ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર ૨૮ મે ના રોજ આઈપીએલની ફાઈનલ માટે પ્રતિબંધ લાગી શકે છે. માહી પર આરોપ છે કે તેણે અમ્પાયર સાથે ખુબ જ દલીલો કરી હતી અને ક્વોલિફાયર-૧ માં સમય વેડફ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની તે મેચમાં ધોનીએ જાણી જોઈને ચાર મિનિટ વાતચીત કરીને મેચ રોકી રાખી હતી, જેથી તે મથીશા પથીરાનાને બોલિંગ અપાવી શકે. આ સિઝનની શરૂઆતમાં તે સ્લો ઓવર રેટ માટે પણ દોષી સાબિત થઇ ચુક્યા છે.
જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી કે ધોની સામે પગલા લેવાશે કે નહી. એમએસ ધોની ૧૫ મી ઓવર પછી ક્રીઝ પર ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી અને ક્રિસ ગોફની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન રમત બંધ કરી દેવામાં આવી હતી. ત્યારપછીની ઓવર શરુ કરવામાં કેમ વિલંબ થયો તે કોઈને સમજાતું નહોતું. આ દરમિયાન ટીવી કોમેન્ટ્રીમાં ખુલાસો થયો હતો કે શ્રીલંકાનાં મથિષા પથીરાના ૯ મિનિટ માટે મેદાનની બહાર હતાં.
નિયમ પ્રમાણે જો કોઈ ખેલાડી ચાર મિનિટથી વધારે સમય માટે બહાર હોય તો તે મેદાન પર એટલો જ સમય પસાર ના કરે ત્યાં સુધી તે બોલિંગ કરી શકતો નથી. એક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ધોનીને મેચ ઓફિસિઅલ્સ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પથીરાનાને બોલિંગ કરતાં પહેલા હજુ થોડો સમય રાહ જોવી પડશે. સીએસકેના કેપ્ટને સ્વીકાર્યું કે તે સમજી ગયો છે પરંતુ તેમણે ઉમેર્યું હતું કે તેની પાસે પથીરાનાને બોલ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ધોનીને એ પણ યાદ અપાવવામાં આવ્યું હતું કે સીએસકેને સ્લો ઓવર-રેટ માટે નાણાકીય પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે અને જો નિર્ધારિત સમયમાં છેલ્લી ઓવર શરૂ નહીં થાય તો સર્કલની બહાર માત્ર ચાર ખેલાડીઓને જ રાખવાની મંજુરી આપી શકાય છે. આ બધી ચર્ચાઓમાં ચાર મિનિટ પસાર થઈ ગઈ અને પથીરાનાને ૮ મિનિટનાં માન્ય સમય સાથે બોલિંગ કરવાની છુટ આપવામાં આવી હતી. જોકે પથીરાનાને તે ઓવરમાં વિકેટ મળી નહોતી. તેને તેની પછીની ઓવરમાં વિકેટ મળી હતી.
ખતરનાક બેટ્સમેન વિજય શંકરની વિકેટ લીધા બાદ મેચ ચેન્નઈ સુપર કિંગ્સની તરફેણમાં ઝુકી ગઈ હતી. ધોનીએ મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો એટલું જ નહીં પરંતુ તેના ટોચના ફાસ્ટ બોલર મથિશા પથીરાનાને પણ તેની ચતુરાઈથી થોડી મિનિટો ખાઈને ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ ક્વોલિફાયરમાં ૧૬ મી ઓવર ફેંકવામાં મદદ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમગ્રાઉન્ડ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને ૧૫ રનથી હરાવીને ૧૦ મી વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આઇપીએલ ૨૦૨૨ ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે સુપર કિંગ્સની ૪ મેચમાં આ પ્રથમ જીત હતી.