ભારતીય પરંપરામાં ઘરેણાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને સોનાથી બનેલ ઘરેણાનું. લગ્નની સિઝન હોય કે કોઈ તહેવાર-ઉત્સવ સોનાની માંગ હંમેશા રહે છે. સોનુ આજે પણ લોકોની પહેલી પસંદ છે પરંતુ તેની સાથે જ તેની શુદ્ધતાને લઈને પણ લોકોમાં ઘણીવાર શંકા બની રહે છે. જ્યારે લોકો પોતાની જમા મુડી લઈને સોનું ખરીદવા પહોંચે છે તો તેની શુદ્ધતાને લઈને સૌથી વધારે દુવિધા બની રહેતી હોય છે. જોકે આ મામલામાં ભયથી નહીં પરંતુ સતર્ક થઇને કામ લેવું જોઈએ. ખરેખર સોનુ અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે ઘણી જ સરળ રીત છે. જેને તમે પોતે પણ અજમાવી શકો છો અને પોતાની મહેનતની કમાણી નકલી સોનામાં જવાથી બચાવી શકો છો. તો ચાલો જાણીએ સોનાની શુદ્ધતા પારખવાની અમુક સરળ રીતો વિશે.
જોકે સરકારે હોલમાર્કની જાહેરાતોથી ગ્રાહકોને ઘણી હદ સુધી આ દિશામાં જાગરૂક કરવાના પ્રયત્નો કર્યા છે પણ તેમ છતાં અમુક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં સસ્તું સોનું ખરીદવાની વેપારીઓની જાળમાં ફસાઈ જાય છે અને નકલી સોનું ખરીદી લે છે. જો તમે પણ કોઈ લોકલ દુકાનમાંથી કોઈ જ્વેલરી ખરીદીને રાખી છે અને તેની શુદ્ધતા પર તમને શંકા છે તો આ ઉપાયો દ્વારા તેમની શુદ્ધતા ચકાસી શકો છો.
ચુંબક પરીક્ષણ
સોનાની શુદ્ધતા ચકાસવા માટે તમે ચુંબક ટેસ્ટ કરી શકો છો. ખરેખર સોનુ ચુંબકીય ધાતુ નથી. તેવામાં જો તમે તમારી સોનાની જ્વેલરીને લઈને મૂંઝવણમાં છો તો તેના માટે એક મજબૂત ચુંબક લો અને તેને સોનાના ઘરેણા સાથે ચિપકાવો. જો તમારું સોનું ચુંબકની તરફ થોડું પણ આકર્ષિત થાય છે તો તેનો મતલબ છે કે સોનામાં થોડી ભેળસેળ છે. તેથી તમે હવે પછીથી ચુંબક ટેસ્ટ કરીને જ સોનું ખરીદવાનો આગ્રહ રાખો.
એસિડ ટેસ્ટ
એસિડ થી પણ તમે નકલી સોનાની ઓળખ કરી શકો છો. તેના માટે તમે સોના પર એક પિન દ્વારા હળવેકથી નાનો સ્ક્રેચ કરો. ત્યારબાદ તે સ્ક્રેચ વાળી જગ્યા પર નાઈટ્રિક એસિડનું એક ટીપુ મૂકો. જો સોનુ તરત જ લીલુ થઈ જાય છે તો તેનો મતલબ છે કે તમારું સોનુ નકલી છે. જો સોના પર કોઈ પ્રભાવ પડતો નથી તો તમે નિશ્ચિત થઇ જાઓ કારણકે અસલી સોના પર તેની અસર થતી નથી.
સિરામિક થાળીથી કરો ઓળખ
સિરામિક થાળીથી પણ તમે સોનાની શુદ્ધતાને પારખી શકો છો. તેના માટે તમે બજારમાંથી એક સિરામિક થાળી લઇ આવો અને તમારી સોનાની જ્વેલરીને તેના પર ઘસો. જો તે થાળી પર કાળા નિશાન પડી જાય તો તમારું સોનુ નકલી છે અને જો હલકા સોનેરી રંગના નિશાન પડે છે તો તમારું સોનુ અસલી છે.
પાણી ટેસ્ટ
સોનાની શુદ્ધતાને તપાસવાની સૌથી સરળ રીત છે પાણી ટેસ્ટ. તેના માટે એક ઊંડા વાસણમાં લગભગ બે ગ્લાસ જેટલું પાણી નાખો. ત્યારબાદ તેમાં તમારી સોનાની જ્વેલરી નાખી દો. જો થોડી જ વારમાં તમારું સોનુ તરતા જોવા મળે તો તેનો મતલબ છે કે તમારું સોનુ નકલી છે. જો તમારી જ્વેલરી ડૂબીને નીચે બેસી જાય છે તો સાબિત થાય છે કે તે અસલી છે. હકીકતમાં સોનુ ક્યારે તરતું નથી પરંતુ તે ડૂબી જાય છે.
દાંતોથી કરો ઓળખ
વળી સોનાની શુદ્ધતા પારખવાની એક સરળ રીત એ પણ છે કે તમારા સોનાને તમારા દાંતની વચ્ચે થોડીવાર સુધી દબાવીને રાખો. ત્યારબાદ જો તેના પર તમારા દાંતના નિશાન જોવા મળે તો તેનો મતલબ છે કે તે અસલી છે. હકીકતમાં સોનુ ખૂબ જ નરમ ધાતુ હોય છે તેથી જ ઘરેણા પણ ઘણીવાર શુદ્ધ સોનાના બનતા નથી. તેના કારણે જ તેમાં અમુક માત્રામાં બીજી ધાતુ ભેળવવામાં આવે છે. જોકે ધ્યાન રાખો કે આ ટેસ્ટને આરામથી કરો કારણકે વધારે દબાવવાથી સોનુ તૂટી પણ શકે છે.