અખાત્રીજના પાવન દિવસે સાળંગપુરનાં હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવને કેરી નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જુદા-જુદા તહેવારો અનુસાર કષ્ટભંજન દેવને અલગ અલગ વાઘા પહેરાવીને તેમનો શણગાર કરવામાં આવે છે. હનુમાનજીને અન્નકુટ પણ ધરવામાં આવેલ હતો. કેરી નો મનમોહક શણગાર કર્યા બાદ કષ્ટભંજન દેવનું અલૌકિક સ્વરૂપ જોવા મળ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ત્યાં આવેલા ભક્તોએ લીધો હતો.
સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવનાં અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. અખાત્રીજનાં પાવન દિવસે સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાનજીને કેરી નો શણગાર કરવામાં આવ્યો હતો. અખાત્રીજનાં દિવસે સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતીમાં પુજારી સ્વામીએ કષ્ટભંજન દેવનાં સિંહાસનને કેરી દ્વારા શણગાર કરીને તેમનાં રૂપને મનમોહક બનાવ્યુ હતું.
ત્યારપછી સવારે ૭.૦૦ વાગ્યે શણગાર આરતી પણ કરવામાં આવી હતી અને બપોરે ૧૧.૧૫ વાગ્યે કષ્ટભંજન દેવને કેરીનો અન્નકુટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરનાં આંગણે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાદા ના હજારો ભક્તોએ આ મારૂતિ યજ્ઞ અને કેરી શણગારનાં દર્શન કરવાનો આનંદ માણ્યો હતો. વળી યુ-ટ્યુબ ચેનલોનાં માધ્યમથી પણ અનેક લોકોએ કષ્ટભંજન દેવનાં દર્શન કરીને તેમનાં આશીર્વાદ લીધા હતાં.
સાળંગપુર ધામમાં વિવિધ તહેવારો મુજબ હનુમાનજીને વાઘા પહેરાવીને અથવા તો અલગ અલગ શણગાર કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ હનુમાન જયંતી નિમિત્તે પણ કષ્ટભંજન દેવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેનો લાભ પણ અનેક ભક્તોએ લીધો હતો.
આ ઉપરાંત દાદાના સિંહાસનને તાલાલા ગીરની ૧૦૦૦ કિલો કેસર કેરીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ વડતાલ ગાદીના આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી કષ્ટભંજનદેવનાં દર્શન કરવા સાળંગપુરધામ પહોંચ્યા હતાં. તેની સાથે જ બપોરે ૧૧.૧૫ વાગ્યે દાદાને કેરીનો અન્નકુટ પણ ધરવામાં આવ્યો હતો. લાખો ભક્તોએ આ દર્શન અને આરતીનો લાભ લીધો હતો.