સુરતની દિકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને સુરત અને ગુજરાત સાથે આગવી ઓળખ ઉભી કરી છે. આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ ૩૦ એપ્રિલનાં રોજ દુબઈમાં યોજાઈ હતી. જેમાં સુરતની ૧૭ વર્ષીય શિહોરા જીશા ને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં ૧૭ વર્ષીય શિહોરા જીશા તેના પરિવાર સાથે રહે છે. બાળપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશા એ કરાટેમાં કરિયર બનાવવાનું વિચાર્યું હતું.
જીશા કરાટેમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. અભ્યાસની સાથે-સાથે તે કરાટેની ટ્રેનિંગ પણ લેતી હતી. જીશા તેની ધોરણ ૧૨ ની પરીક્ષા આપ્યા પછી કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા દુબઈ ગઈ હતી. દુબઈમાં ૩૦ એપ્રિલથી આયોજિત દુબઈ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકન કપ દુબઈ-૨૦૨૩ માં દુનિયાભરનાં ૬૦૦ થી વધારે કરાટે ફાઈટર્સે ભાગ લીધો હતો, જેમાં શિહોરા જીશાબેન વિજયભાઇએ ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે કાટા ફાઈટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
જીશા આજે દુબઈથી સુરત પરત ફરી હતી. જેનાં માટે પરિવાર, સમાજ અને શાળા દ્વારા તેમનાં સ્વાગત માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જીશા એ સોસાયટીમાં પ્રવેશ કરતાં જ તેના પરિવારજનો સહિતના લોકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ ખુશીની ક્ષણ જોયા બાદ જીશા ભાવુક થઈ ગઈ હતી અને તે પરિવારનાં સભ્યોને ગળે લગાવીને રડી પડી હતી.
તેમણે આ સ્પર્ધા પહેલા ૧ મહિના સુધી સખત ટ્રેનિંગ લીધી હતી. તે ટ્રેનિંગ માટે સુરતથી બારડોલી જતી હતી. જોકે તેમણે જણાવ્યું હતું કે, દુબઇ સ્પર્ધામાં ૬૦૦ થી વધુ ઉમેદવારો હતાં. આ સફળતા મેળવવા માટે તેમને પરિવાર, શાળા અને કોચે ટેકો આપ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં ઘણા લોકો પાસે આવી પ્રતિભા છે પરંતુ જો સમાજ અને પરિવારના લોકો આવા બાળકોને મદદ કરે તો ચોક્કસ આવા બાળકો આગળ વધી શકે છે, જેમાં પરિવારનો અમુલ્ય ફાળો યોગ્ય ભુમિકા ભજવે છે.