વડોદરામાં ૨૭ વર્ષીય એડવોકેટ નિહાલ ત્રિવેદીનું હાર્ટએટેકથી મોત, યુવકનાં અવસાનથી પરિવારની માથે દુઃખનો પહાડ તુટી પડ્યો

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે. માહિતી અનુસાર વડોદરામાં ૨૭ વર્ષીય એડવોકેટનું હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર શહેરમાં ફફડાટ મચી ગયો છે. એડ્વોકેટ નિહાલ ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. યુવકનાં મોતનાં કારણે પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે.

મહત્વનું છે કે સુરતના ઉધના વિસ્તારમાં થોડા સમય પહેલા જ એક યુવક અચાનક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતાં. એકઠા થયેલા લોકોએ તે યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ ડોક્ટરે તે યુવકને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યું હતું કે તે ૪૨ વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

થોડા સમય પહેલાની જ વાત કરીએ તો રાજકોટમાં ૧૯ વર્ષીય યુવકનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું. આદર્શ સાવલિયા નામનો ૧૯ વર્ષીય યુવક અચાનક બાથરૂમમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને તાત્કાલિક લઈને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે, યુવકનું મોત હાર્ટએટેકનાં કારણે થયું છે. આ યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

યુવાનનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનાં ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા કાનજીસિંહ રાજપુત નામના ૪૨ વર્ષીય યુવાનનું પણ હાર્ટએટેકનાં કારણે મોત નીપજ્યું હતું. આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી હતો, જે સુરતથી કાપડ લઈને વેચતો હતો. આ ઘટના બાદ તેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી.