રવિન્દ્ર જાડેજા એ આઇપીએલ ટ્રોફી સાથે એમ.એસ.ધોની અને પત્નિ રિવાબા સાથે શેર કરી તસ્વીર, જીતી લીધું દિલ, જુઓ તસ્વીર

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ૨૦૨૩ માં પોતાની અંતિમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. આ મેચ બાદ ધોની અને જાડેજા વચ્ચે મતભેદ હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જોકે સિઝનમાં ચેન્નઈ ચેમ્પિયન બન્યા બાદ આ બધી વાતનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનાં પર ખુદ રવિન્દ્ર જાડેજાએ પુર્ણવિરામ લગાવી દીધું છે. હકિકતમાં આઈપીએલ ૨૦૨૩ માં ખિતાબ જીત્યા બાદ ચેન્નઈનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ કેપ્ટન ધોની સાથેની કેટલીક તસ્વીરો એક સુંદર સંદેશ લખીને શેર કરી છે.

રવિન્દ્ર જાડેજાએ આખરી બે બોલમાં જે કમાલ કરી હતી, તે હવે આઇપીએલનાં ઈતિહાસમાં ગોલ્ડન અક્ષરોમાં લખવામાં આવશે. એમ.એસ. ધોનીનાં ધુરંધર ખેલાડીએ પાંચમા બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સને પાંચમી વખત આઈપીએલની ચેમ્પિયન બનાવી હતી. આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ચેન્નઈએ સૌથી વધુ પાંચ ટાઈટલ જીતવાનાં મુંબઈનાં રેકોર્ડની પણ બરોબરી કરી લીધી છે. આ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન કુલ સાથે કેટલીક ક્યુટ તસ્વીરો શેર કરી છે.

હકિકતમાં રવિન્દ્ર જાડેજાને પણ વિશ્વાસ નહોતો કે તે આઈપીએલ ૨૦૨૩ ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમનો ભાગ બનવા જઈ રહ્યો છે પરંતુ તે પણ એક ભાગ બની ગયો અને તેણે પોતાની ટીમ માટે ખિતાબ જીતવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. પાંચમી વખત ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ત્રણ અલગ અલગ તસ્વીરો શેર કરી છે.

રવિન્દ્ર જાડેજાના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી પહેલી તસ્વીરમાં જાડેજા ધોની સાથે ટ્રોફી લઈને ફોટો પડાવતો જોવા મળી રહ્યો છે તો બીજી તસ્વીરમાં જાડેજા આઇપીએલ ટ્રોફી સાથે છે પરંતુ અહીં તેની સાથે પત્નિ રીવાબા અને ધોની પણ છે. રિવાબા ટ્રોફી લઈને બેઠા છે અને ધોની અને જાડેજા તેમની બાજુમાં બેઠા છે. જાડેજાએ શેર કરેલી ત્રીજી તસ્વીર તે સમયની છે જ્યારે ચેન્નઈએ પાંચમી વખત ટ્રોફી જીતી હતી.

મેચ પુરી થયા બાદ ધોનીએ જાડેજાને ઉંચકી લીધો હતો. તસ્વીરમાં જાડેજાના હાથમાં બેટ પકડેલું જોઇ શકાય છે. આ ત્રણ તસ્વીરોની સાથે તેણે એક ક્યુટ કેપ્શન પણ આપ્યું છે, જેમાં લખ્યું છે કે, “અમે માત્ર મહેન્દ્ર સિંહ ધોની માટે જ કર્યું હતું. માહી ભાઈ, તમારા માટે કંઈ પણ…”. ત્યારબાદ બે હાર્ટ ઇમોજી પણ શેર કરવામાં આવી છે. હકિકતમાં આ સિઝનમાં ઓલરાઉન્ડર જાડેજા એ બેટ અને બોલ બંનેથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ૧૬ મેચમાં ૧૯૦ રન બનાવ્યા છે જ્યારે ૨૦ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત મુંબઈ સામે આઈપીએલ ૨૦૨૩ ની ૧૨ મી મેચમાં પણ તેને “પ્લેયર ઓફ ધ મેચ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.