શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જે ટૂથપેસ્ટ આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેમાં મોટાભાગે ટુથપેસ્ટની નીચેના ભાગમાં અમુક રંગીન (કાળી, લાલ, લીલા) રંગની પટ્ટીઓ દોરેલ હોય છે અને આ રંગીન પટ્ટીઓ શું સંકેત આપે છે ? આ રંગીન પટ્ટીઓનો હકીકતમાં શું અર્થ થાય છે ? તેના વિશે જાણવા માટે આગળ વાંચો.
સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાઇરલ થઇ રહી છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ટૂથપેસ્ટની નીચે બનેલી લાલ-લીલી અને બ્લુ રંગની પટ્ટીની મદદથી તમે તે જાણી શકો છો કે તમારા ટૂથપેસ્ટમાં કેમિકલ છે કે નહી ? તો ચાલો જાણીએ કે સોશિયલ મીડિયાની આ પોસ્ટ સાચી છે કે ખોટી.
જે ટૂથપેસ્ટનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમની નીચેના ભાગ પર ઓછામાં ઓછી એક રંગની પટ્ટી હોય જ છે. જે બ્લુ, કાળી, લીલી કે લાલ રંગની હોઈ શકે છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ એ વાતનો દાવો કરતા હોય છે કે લોકો આ પટ્ટીઓને જોઈને જાણી શકે છે કે તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવતી આ ટૂથપેસ્ટ કઈ ચીજમાંથી બનેલી છે. જેમ કે આ ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે કેમિકલમાંથી બનેલ છે, નેચરલ તત્વોથી બનાવવામાં આવેલ છે કે કેમિકલ અને નેચરલ બંનેને મિક્સ કરીને બનાવવામાં આવેલ છે.
સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટના નીચેના ભાગમાં જો કાળી પટ્ટી હોય છે તો તેનો મતલબ થાય છે કે તે સંપૂર્ણ રીતે કેમિકલ યુક્ત ટૂથપેસ્ટ છે. જો તમારી ટૂથપેસ્ટમાં નીચેના ભાગમાં બ્લુ રંગની પટ્ટી જોવા મળે તો તેનો મતલબ થાય છે કે ટૂથપેસ્ટ પ્રાકૃતિક (નેચરલ) અને દવાને મિક્સ કરીને બનાવવામાં આવેલ છે. ત્યારબાદ જો તમારી ખૂબ ટેસ્ટમાં લાલ કલરની પટ્ટી જોવા મળે તો તેનો મતલબ થાય છે કે ટૂથપેસ્ટ પ્રાકૃતિક (નેચરલ) અને કેમિકલ યુક્તને મિક્સ કરીને બનાવેલ છે. જો તમારી ટૂથપેસ્ટમાં લીલા રંગની પટ્ટી જોવા મળે તો તેનો મતલબ થાય છે કે તમારી ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક એટલે કે નેચરલ છે.
મતલબ કે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લીલા રંગના નિશાનનો મતલબ થાય છે કે ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક તત્વોમાંથી બનાવવામાં આવેલ છે. જ્યારે બ્લૂ રંગના નિશાનનો મતલબ થાય છે કે તેમાં પ્રાકૃતિક તત્વ આને દવાનું મિશ્રણ છે. લાલ નિશાનનો મતલબ થાય છે કે તેમાં પ્રાકૃતિક તત્વ અને રાસાયણિક તત્વ શામેલ છે અને કાળાં રંગના નિશાનનો મતલબ થાય છે કે તેમાં બધા જ રાસાયણિક તત્વ સામેલ છે. સોશિયલ મીડિયાની પોસ્ટ લોકોને કાળા અને લાલ નિશાન વાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની મનાઈ કરે છે અને લોકોને લીલા અને બ્લૂ રંગ વાળી ટૂથપેસ્ટને ખરીદવાની સલાહ આપે છે.
તો જાણો વાસ્તવિકતા શું છે
વિશ્વ સ્તરે ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે હ્યુમેક્ટેંટ, સોલીડ અપઘર્ષણ, બાઈન્ડિંગ મટિરિયલ, સ્વીટનર, ફ્લેવરીંગ એજન્ટ, સર્ફેક્ટેંટ, ફ્લોરાઇડસ જેવા રસાયણ મળી આવે છે. તેના સિવાય પણ પ્રત્યેક ટૂથપેસ્ટમાં ઘણા પ્રકારના રંગ અને ફ્લેવર્સ પણ હોય છે. સોશિયલ મીડિયામા એ પણ સ્પષ્ટ નથી કે હકીકતમાં ટૂથપેસ્ટમાં ક્યુ કેમિકલ હોય છે.
પ્રાકૃતિક અને રાસાયણિક અવયવોની વચ્ચે અંતર કરવું તે એક ચર્ચાનો મુદ્દો છે કારણકે આ દુનિયામાં બધું જ ટેકનિકલ રૂપથી એક રસાયણ છે. ત્યાં સુધી કે બધા જ પ્રાકૃતિક તત્વ રાસાયણિક તત્વ છે અને મેડિસિન શબ્દ પરથી સ્પષ્ટ રૂપથી કંઈપણ નિષ્કર્ષ કાઢી શકાતું નથી. તેથી પોતાની ટૂથપેસ્ટની રાસાયણિક સંરચનાના વિશે જાણવાની સૌથી સારી રીત તેમને બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી વિશે વાંચી લો. જ્યાં સુધી ટૂથપેસ્ટના ઉપર રંગીન નિશાનનો મતલબ છે તો તેનું આ ટૂથપેસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી સાથે કંઈ લેવાદેવા નથી. ટૂથપેસ્ટ પર રંગીન નિશાન એ માટે બનાવવામાં આવે છે કારણકે જાણી શકાય કે ટુથપેસ્ટ ટ્યુબને કઈ રીતે બનાવવામાં આવેલ છે.
આ રંગીન નિશાનની મદદથી મશીનમાં લગાવવામાં આવેલ લાઇટ સેન્સર તે જાણી શકે કે ટ્યુબને ક્યાંથી કાપવાની છે, વાળવાની છે અને ક્યાંથી સીલ કરવાની છે. તેથી જો તમે તમારી ટૂથપેસ્ટની સામગ્રી વિશે જાણવા માટે ઉત્સુક હોય તો ટૂથપેસ્ટની નીચેની રંગીન પટ્ટીઓ જોવાની જરૂર નથી પરંતુ ટૂથપેસ્ટ ટ્યુબ પર લખવામાં આવેલ સામગ્રીની તપાસ કરવી યોગ્ય રહેશે. અમે આશા રાખીએ છીએ કે આ લેખને વાંચ્યા બાદ તમારા મનમાં રહેલ શંકાનું સમાધાન થઈ ગયું હશે કે આખરે ટૂથપેસ્ટની નીચે રંગીન નિશાન શા માટે હોય છે.