રામ મંદિરનાં પાયામાં મુકવામાં આવશે ટાઇમ કેપ્સ્યુલ, આ પહેલા લાલ કિલ્લામાં ઇન્દિરા ગાંધીએ દફનાવેલ છે ટાઇમ કેપ્સ્યુલ

અયોધ્યામાં રામ મંદિર બનાવતા સમયે તેના પાયામાં એક ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવશે. જેથી આવનારા સમયમાં મંદિરના ઈતિહાસને લઈને કોઈ વિવાદ ઉભો ન થઈ શકે. આ ટાઇમ કેપ્સ્યુલ રામ મંદિરના પાયાની અંદર ૨૦૦ ફૂટ નીચે દબાવવામાં આવી રહેલ છે. આ ટાઈમ કેપ્સ્યુલમાં મંદિર અને ભગવાન રામજી વિશે જોડાયેલ ઈતિહાસ લખવામાં આવશે.

શું હોય છે ટાઈમ કેપ્સ્યુલ

ટાઈમ કેપ્સ્યુલને એક કન્ટેનરના રૂપમાં પાયામાં અંદર મૂકવામાં આવે છે, જે સદીઓ બાદ એક ઐતિહાસિક દસ્તાવેજના રૂપમાં ઓળખવામાં આવે છે. ટાઈમ કેપ્સ્યુલને અમુક ખાસ ચીજોમાંથી બનાવવામાં આવેલ હોય છે, જેના કારણે તે ખૂબ જ ઊંડાઈમાં દફનાવવામાં આવેલ હોવા છતાં પણ તે હજારો વર્ષ બાદ પણ તેને કોઈ નુકસાન પહોંચતું નથી. તમને જણાવી દઈએ કે ૩૦ નવેમ્બર ૨૦૧૭ માં સ્પોનનાં બર્ગોસમાં અંદાજે ૪૦૦ વર્ષ જૂની એક ટાઈમ કેપ્સ્યુલ મળી આવી હતી. જે યીશુ મસીહાની મુર્તિના રૂપમાં છે. તેમાં વર્ષ ૧૯૭૭ ની આસપાસ ની આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જાણકારી આપવામાં આવેલ હતી. હવે આવી જ એક કેપ્સ્યુલ અયોધ્યા રામ મંદિરના નિર્માણ દરમ્યાન તેના પાયામાં દફનાવવામાં આવશે.

લાલ કિલ્લાના પાયામાં મૂકવામાં આવી હતી ટાઈમ કેપ્સ્યુલ

વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા ગાંધી સરકારે લાલ કિલ્લાના પાયામાં એક ટાઈમ કેપ્સ્યુલ મૂકી હતી, જેને કાલપત્ર નામથી પણ ઓળખવામાં આવે છે. આ ટાઇમ કેપ્પ્સ્યુલ માં ઇન્દિરા ગાંધી તરફથી શું લખવામાં આવ્યું હતું તે હાલના સમયમાં પણ એક રહસ્ય બની ગયેલ છે. ઇન્દિરા ગાંધીએ ટાઈમ કેપ્સ્યુલમાં લખવામાં આવેલ જાણકારી ગુપ્ત રાખેલ હતી. જોકે વિરોધ પક્ષના લોકોનો આરોપ હતો કે આ કાલપત્રમાં ઇન્દિરા ગાંધીએ પોતાના પરિવાર વિશે લખેલ છે.

Netaji: Rediscovered નામના એક પુસ્તકમાં ઇન્દિરા ગાંધી દ્વારા દફનાવવામાં આવેલા ટાઇમ કેપ્સ્યુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક કનાઈલાલ બાસુ દ્વારા લખવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી ઇચ્છતા હતા કે આઝાદી બાદ ૨૫ વર્ષમાં દેશની ઉપલબ્ધિ અને સંઘર્ષ વિશે લખવામાં આવે. આ બાબતોને તેમણે ટાઈમ કેપ્સ્યુલમાં લખાવેલ હતી. આ કામની જવાબદારી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટ્રીકલ રિસર્ચને સોંપવામાં આવેલ હતી. મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજના ઇતિહાસના પ્રોફેસર કૃષ્ણસ્વામી ને પૂરી પાંડુલિપિ તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

ખૂબ જ વિરોધ થયેલો

ઇન્દિરા ગાંધી તરફથી લાલ કિલ્લામાં આ કાલપત્રને ૧૫ ઓગસ્ટ, ૧૯૭૬નાં રોજ તેના પાયામાં દફનાવવામાં આવ્યો હતો. જેના લીધે તે સમયે તેનો ખૂબ જ વિરોધ પણ કરવામાં આવેલ હતો. વિપક્ષનો આરોપ હતો કે ઇન્દિરા ગાંધીએ આ ટાઈમ કેપ્સ્યુલમાં પોતાના અને પોતાના વંશનો ઉલ્લેખ કરેલ છે. આ વિવાદ પાછળથી એટલો બધો વધી ગયો હતો કે તે દરમ્યાન જનતા પાર્ટીએ લોકોને વચન આપ્યું હતું કે, જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ આ કાલપત્રને લાલ કિલ્લાના પાયામાંથી ખોદીને બહાર કાઢશે અને જોવામાં આવશે કે તેમાં શું લખેલું છે.

વળી વર્ષ ૧૯૭૭માં જ્યારે મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની તો સરકાર બની ગયા બાદ જનતાને આપેલા વચન પ્રમાણે તેમણે આ ટાઈમ કેપ્સ્યુલને લાલ કિલ્લાના પાયા માંથી બહાર કાઢી હતી. પરંતુ તેના પર શું લખવામાં આવેલ હતું, તેનો ખુલાસો જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો નહીં. વર્ષ ૨૦૧૩માં ઇકોનોમિક્સ ટાઇમ્સ દ્વારા આ બાબત પર એક સમાચાર છપાયા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટાઈમ કેપ્સ્યુલ વિશે જાણકારી હોવાથી ઇનકાર કરવામાં આવ્યો હતો. લેખક મધુ પૂર્ણિમા કિશ્વરે આ સંબંધમાં સરકાર પાસેથી સૂચના પણ માંગી હતી, પરંતુ તેમને કંઈ મળી શક્યું નહીં.

નરેન્દ્ર મોદીએ પણ દફનાવેલ છે ટાઈમ કેપ્સ્યુલ

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૧માં એક ટાઈમ કેપ્સ્યુલ ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા મંદિરની નીચે તેના પાયામાં દફનાવેલ છે. વિપક્ષ દ્વારા આરોપ પણ લગાવવામાં છે કે તેના પર મોદીએ પોતાની ઉપલબ્ધિઓ વિશે લખેલું છે. તે સમયે મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા.