સરકારે લીધો યુ ટર્ન : હવે અનલોક-૩ માં આ ચીજો ખુલશે અને આ ચીજો રહેશે સંપૂર્ણપણે બંધ

એક ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ કરી શકે છે અને તે દરમ્યાન ઘણા પ્રકારની સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. અનલોક-૩ હેઠળ સરકાર ઘણી બધી જગ્યાઓ ખોલવાની સરકાર વિચાર કરી રહી છે. એવી ખબરો મળી રહી હતી કે સરકાર એક ઓગસ્ટથી શાળાઓ પણ ખોલી શકે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે છેલ્લી ક્ષણોમાં પોતાનો આ વિચાર બદલી નાખ્યો છે. એક અધિકારીએ આ વિષે જાણકારી આપતા જણાવ્યુ કે અનલોક-૩માં શાળાઓને ખોલવાની મંજૂરી મળી શકે એમ હતી. પરંતુ કેન્દ્ર સરકારે અંતિમ સમયમાં પોતાનો વિચાર બદલી નાખ્યો છે. આ અધિકારીએ પોતાનું નામ ના બતાવવાની શરત પર કહ્યું કે, શાળાઓની સાથે સાથે મેટ્રો સેવાઓને પણ બંધ રાખવામા આવશે. તે સિવાય જીમ અને સ્વિમિંગ પુલને પણ ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે.

યોજાઇ હતી બેઠક

શાળાઓને ખોલવાને લઈને ગયા સોમવારે કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલયએ એક બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર પાસેથી શાળાઓ ખોલવાને લઈને સલાહ માંગવામાં આવી હતી. તે સિવાય પણ જૂનમાં કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ બાળકોના વાલીઓને તેમના અભિપ્રાય વિશે પૂછ્યું હતું. જેને કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે તે દરમ્યાન મોટાભાગના બાળકોના વાલીઓ શાળા ખોલવાના પક્ષમાં નહોતાં અને તેમનું કહેવું હતું કે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ના આવી જાય ત્યાં સુધી શાળાઓને બંધ જ રાખવામા આવે.

તેની વચ્ચે એવા સમાચાર મળી રહ્યા હતાં કે સરકાર અનલોક-૩ દરમિયાન શાળાઓ ખોલી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં સરકારે તેમનો આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ જ રીતે દિલ્હી મેટ્રોને શરૂ કરવાને લઈને અનલોક-૧ થી તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી મેટ્રોને શરૂ કરવાની પરવાનગી આપી નથી. દરમિયાન પરિસ્થિતી જોતાં અનલોક-૩ માં પણ મેટ્રો સેવાને સરકાર બંધ રાખી શકે છે.

માર્ચમાં થયું હતું લોકડાઉન

નોંધપાત્ર છે કે દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન થયું હતું. જે ૬૮ દિવસો સુધી ચાલ્યું હતું. સરકારે ૩૧મી મેના રોજ લોકડાઉન સમાપ્ત કર્યું હતું અને અનલોક-૧ અને અનલોક-૨ હેઠળ સેવાઓને ફરીથી શરૂ કરવામાં આવી હતી. હવે અનલોક-૩ હેઠળ બીજી ઘણી સેવાઓ પર થી નિયંત્રણ હટાવવાનું બાકી છે. અનલોક-૩ માં કઇ સેવાઓને શરૂ કરવામાં આવે અને કઇ સેવાઓને હજુ પણ બંધ રાખવામાં આવે તેમને લઈને ઘણી બેઠકો કરવામાં આવી રહી છે.

વધી રહ્યા છે કોરોનાના કેસ

દેશમાં કોરોનાના કેસ ની ગતિ રોજ વધી રહી છે અને રોજના ૪૫ હજારથી પણ વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી આ સમયે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. હવે કોરોનાએ બિહારમાં પણ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. બિહારમાં કોરોનાના કેસોમાં એકદમથી ઉછાળો આવ્યો છે. અત્યારસુધીમાં ભારતમાં કોરોનાના ૧૩ લાખથી વધારે કેસો સામે આવી ચૂક્યા છે જ્યારે ૩૨ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.