શ્રીરામ સિવાય આ ૩ યોદ્ધાઓએ પણ રાવણને કર્યો હતો પરાજિત, એક યોદ્ધાએ તો રાવણને બનાવી લીધો હતો બંદી

Posted by

અસત્ય પર સત્યની જીતનો તહેવાર એટલે કે વિજયાદશમી પુરા દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રાવણનું પૂતળા દહન કરીને એવો સંદેશ આપવામાં આવે છે કે અંતે અસત્ય, અહંકાર અને દુરાચારની હાર થાય છે. રાવણની આ બુરાઈઓ સિવાય તે પરમ વિદ્વાન અને શક્તિશાળી હતો તે વાતમાં કોઈ બેમત નથી. રાવણે પોતાના પરાક્રમ અને બળથી મનુષ્યોની સિવાય દેવતાઓને પણ હરાવ્યા હતા.

એકવાર તો યમરાજને પણ રાવણે પરાજય આપ્યો હતો. તેવામાં બધા જ લોકો ફક્ત એ જ જાણે છે કે રાવણ ફક્ત ભગવાન શ્રીરામથી જ હાર્યા હતા પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે રાવણ ભગવાન શ્રીરામની સિવાય પણ અન્ય ત્રણ યોદ્ધાઓ સામે હારી ચૂક્યો છે. આજે અમે આ આર્ટિકલમાં તમને તે ત્રણ યોદ્ધાઓની વિશે જણાવીશું.

વાનરરાજ બાલી

રાવણ ભલે પરમ શક્તિશાળી હતો પરંતુ તેમનો અહંકાર જ તેમના વિનાશનું કારણ બન્યો. તે અન્ય યોદ્ધાઓને હંમેશા પોતાનાથી ઓછો આંકતો હતો અને ચપટીમાં જ તેમને હરાવી દેવાની વાતો કરતો હતો, તેવામાં જ્યારે રાવણને જાણ થઈ કે વાનરરાજ પણ અતિ શક્તિશાળી છે તો રાવણ પોતાને મહાન સાબિત કરવા માટે બાલી સાથે લડવા માટે પોતે કીસકીનધા પહોંચી ગયો. રાવણે બાલીને યુદ્ધ કરવા માટે લલકાર્યો, પરંતુ તે સમયે બાલી પૂજામાં લીન હતો અને જ્યારે તેમને રાવણની લલકાર સાંભળવા મળી તો તે ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. ત્યારબાદ બાલી રાવણને પોતાના હાથમાં દબોચીને સમુદ્રની પરિક્રમા કરતા પૂજા કરવા લાગ્યો. રાવણે છુટવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તે બાલીની પકડમાંથી છૂટી શક્યો નહી. ત્યારબાદ જ્યારે બાલીની પૂજા સમાપ્ત થઈ અને તેમણે તેમને છોડ્યો તો રાવણ બેભાન થઈ ચૂક્યો હતો, રાવણ જ્યારે ભાનમાં આવ્યો તો તેમણે બાલી સાથે મિત્રતા કરી લીધી. આ રીતે બાલીએ પણ રાવણના અહંકારનો અંત કર્યો હતો.

જ્યારે પાતાળ લોકના રાજા બલી સામે પરાજિત થયો રાવણ

રાવણે પોતાની શક્તિથી પૃથ્વી અને સાથે જ સ્વર્ગ પણ જીતી લીધું હતું. ત્યારબાદ રાવણ પાતાળ લોકને પણ જીતવા માંગતો હતો પરંતુ તે સમયે દૈત્યરાજ બલિ પાતાળ લોકના રાજા હતા. રાવણ જ્યારે પાતાળલોક પહોંચ્યો તો ત્યાં તેમણે રાજા બલિને યુદ્ધ માટે લલકાર્યા. આ દરમિયાન રાજા બલિના મહેલમાં રમી રહેલા બાળકોએ જ રાવણને પકડી લીધો અને ઘોડાની સાથે બાંધી દીધો. આ પ્રકારે રાજા બલિના મહેલમાં રાવણનો પરાજય થયો.

સહસ્ત્રબાહુ અર્જુન સામે રાવણનો પરાજય

રાક્ષસોના રાજા રાવણે જ્યારે બધા રાજાઓને હરાવ્યા અને તે મહિષ્મતી નગરના રાજા સહસ્ત્રબાહુ અર્જુનને જીતવાની ઈચ્છાથી મહિષ્મતી નગર ગયો. ત્યાં પણ રાવણે સહસ્ત્રબાહુ અર્જુનને યુદ્ધ માટે લલકાર્યા. ત્યારબાદ રાવણ અને સહસ્ત્રબાહુની વચ્ચે નર્મદા નદીના કિનારે ભયંકર યુદ્ધ થયું અને અંતમાં સહસ્ત્રબાહુ અર્જુને રાવણને બંદી બનાવી લીધો. આ જાણકારી જ્યારે રાવણના પિતામહ પુલસ્ત્ય મુનિ સુધી પહોંચી તો તેમણે સહસ્ત્રબાહુને રાવણને છોડવા માટે નિવેદન કર્યું. ત્યારબાદ સહસ્ત્રબાહુ અર્જુને રાવણને છોડી દીધો અને બન્નેએ એકબીજા સાથે મિત્રતા કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *