા ફિલ્મ સર્જકો જર્મની છોડીને હોલિવુડમાં ગયા હતાં અને ત્યાં ફિલ્મો બનાવી હતી. આવું કહીને નસીરુદ્દીન શાહ સીધા સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેની અફવાહ, ભીડ અને ફરાજ જેવી શ્રેષ્ઠ ફિલ્મો બોક્સઓફિસ પર કંઈ ખાસ ચાલી નહિ પરંતુ “ધ કેરલ સ્ટોરી” જેવી ફિલ્મ મોટા પડદા પર ધુમ મચાવી રહી છે. તેમની ફિલ્મ જોવા માટે કોઇ ગયું નહોતું પરંતુ કેરલ સ્ટોરી જોવા માટે ભીડ જામી છે.

તેમનું કહેવું છે કે લોકો આ ફિલ્મ વિશે મોટી-મોટી વાતો કરી રહ્યા છે પરંતુ ના તો તેમણે આ ફિલ્મ જોઈ છે ના તો તે જોવા માંગે છે. જો કે નસીર સાહેબનું માનવું છે કે બોલિવુડમાં આ પ્રકારની ફિલ્મો લાંબા સમય સુધી નહીં ચાલી શકે. હું આશા રાખું છું કે નફરતનું આ વાતાવરણ ટુંક સમયમાં જ સમાપ્ત કરવામાં આવશે. આખરે ક્યાં સુધી નફરત ફેલાવતા રહેશે?.

મુસલમાનોને નફરત કરવી એ ફેશનેબલ બની ગયું છે

નીસરુદ્દીન શાહે ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે આજનાં સમયમાં મુસલમાનોને નફરત કરવાની ફેશન બની ગઈ છે. શિક્ષિત ભારતીયો પણ આવું કરી રહ્યા છે, જે ખુબ જ ચિંતાનો વિષય છે.

મનોજ તિવારીએ વળતો જવાબ આપ્યો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ નસીરુદ્દીન શાહનાં સરકાર વિરોધી નિવેદન બદલ તેમની ઝાટકણી કાઢી છે. મનોજ તિવારીનું કહેવું છે કે, “ફિલ્મ “ધ કેરલ સ્ટોરી” સત્ય પર આધારિત છે અને જો નસીરુદ્દીન શાહને તેની સાથે કોઈ સમસ્યા હોય તો તે ચોક્કસપણે કોર્ટનો સંપર્ક કરી શકે છે. તે ખુબ જ સારા અભિનેતા છે પરંતુ નસીરુદ્દીનનાં ઇરાદા સારા નથી. હું આ વાત દિલથી કહી રહ્યો છું. આવી ફિલ્મો બની ત્યારે જેમાં દુકાન પર બેસેલા બદમાશો રસ્તામાં છોકરીઓને ચીડવતા હતાં ત્યારે નસીર સાહેબે આવી ફિલ્મો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આ નિવેદન સાથે નસીરુદ્દીન શાહ સાહેબનો પરિચય એક ભારતીય તરીકે સારો નથી”.

કેન્દ્રીય મંત્રી એસપી બઘેલે પણ ટીકા કરી

કેન્દ્રીય મંત્રી એસપી બઘેલે પણ નસીરુદ્દીન શાહનાં નિવેદનની ટીકા કરી છે. તેમની (નસીરુદ્દીન શાહ) પત્નિ હિન્દુ છે. તેઓ શા માટે ડરે છે?. આમિર ખાન, શાહરૂખ ખાન, નસીરુદ્દીન શાહ તમામ અભિનેતાઓની પત્નિઓ હિન્દુ છે, તેથી શું તેની પત્નિને કોઈ સમસ્યા છે?. કોઈ ડર છે?. તેમની પત્નિ પણ સહનશીલતા અને સનાતન ધર્મમાં માને છે. આવી વાતો કરીને આ તમામ કલાકારો પોતે જ નફરત ફેલાવી રહ્યા છે.

