વૃષભ રાશિફળ ૨૦૨૧ : જાણો વૈદિક જ્યોતિષ પર આધારિત વૃષભ રાશિ માટે વર્ષ ૨૦૨૧નું વિસ્તૃત રાશિફળ

Posted by

રાશિચક્રમાં વૃષભ રાશિ બીજા નંબર પર આવે છે. આ રાશિનું ચિહ્ન બળદ હોય છે. જે પ્રકારે બળદ ખૂબ જ પરિશ્રમી હોય છે, તે પ્રકારે જ વૃષભ રાશિનાં જાતકો પણ ખૂબ જ મહેનતુ અને પરિશ્રમી હોય છે. આ રાશિના લોકો પોતાના પ્રિય વ્યક્તિને મુશ્કેલીમાં જોઈ શકતા નથી. તે જેમને પણ એકવાર પોતાનો મિત્ર બનાવી લે છે તેમનો સાથ જીવનમાં ક્યારેય પણ છોડતા નથી. આ રાશીનાં જાતકો દરેક પરિસ્થિતિમાં સાથે રહે છે. સરકારી ક્ષેત્રોની શિક્ષા અને તેમના કામ વૃષભ રાશિવાળા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ ઘણીવાર પોતાના દ્વારા કરવામાં આવેલ ષડયંત્રોમાં પોતે જ ફસાઇ જતા હોય છે. જો તમારી પણ વૃષભ રાશિ છે અને તમારા મગજમાં એવો પ્રશ્ન ફરી રહ્યો હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે ? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત વૃષભ રાશિફળ ૨૦૨૧ તમારા બધા જ પ્રશ્નોનાં જવાબ આપશે.

વૃષભ રાશિ ૨૦૨૧ આર્થિક સ્થિતિ

ઘણા વર્ષોથી તમારા અધુરા રહેલા કામ ૨૦૨૧માં પૂરા થઈ જશે. આ વર્ષે ઘણી નાની-નાની વ્યવસાયલક્ષી યાત્રા પણ થઈ શકે છે. નવા વર્ષે કોઈપણ જગ્યાએ રોકાણ ખૂબ જ સમજી-વિચારીને જ કરવું. જો કે પૈસાની બાબતમાં નવું વર્ષ વૃષભ રાશિવાળા લોકો માટે સારું રહેશે. વ્યવસાય કરનાર લોકોએ થોડી સમજદારીથી કામ લેવું. સામાજિક કાર્યોમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. મહિલાઓના માધ્યમથી ધનની પ્રાપ્તિ થશે. નવેમ્બર મહિનામાં રોકાણ કરવાનું મન બનાવી શકો છો. જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તેમણે પ્રામાણિક રહેવું નહીતર તમને જ નુકસાન થઈ શકે છે. વર્ષ ૨૦૨૧માં તમે પોતાની સફળતાથી ઉત્સાહિત રહેશો. વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારી પાસે જેટલા પણ પૈસા આવશે તેટલા ખર્ચ પણ થશે.

વૃષભ રાશિ ૨૦૨૧ સ્વાસ્થ્ય

જાન્યુઆરી-ફેબ્રુઆરીનાં મહિનાઓમાં અમુક લોકોને પેટના રોગો, વજનમાં વધારો અને ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં થાક અને આળસથી પરેશાન રહેશો. ખરાબ આદતો, અનિયમિત જીવનશૈલી વગેરેથી દૂર રહેવાની કોશિશ કરશો તો કોઈ પ્રકારની સમસ્યા થશે નહી અને સંપૂર્ણ વર્ષ તમે તંદુરસ્ત રહી શકશો. જો કોઈ તકલીફ વધતી જોવા મળે તો તેમના પ્રત્યે બેદરકારી દાખવવી નહી અને તરત જ ડોક્ટરની મુલાકાત લેવી. વાહન ચલાવતા સમયે સતર્ક રહેવું જરૂરી છે. વડીલોને ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. એપ્રિલથી જૂન સુધી માનસિક અશાંતિમાંથી પસાર થશો. માનસિક ચિંતાની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. ચિંતામુક્ત રહેવા માટે દરરોજ અડધો કલાક યોગ કરવા.

