પતિ વ્યવસાયમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે પોતાનાં પરિવારને સમય જ આપી શકતો નહોતો પરંતુ બાદમાં થયું કંઈક એવું કે… જો જો વાંચીને રડી ના પાડતા

Posted by

આ એક લોકકથા છે, જે ઉત્તર ભારતમાં ઘણી જગ્યા પર સાંભળવા મળી રહી છે. કોઈ એક નગરમાં એક વેપારી રહેતો હતો. નગરમાં તેનું કામ ખુબ જ ઓછું ચાલતું હતું. ઘણીવાર તો એવી સ્થિતિ આવી જતી હતી કે દિવસભર કોઈ સોદો થતો નહોતો તો ઘરમાં તેને અને પત્નિને ભુખ્યા રહેવા સુધીની પરિસ્થિતિ આવી જતી હતી. સમય પસાર થતો ગયો પરંતુ તેની સ્થિતિ સુધરી નહી. ત્યારે તેને કોઈક મિત્ર એ સલાહ આપી કે, “પોતાના નગરનાં બદલે આસપાસનાં નગરમાં જઈને વ્યવસાય કર. કદાચ નફો વધારે થશે”. વેપારીને તેની વાત ગમી ગઈ.

તે પત્નિ અને બાળકોને છોડીને બીજા નગરમાં વ્યવસાય કરવા માટે ચાલ્યો ગયો. ભાગ્યથી મિત્રની સલાહ કામ કરી ગઈ અને તેને સારો નફો થયો. તે લાંબા સમય સુધી બીજા શહેરમાં રહીને વ્યવસાય કરવા લાગ્યો. ત્યાં તેને ઘણો બધો ફાયદો થયો. તેણે પોતાના નગરમાં આવીને નવું ઘર બનાવી લીધું. પત્નિ અને બાળકોને લઈને નવા ઘરમાં રહેવા લાગ્યો. ત્યારે પત્નિએ કહ્યું કે, “હવે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ધન છે. આપણે આપણું જીવન સરળતાથી પસાર કરી શકીએ છીએ. તમારે હવે બીજા નગરમાં જવું ના જોઈએ. આપણે સાથે રહેવું જોઈએ. બાળકોને પણ તમારો થોડો સમય આપો”.

વેપારીએ કહ્યું, “હું હજુ વધારે ધન કમાવવા માંગુ છું, જેથી તમને લોકોને વધારે સારું જીવન આપી શકુ. આપણા બાળકોને એવા દિવસો જોવા ના પડે, જેવા મેં અને તે જોયા છે”. પત્નિએ કહ્યું, “પરંતુ ધન કમાવવામાં જે સમય પસાર થઇ રહ્યો છે તે ફરી નહિ આવે. આપણે જીવનમાં સાથે રહેવાનાં આનંદથી વંચિત રહી જશું”. વેપારીએ જવાબ આપ્યો, “બસ થોડા વર્ષ વ્યવસાય કરી લેવા દે. આપણે એટલું ધન ભેગું કરી લેશું કે આપણી પેઢીનું જીવન સરળતાથી પસાર થશે”.

વેપારી ફરી ચાલ્યો ગયો. થોડા વર્ષો વીતી ગયા. ઘણું ધન ભેગું થઈ ગયું. વેપારી એ ફરી નદીનાં કિનારે એક સુંદર સ્થાન પર મોટો મહેલ બનાવી લીધો. સંપુર્ણ પરિવાર તેમાં રહેવા લાગ્યો. તે જગ્યા એટલી સુંદર હતી જેમ કે સ્વર્ગ. ત્યારે વેપારીની દિકરીએ તેને કહ્યું કે, “પિતાજી અમારું આખું બાળપણ વીતી ગયુ પરંતુ આપણે સાથે રહી શક્યા નથી. હવે આપણી પાસે એટલું ધન પણ છે કે પાંચ પેઢી સુધી આપણને કોઈ સમસ્યા આવી શકતી નથી. હવે તમે અમારી સાથે રહો”.

વેપારીએ કહ્યું કે, “હા દિકરી હવે હું પણ થાકવા લાગ્યો છું અને થોડો સમય તમારા લોકો સાથે પસાર કરવા માંગુ છું. હું કાલે માત્ર બે દિવસ માટે નજીકનાં નગરમાં જઈ રહ્યો છું.  થોડું જુનું ધન વસુલવાનું છે. ત્યારબાદ હું અહીં તમારા લોકો સાથે રહીશ. વેપારીનો પરિવાર ખુબ જ ખુશ થઈ ગયો. બીજા દિવસે વેપારી બીજા નગર ચાલ્યો ગયો અને તે દિવસે ભયાનક વરસાદ શરૂ થઈ ગયો અને જે નદીનાં કિનારે વેપારી એ પોતાનો મહેલ બનાવ્યો હતો, તેમાં પુર આવી ગયું. મહેલ સહિત તેનો સંપુર્ણ પરિવાર પુરમાં વહી ગયો. વેપારી જ્યારે પરત ફર્યો ત્યાં સુધીમાં તો બધું જ સમાપ્ત થઈ ગયું હતું.

કહાનીમાંથી શીખ

સુખ અને ખુશી માત્ર ધન થી જ આવતી નથી. ધન કમાવવું જરૂરી છે પરંતુ સમય સાથે સંબંધ અને અંગત પ્રેમ માટે પોતાના લોકોની સાથે સમય પસાર કરવો પણ ખુબ જ જરૂરી છે કારણકે ધન કોઈપણ સમયે મહેનત કરીને કમાઈ શકાય છે પરંતુ જે સમય પસાર થઇ ચુક્યો છે, તેને ફરી લાવી શકાતો નથી. આજમાં રહો, સંબંધનાં આનંદનું સુખ લો અને પોતાના લોકોને સમય આપો.