અનુરાગ ઠાકુરને પણ નસીરુદ્દીન શાહનું નિવેદન પસંદ આવ્યું નહીં

અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, “આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે અને એટલે જ ફિલ્મો બને છે. જો કોઈ રાજકીય રીતે નિશાન સાધે છે તો તેઓએ રાજકારણમાં આવવું જોઈએ અને પછી બોલવું જોઈએ”. જો કોઈ ગંભીર મુદ્દો સમાજ સાથે જોડાયેલો છે અને સમાજને જાગૃત કરવાનું કામ કરે છે તો પછી તેના પર ફિલ્મ બનાવવામાં કોઈને પણ સમસ્યા શા માટે હોવી જોઈએ. ફિલ્મને જબરદસ્ત સફળતા મળી રહી છે, જે એ વાતનો પુરાવો આપે છે કે લોકોને આ ફિલ્મ પસંદ આવી છે”.

કમલ હાસને આ ફિલ્મને પ્રોપેગેન્ડા પણ ગણાવી હતી

નસીરુદ્દીન શાહ પહેલા અભિનેતા કમલ હાસન પણ તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી ચુક્યા છે. આઇફા ૨૦૨૩ દરમિયાન કમલ હાસનનું આ ફિલ્મ વિશેનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું પ્રચાર ફિલ્મોની વિરુદ્ધ છું. ટેગલાઇન મુકવાથી ફિલ્મ “સાચી વાર્તા” બની જતી નથી. તે વાસ્તવિકતામાં સાચું હોવું જોઈએ અને મને એવી ફિલ્મ પસંદ નથી કે જે દેશના લોકોને વિભાજિત કરે”.

કમલ હાસનને દિગ્દર્શક સુદીપ્તો સેનનો જવાબ

એક્ટરની આ વાત પર ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેને કહ્યું કે, “હું પહેલા સમજાવવાની કોશિશ કરતો હતો પરંતુ આજે હું એવું નથી કરતો. જે લોકો આ ફિલ્મને પહેલા એક પ્રોપેગેન્ડા ફિલ્મ કહી રહ્યા હતાં. તેણે પાછળથી તેને સારી પણ ગણાવી હતી. જે લોકોએ આ ફિલ્મ જોઈ નથી, તેઓ આ ફિલ્મની ટીકા કરી રહ્યા છે”.

નિર્માતા વિપુલ શાહનું નિવેદન

“ધ કેરલ સ્ટોરી” ના નિર્માતા વિપુલ શાહે જણાવ્યું હતું કે, “કમલ હાસન સર એક સિનિયર અભિનેતા છે, તેમની કારકિર્દી વિશાળ છે. તે મારા સિનિયર છે. તેણે જે કહ્યું તેના પર પ્રતિક્રિયા આપવી તે મને અનુકુળ નહીં આવે. હું તેમને વિનંતી કરવા માંગુ છું કે તેઓ આ ફિલ્મ પહેલા એકવાર જુએ. બાદમાં તેણે મને ફોન કરવો જોઈએ અથવા મને મળવું જોઈએ. અમે ટેબલ પર બેસીને તેની સાથે ચર્ચા કરીશું. તેણે જે કહ્યું છે તેનો જવાબ આપવાનો તે ખુબ જ સારો માર્ગ હશે. મને તેનાથી કોઈ ફરિયાદ નથી કે તેને આ ફિલ્મથી સમસ્યા છે. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે તેઓ એકવાર આ ફિલ્મ જુએ અને પછી અભિપ્રાય આપે”.

ફિલ્મનું કલેક્શન

આ ફિલ્મને લઈને ભલે ગમે તેટલી હાઈપ બનાવવામાં આવે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં ૨૫૦ કરોડનું કલેક્શન કર્યું છે. ૫ મે ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મ કેરલની કેટલીક એવી મહિલાઓની વાત છે, જેમને ઇસ્લામમાં બ્રેઇનવોશ કરીને સીરિયા મોકલવામાં આવે છે અને આઇએસઆઇએસમાં જોડાવા માટે દબાણ કરવામાં આવે છે.