જાપાનનાં વડાપ્રધાન ફુમિયો કિશિદા નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને ચંદનની જાળીના બોક્સમાં બુદ્ધની પ્રતિમા ભેટમાં આપી હતી. આ આર્ટવર્ક કર્ણાટકના સમૃદ્ધ વારસા સાથે સંકળાયેલું છે.
બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ક્રિટિકલ ટેક્નોલોજી, ડિજિટલ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. બંને દેશો વચ્ચે લોજિસ્ટિક્સ, ફુડ પ્રોસેસિંગ, સ્ટીલ, એમએસએમઇ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર પણ ચર્ચા થઈ હતી. અમે ૨૦૨૩ ને પ્રવાસન વિનિમયના રૂપમાં ઉજવી રહ્યા છીએ. જાપાનના વડાપ્રધાને મે મહિનામાં જી-૭ ની બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા એ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીનાં બુદ્ધ જયંતી પાર્કની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પાણીપુરી ખાધા પછી લસ્સીની પણ પીતા જોવા મળ્યા હતાં. જાપાનનાં વડાપ્રધાન કિશિદા એ ભારતીય વાનગીઓનો ભરપુર આનંદ માણ્યો હતો. બંને નેતાઓએ પાર્કની બેન્ચ પર બેસીને કુલ્હડ (માટીના કપ)માં લસ્સી પીધી હતી અને ચર્ચાઓ કરી હતી.
આ દરમિયાન પી.એમ. મોદી રાજધાની દિલ્હીના બુદ્ધ પાર્કમાં જાપાનના પી.એમ. સાથે જોવા મળ્યા હતાં. તેમણે અહીં ટ્રેડિશનલ ફુડનો સ્વાદ પણ માણ્યો હતો. આ દરમિયાન પી.એમ. મોદીએ જાપાનનાં પી.એમ. ને પાણીપુરી પણ ખવડાવી હતી અને પછી બંનેએ લસ્સીની મજા પણ માણી હતી. આ પહેલા ભારતનાં પી.એમ. મોદીને જાપાનનાં પી. એમ. ફુમિયો કિશિદાએ ભારત-જાપાન વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તે શાંતિપુર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક માટે મહત્વપુર્ણ છે.
બંને વડાપ્રધાનોએ ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંરક્ષણ ઉપકરણો અને ટેકનીકી સહકાર, આરોગ્ય અને ડિજિટલ ભાગીદારી પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર પી.એમ. મોદીએ કહ્યું કે આ દિશામાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને જાપાન વર્ષ ૨૦૨૩ ને “પ્રવાસન વિનિમય વર્ષ” તરીકે ઉજવી રહ્યા છે અને તેના માટે બંને દેશોએ “હિમાલયને માઉન્ટ ફુજી સાથે જોડવું” થીમ પસંદ કરી છે.
તેમણે કહ્યું હતું કે, ભારત જી-૨૦ અને જાપાન જી-૭ નું અધ્યક્ષ છે એટલે આપણી સંબંધિત પ્રાથમિકતાઓ અને હિતો પર સંયુક્તપણે કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે. આ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત સાથે અમારો આર્થિક સહયોગ ઝડપથી વધી રહ્યો છે. તેનાથી ભારતને વિકાસમાં તો મદદ મળશે જ સાથે સાથે જાપાન માટે મહત્વપૂર્ણ આર્થિક તક પણ ઉભી થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં એક વર્ષમાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને હું ઘણી વખત મળ્યાં છીએ અને દરેક વખતે મેં ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને કટિબદ્ધતાનો અનુભવ કર્યો છે. આ ગતિને જાળવી રાખવા માટે આજે તેમની મુલાકાત ફાયદાકારક રહેશે”.
View this post on Instagram