હાલનાં સમયમાં ઘોર કળયુગ ચાલી રહ્યો છે. એવો કળયુગ જ્યાં સ્વાર્થમાં વ્યક્તિ લોહીના સંબંધોને નષ્ટ કરવામાં પણ અચકાતો નથી. ૯ વર્ષ પહેલા ઓડિશાના એક મંદિરમાંથી ભગવાન શ્રીકૃષ્ણનાં આભુષણોની ચોરી થઈ હતી. ૯ વર્ષ બાદ પણ પોલીસ ચોર ને શોધી શકી નહોતી ત્યારે એક દિવસ મંદિરના દરવાજા પાસેથી એક બેગ મળી આવી હતી. જ્યારે તેને ખોલવામાં આવી ત્યારે લોકોને પણ આશ્ચર્ય થયું હતું કારણ કે આ બેગમાં વર્ષો પહેલા ચોરાયેલા કિંમતી દાગીના હતાં.
તેમજ કેટલાક રૂપિયા અને બે ચિટ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, “આ ઘરેણા ચોર્યા પછીથી હું બરાબર સુઈ શક્યો નથી. મને ખરાબ સપના આવે છે, હું મારી ભુલ કબુલ કરું છું અને દાગીના પાછા આપી રહ્યો છું”. આ દાગીનાની ચોરી કરનાર વ્યક્તિએ ૯ વર્ષ સુધી પરેશાન થયા બાદ દાગીના પરત કર્યા હતાં. આ ઘટનાની ચર્ચા આ વિસ્તારનાં દરેકનાં યુવાનો પાસે સાંભળવા મળી રહી છે.
૨૦૧૪ માં ઓડિશાના બાલાસોર જિલ્લાનાં ગોપીનાથપુર ગામમાં સ્થિત ગોપીનાથ મંદિરમાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતાં. મંદિરમાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે ચોરી કરવામાં આવી હતી. ચોરીની ફરિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે પોલીસ આરોપીઓને શોધી શકી નહોતી. સાથે જ મંદિરના પુજારીઓએ પણ ઘરેણા મળવાની આશા છોડીને ભગવાન માટે અન્ય આભુષણોની વ્યવસ્થા કરી હતી.
હાલમાં જ સવારે મંદિરની બહાર એક બેગ મળી આવી હતી. બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં ૯ વર્ષ પહેલા ચોરાયેલા દાગીના હતાં, જેમાં ચાંદીનો મુગટ, કાનની બુટ્ટી, બ્રેસલેટ અને વાંસળીનો સમાવેશ થાય છે. આ મંદિરનાં પુજારી શ્રી દેવેશચંદ્ર મોહંતીને આભુષણો જોઈને આશ્ચર્ય થયું હતું. બેગમાં ૩૦૦ રૂપિયા અને બે ચિટ્ઠી પણ હતી. બેગમાંથી મળી આવેલી ચિટ્ઠીમાં દાગીનાની ચોરી કરનાર યુવકે પોતાનો અને સરનામાનો ઉલ્લેખ ના કરતાં લખ્યું હતું કે, ૯ વર્ષ પહેલાં મેં યજ્ઞશાળા (જ્યાં યજ્ઞવિધિ કરવામાં આવે છે) ત્યાંથી ભગવાનના કિંમતી દાગીનાની ચોરી કરી હતી.
ત્યારબાદથી હું બરાબર સુઈ શક્યો નથી, મને ખરાબ સપનાઓ આવે છે. તાજેતરમાં જ મેં ભગવદ્ ગીતા વાંચી હતી અને ત્યારપછી મને મારી ભુલનો અહેસાસ થયો. સાથે જ તે યુવકે ૩૦૦ રૂપિયા પણ મંદિરમાં દાન માટે મોકલ્યા હતાં. વર્ષો પછી ચોરાયેલા દાગીના પાછા મેળવવા અંગે મંદિરના પુજારી દેવેશચંદ્ર મોહંતી કહે છે કે ચોરે પશ્ચાત્તાપનું કૃત્ય અને ભગવાન શ્રી કૃષ્ણનાં ઉપદેશોનું મહત્વ સમજવાની તેમની સમજણ એ ભગવદ્ ગીતાની શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ છે.