પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની ચિંતા છોડો, માત્ર ૬૨ રૂપિયા લિટરમાં મળી ગયો તેનો વિકલ્પ

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર વાહનોમાં ઇથેનોલનાં ઉપયોગ પર ભાર આપતા સસ્તા અને પ્રદુષણ મુક્ત ઇંધણ વિકલ્પ અપનાવવાની વાત કહી છે. આ સિવાય ગડકરીએ જણાવ્યું કે, આવનારા થોડા જ સમયમાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિન ભારતમાં અનિવાર્ય કરવામાં આવશે. ફ્લેક્સ-ફ્યુલ કે ફ્લેક્સિબલ ફ્યુઅલ એક વૈકલ્પિક છે, જે ગેસોલિન, મિથેનોલ કે ઇથેનોલનું મિશ્રણ છે.

રશિયન ટેકનિકનો કર્યો ઉલ્લેખ

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંકનાં કાર્યક્રમમાં વાત કરતાં નીતિન ગડકરીએ રશિયન ટેકનિક વિશે જણાવ્યું હતું, જેના દ્વારા પેટ્રોલ અને ઇથેનોલની ક્લોરિફિક વેલ્યુ બરાબર થઈ જાય છે. ગડકરીએ શેરડીની મોટી માત્રામાં ઉપજ વાળા એરિયા પશ્ચિમી મહારાષ્ટ્રની ચર્ચા કરતાં કહ્યું કે જો આવું થાય છે તો પેટ્રોલ પંપની જગ્યા ઇથેનોલ પંપ લઈ લેશે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પહેલેથી જ ૩ ઇથેનોલ પંપ કામ કરી રહ્યા છે. આ સિવાય પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઓટોરિક્ષાને ૧૦૦% ઇથેનોલથી ચલાવવાની પરમીટ આપવા માટે રાજ્ય સરકારને આગ્રહ કર્યો છે.

ભારતમાં ઇંધણની આયાત ઓછી થશે

પેટ્રોલમાં ઇથેનોલની વધારે માત્રા મળવા પર ભારતનું ઇંધણ આયાત ઓછું થશે અને શેરડીનાં ખેડુતો સાથે શુગર મિલનાં માલિકોને પણ ફાયદો થશે. ટોયોટા અને કિર્લોસ્કર સાથે પોતાની હાલની મીટીંગની ચર્ચા કરતા ગડકરીએ કહ્યું કે, “તેમણે ફ્લેક્સ એન્જિન સાથે કાર બનાવી લીધી છે. ફ્લેક્સ એન્જિન ૧૦૦% પેટ્રોલ કે ઇથેનોલથી ચાલે છે. તેને યુરો ૬ નિયમનાં હિસાબથી તૈયાર કરવામાં આવ્યું છે અને હું ભારતમાં તેને અનિવાર્ય કરવાનો છું”.

ઇથેનોલની કિંમત ૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. ગડકરીએ આગળ કહ્યું કે, “પેટ્રોલનો ઉપયોગ ના કરો. વધતી કિંમતને લઈને તમારે ગભરાવવાની જરૂરિયાત નથી. ઇથેનોલની કિંમત ૬૨ રૂપિયા પ્રતિ લીટર છે અને તે આયાતનો વિકલ્પ હોવાની સાથે પૈસા વસુલ અને પ્રદુષણ મુક્ત છે”. પ્રદુષણમુક્ત વાહનોનાં પ્રચાર માટે ગડકરી દિલ્હીમાં ગ્રીન હાઈડ્રોજન કારનો ઉપયોગ કરશે. સડક પરિવહન તથા હાઈવે મંત્રીએ એવું પણ કહ્યું કે, જો કોર્પોરેટ સેક્ટર પહેલાં કો-ઓનરેટિવ સેકટર હાઈડ્રોજન ટેકનિકનો ઉપયોગ શરૂ કરે છે તો તેને ફાયદો પણ પહેલા મળશે.