પેટ્રોલ કાર કે ડીઝલ કાર, જાણો કઈ કાર ખરીદવી તમારા માટે રહેશે ફાયદાકારક

એક દશક પહેલા ભારતમાં ડીઝલ કારનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. ડીઝલ કાર ખરીદવાનું સૌથી મોટું કારણ વધારે એવરેજ અને દમદાર એન્જીન હતું. તે સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ ખૂબ જ મોટું અંતર જોવા મળતું હતું. પરંતુ હવે તે અંતર ખૂબ જ ઓછું રહી ગયું છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એક જેટલી જ થઈ ગઈ છે. વળી હવે પેટ્રોલ એન્જિન પણ વધારે રિફાઈન્ડ અને વધારે એવરેજ આપવા લાગ્યા છે. તેવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે હવે તમારે પેટ્રોલ કાર લેવી જોઈએ કે ડીઝલ કાર ? ખૂબ જ સરળ ભાષામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કયો વિકલ્પ તમારા માટે સારો રહેશે. તો ચાલો જાણીએ.

ઓટો એક્સપર્ટની સલાહ

ઓટો એક્સપર્ટ રંજોય મુખર્જી જણાવે છે કે જો તમે રોજ ૫૦ થી ૬૦ કિલોમીટર ગાડી ચલાવો છો તો તમે પેટ્રોલ કાર પસંદ કરી શકો છો અને જો તમે દરરોજ ૭૦ થી ૧૦૦ કિલોમીટર કે તેનાથી વધારે કાર ચલાવો છો તો ડીઝલ કાર પસંદ કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાન આપવાવાળી એ પણ છે કે ડીઝલ કારની સર્વિસ પેટ્રોલ કારની તૂલનામાં વધારે મોંઘી હોય છે. ડીઝલ ગાડીઓ દસ વર્ષ પછી ભંગાર બની જાય છે. એટલું જ નહીં ડીઝલ કાર પેટ્રોલ કારની તૂલનામાં એક લાખ રૂપિયા કે તેનાથી વધારે મોંઘી હોય છે.

પેટ્રોલ અને ડીઝલ કારની કિંમતમાં મોટું અંતર

હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલ કારની કિંમતમાં ખૂબ જ મોટું અંતર છે. ઉદાહરણ માટે મારુતિ સ્વિફ્ટ પેટ્રોલની કિંમત જ્યાં ૫ લાખ રૂપિયાથી શરૂ થાય છે તો વળી સ્વિફ્ટ ડીઝલની કિંમત ૬ લાખ રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે કિંમતમાં લગભગ ૧ લાખ રૂપિયાનું અંતર છે. એટલું જ નહી હ્યુન્ડાઇ ગ્રાન્ડ i 10 પેટ્રોલની કિંમત ૪.૯૮ લાખ રૂપિયાથી શરૂ થાય છે તો વળી હ્યુન્ડાઇ ગ્રાન્ડ i 10 ડીઝલની કિંમત ૬.૧૪ લાખ રૂપિયાથી શરૂ થાય છે. અહીંયા પણ એક લાખ થી વધારેનો ફર્ક જોવા મળે છે.

સર્વિસ અને મેન્ટેનન્સની કિંમતમાં કેટલો ફરક ?

પેટ્રોલ અને ડીઝલ કારની સર્વિસ અને મેઇન્ટેનન્સમાં પણ ફરક જોવા મળે છે. ઓટો એક્સપર્ટના મુજબ ડીઝલ કારની સર્વિસ અને મેઇન્ટેનન્સ સૌથી વધારે હોય છે. એટલું જ નહી ડીઝલ કારને પેટ્રોલ કારની તૂલનામાં વારંવાર સર્વિસ માટે જવું પડતું હોય છે. જેનાથી ગ્રાહકના ખિસ્સા પર અસર પડે છે. એક સર્વિસ સેન્ટર સાથે વાતચીતના આધાર પર અમને જાણવા મળ્યું કે એક હજાર કિલોમીટર પછી સ્વિફ્ટ પેટ્રોલમાં જ્યાં ૨૧૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે તો વળી ડીઝલ કાર પર લગભગ ૩૫૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે ૩૦૦૦ કિલોમીટર પછી સર્વિસ અને મેન્ટેનસમાં જ્યાં સ્વિફ્ટમાં ૩300 રૂપિયાનો ખર્ચ આવે છે તો વળી ડીઝલ મોડલમાં તે વધીને ૭૮૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે.

એવરેજમાં કેટલું અંતર ?

આજકાલ તો પેટ્રોલ કાર પણ ડીઝલ કારની આસપાસ એવરેજ આપવા લાગી છે. ગ્રાન્ડ i10 પેટ્રોલ જ્યાં ૧૮.૯ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે તો વળી તેનું ડીઝલ મોડલ ૨૪ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે. જ્યારે મારુતિની સ્વિફ્ટ પેટ્રોલ ૨૨ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે તો વળી ડીઝલ સ્વિફ્ટ ૨૮.૪ કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.

ડર્ટી ફ્યુલ

એક સ્ટડીના અનુસાર પેટ્રોલની તુલનામાં ડીઝલ કાર ચાર ગણો વધારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ૨૨ ગણો વધારે ખતરનાક કણ છોડે છે. ડીઝલમાં રહેલ સલ્ફર નામક ધાતુ સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે જેનાથી નાક, ગળું અને શ્વાસ નળીમાં સમસ્યા ઉત્પન્ન થાય છે અને ઉધરસ, છીંક અને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થાય છે. તમારા સ્વાસ્થ્ય માટે ડીઝલ ખૂબ જ ખતરનાક સાબિત થાય છે.

પરિણામ

પેટ્રોલ એન્જિન હવે ડીઝલ એન્જિનની તુલનામાં સતત શ્રેષ્ઠ થઈ રહ્યું છે. ડીઝલ ફ્યુઅલની તુલનામાં પેટ્રોલ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે. ફ્યુઅલની કિંમત અને એવરેજમાં વધારે ફરક રહ્યો નથી. સાથે જ પેટ્રોલ કાર ઓછો ખર્ચ માંગે છે. તેવામાં અમે તમને પેટ્રોલ કાર ખરીદવાની સલાહ આપીશું.