રામાયણ સૌથી પહેલા હનુમાનજીએ લખી હતી પરંતુ તેને દરિયામાં ડૂબાડી દીધી હતી, આખરે શા માટે ?

મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કે રામાયણમાં ભગવાન શ્રીરામજીનું વર્ણન છે અને એ પણ જાણીએ છીએ કે તેને કોણે લખી છે. જો કે શ્રી રામજી વિશે તો ઘણા લોકોએ પુસ્તકો લખ્યા છે પરંતુ તેમાથી મુખ્ય છે : વાલ્મીકિ રામાયણ, શ્રી રામચરિત માનસ, કબંદ રામાયણ, આનંદ રામાયણ અને અદ્વૂત રામાયણ.

પરંતુ તમારા લોકોમાથી એવા ઘણા લોકો હશે જે એ જાણતા નહી હોય કે પ્રભુ શ્રી રામજીને સમર્પિત એક રામાયણ સ્વયં મહાબલી હનુમાનજીએ લખી હતી. જેને “હનુમદ રામાયણ” ના નામથી ઓળખવામાં આવે છે અને આ રામાયણને સૌથી પહેલી રામાયણ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વયં શ્રી હનુમાનજીએ આ રામાયણને દરિયામાં ડૂબાડી દીધી હતી. આખરે તેમણે એવું શા માટે કર્યું હતું. તો ચાલો જાણીએ તેના વિશે શાસ્ત્રોમાં લખેલ એક ગાથાના અનુસાર.

પ્રથમ રામાયણ હનુમાનજીએ લખી – હનુમદ રામાયણ

શાસ્ત્રો પરથી એ જાણવા મળે છે કે સૌથી પહેલી રામાયણ ભગવાન હનુમાનજીએ લખી હતી અને તે રામાયણ એક પહાડ પર લખી હતી. પોતાના નખ દ્વારા આ કથા વાલ્મીકિજીના રામાયણ લખતા પહેલા લખવામાં આવી છે અને તેને જ “હનુમદ રામાયણ” નું નામ મળ્યું.

હનુમાનજીએ આ કથા ત્યારે લખી હતી જ્યારે ભગવાન શ્રીરામજી રાવણનો વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત કરીને પોતાના ઘર અયોધ્યા પરત આવી ગયા હતાં અને પોતાનો રાજ-પાઠ સંભાળી રહ્યા હતાં. ત્યારબાદ હનુમાનજી હિમાલયમાં જઈને ભગવાન શિવજીની પુજા કરવા લાગ્યા હતાં તે દરમિયાન રોજ હનુમાનજી પોતાના નખ વડે શ્રીરામજીના જીવનની અત્યંત સુંદર લીલા દર્શાવતા હતાં.

જ્યારે ખુબ જ સમય પસાર થઈ જાય છે ત્યારે વાલ્મીકિજી એ જે રામાયણ લખી હતી તે ભગવાન શિવજીને બતાવવા માટે હિમાલય જાય છે. ત્યાં જઈને જ્યારે શિવજી વાલ્મિકીજીને હનુમાનજી દ્વારા લખવામાં આવેલી રામાયણ બતાવે છે ત્યારે વાલ્મીકીજી પોતાના દ્વારા લખવામાં આવેલ રામાયણને ખૂબ જ નાની માને છે અને નિરાશ થઇ જાય છે. હનુમાનજી દ્વારા જ્યારે તેમનું નિરાશ થવાનું કારણ પૂછવા પર વાલ્મીકીજી જણાવે છે કે “હનુમદ રામાયણ” ની સામે મને મારી રામાયણ ખૂબ જ નાની લાગી રહી છે.

આ બધું સાંભળીને હનુમાનજી કહે છે કે તે તો નિશ્વાર્થ થઇ ને પોતાના શ્રીરામની ભક્તિના માર્ગ પર ચાલનાર છે. આજથી તમારી રામાયણ જ દુનિયામાં જાણીતી થશે. આટલું કહીને જ હનુમાનજી “હનુમદ રામાયણ” વાળા પર્વતને ઉપાડીને દરિયામાં નાખી દે છે. હનુમાનજીના આટલા મોટા ત્યાગને જોઈને વાલ્મીકીજી કહે છે કે હે હનુમાન તમારાથી મોટુ કોઈ રામભક્ત નથી. તમારાથી મોટુ કોઈ દાનવીર નથી. તમે તો મહાન થી પણ અત્યંત ઉપર છો. તમારા ગુણગાન માટે મારે કળિયુગમાં વધારે એક જન્મ લેવો પડશે.

હનુમાનજીની સહાયતાથી તુલસીદાસે લખી રામચરિતમાનસ

રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી ને વાલ્મીકિજીનો બીજો જન્મ માનવામાં આવે છે. હનુમાનજીની મદદથી જ તેમણે આ મહાન કાવ્યના કાર્યને પૂરું કર્યું હતું. રામચરિત માનસમાં આવેલી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા લોકોના મનમાં છે.

દરિયામાં મળ્યું છે હનુમદ રામાયણ નું પ્રમાણ

મહાકવિ કાલિદાસના સમય પર એક ખડકની શીલા મળી હતી. જેમાં ગુઢલિપિમાં કંઈક લખેલ હતું. જે કાલિદાસે વાંચીને બતાવ્યું કે તે “હનુમદ રામાયણ” લખેલ ખડકનો એક ટુકડો છે.