વૃષભ રાશિ ૨૦૨૧ પારિવારિક જીવન

અન્ય લોકો પર કટાક્ષ કરવાની તમારી આદતના કારણે પરિવારના લોકો સાથે સંબંધ બગડી શકે છે. સારા સમયની રાહ જોવી પડશે. તમારી માતા અને જીવનસાથીનાં સંબંધો મધુર થશે. ભાઈ-બહેનની સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ સંપૂર્ણ વર્ષ થતા રહેવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં પણ તેમના વિશે ચિંતા કરવાની આવશ્યકતા નથી. માતા તરફના સંબંધીઓ તરફથી પરેશાની સંભવ છે, પિતા સાથે દલીલ કરવાથી બચવું નહીંતર અપમાન થઇ શકે છે. પારિવારિક પરિસ્થિતિઓમાં તમને એવું લાગશે કે બધા જ લોકો તમારી વિરુદ્ધ ચાલી રહ્યા છે. વરસના અંતમાં ઘર-પરિવારમાં તણાવ રહી શકે છે અને તેના લીધે તમારા કામકાજના ક્ષેત્રમાં પણ ખામીઓ બહાર આવી શકે છે.

વૃષભ રાશિ ૨૦૨૧ પ્રેમ જીવન

પ્રેમ કરનાર લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. જે લોકો પરિણીત છે તેમના જીવનમાં ફેબ્રુઆરીથી મે મહિના સુધી જીવનસાથીનો સહયોગ ના બરાબર હશે. વૈવાહિક જીવનમાં અસમંજસની સ્થિતિ જળવાઈ રહેશે. અવિવાહિત લોકોને આ વર્ષે સારા સંબંધો મળી શકે છે. લવ-લાઈફ સારી રહેશે પરંતુ પ્રેમી પર વધારે ખર્ચાઓ પણ થઈ શકે છે. ભાવનાત્મક સંબંધ ઊંડા થતાં જશે. પાર્ટનર તમારી ભાવનાઓનું સન્માન કરશે.

વૃષભ રાશિ ૨૦૨૧ કરિયર

સખત મહેનત કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસના દમ પર તમે લગભગ દરેક કામમાં સફળ રહેશો. કોમર્સ વાળા વિદ્યાર્થીઓ આ વર્ષે સફળ રહેશે. વ્યવસાય માટે આ વર્ષના પ્રારંભિક મહિનાઓ સારા રહેશે નહી. ઓગસ્ટ મહિનામાં વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. બિનજરૂરી ખર્ચાઓના લીધે તમને આવનાર સમયમાં પરેશાની થઇ શકે છે. અમુક નાની મોટી પરેશાનીઓને છોડી દેવામાં આવે તો નોકરીયાત લોકો માટે નવુ વર્ષ ખૂબ જ લાભકારી સાબિત થશે. પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે. પોતાની ક્ષમતાથી વધારે જવાબદારી લેવી નહી. જો પહેલાથી જ તમારા કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હોય તો તમને પરત મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં વૃષભ રાશિના વિદ્યાર્થીઓનો સમય અનુકૂળ રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે વૈદિક ઉપાય

દર મહિનાના બીજા મંગળવારનાં દિવસે હનુમાન મંદિરમાં કાળા રંગનો દોરો ચઢાવવો, તેનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જશે. ધાર્મિક સ્થાન પર ગરીબોને ભોજન કરાવવું, તમને ગરીબોના આશીર્વાદ અને યશ મળશે.

વૃષભ રાશિ માટે શુભ મહિનો અને શુભ રંગ

વાદળી રંગ તમારા માટે શુભ રહેશે અને ૨૦૨૧માં વૃષભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો શુભ રહેશે. આ મહિનામાં તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *