વૃશ્ચિક રાશિ ૨૦૨૧ : વૈદિક જ્યોતિષનાં અનુસાર જાણો ૨૦૨૧માં કેવુ રહેશે વૃશ્ચિક રાશિવાળા જાતકોનું નસીબ

રાશિચક્રમાં વૃશ્ચિક રાશિ આઠમા નંબર પર આવે છે. આ રાશિનું ચિન્હ વીંછી છે અને તેમના સ્વામી મંગળ છે. વૃશ્ચિક રાશિના લોકોમાં અન્ય લોકોને આકર્ષિત કરવાની સારી એવી ક્ષમતા હોય છે અને તે ખૂબ જ બહાદુર અને ભાવુક પણ હોય છે. તે ખૂબ જ બુદ્ધિમાન પણ હોય છે, તેથી તેમને મૂર્ખ બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પોતાની આ બુદ્ધિમાનીનાં કારણે તે ક્યારેય દગો ખાતા નથી. વૃશ્ચિક રાશિવાળા જ્યારે કોઈનાં વિચારો સાથે સહમત થતા નથી તો તે ખૂલીને તેનો વિરોધ કરે છે. આ રાશિના લોકો ઓછું બોલવામાં વિશ્વાસ રાખે છે. જો તમારી રાશિ વૃશ્ચિક છે અને તમારા મનમાં પણ એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત વૃશ્ચિક રાશિ ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ સવાલોના જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષના શરૂઆતના બે મહિનામાં એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારે સાવધાન રહેવું પડશે કારણકે આ બે મહિનામાં આર્થિક નુકસાન થવાની સંભાવના રહેલી છે. માર્ચ મહિનામાં તમારી આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે, ખર્ચાઓ પણ થઈ શકે છે. કાર્યસ્થળ પર સહયોગ મળતો રહેશે. જૂન થી જુલાઈની વચ્ચે પણ તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. શેરબજાર અને સટ્ટામાં કામ કરનાર લોકોને આર્થિક નુકસાન થવાના યોગ છે. આ વર્ષે નોકરીયાત લોકો માટે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચેનો સમય ખૂબ જ સારો રહેશે. તમે પોતાની મહેનત અને કૌશલથી પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી શકો છો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ સામાન્ય રહેશે. જુના રોગમાંથી રાહત મળશે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં માથાના દુખાવાથી પરેશાની થઇ શકે છે. આ વર્ષે બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાન રહેવું પડશે. જૂની બીમારીઓથી પરેશાન રહેલા લોકોએ વધારે સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. નવા વર્ષમાં તમે સ્ટ્રીટ ફૂડની બિમારીઓની ઝપેટમાં આવી શકો છો. તેથી સ્વાસ્થ્યની બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહિ અને જ્યાં સુધી બની શકે સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવું. દરરોજ સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ કરવાથી સંપૂર્ણ વર્ષ સ્વાસ્થ્ય સારું રહેશે.

પારિવારિક જીવન

પતિ-પત્નીની વચ્ચે રહેલી ગેરસમજણો દૂર થશે. દાંપત્યજીવન તમારા માટે સુખમય રહેશે. જો તમે ખૂબ જ સમજી-વિચારીને બોલશો નહી તો તમારી વાતનો ખોટો મતલબ નીકળી શકે છે. મે મહિનામાં પારિવારિક મામલાઓમાં ગુંચવાયેલા રહેશો. કોઈ નાની એવી વાત ઝઘડાનું કારણ બની શકે છે. કોઈ તમને દબાવવાની કોશિશ પણ કરી શકે છે. પરિવારની સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો. આ વર્ષે તમારા પરિવારમાં નવા સદસ્યની એન્ટ્રી થઈ શકે છે.

પ્રેમજીવન

ફેબ્રુઆરીના મહીનામાં જીવનસાથીની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું મન બનાવી શકો છો. આ વર્ષે તમે પોતાની લવ લાઇફમાં કોઇ અન્ય વ્યક્તિને પ્રવેશ કરવા દેશો નહી. પાછલા ઘણા સમયથી ચાલી રહેલી લવ લાઇફની અમુક ગેરસમજણ આ વર્ષે ખતમ થઈ શકે છે. પ્રેમીઓ માટે આ વર્ષ શુભ રહેવાના સંકેત છે. વર્ષના અંતિમ ભાગમાં પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે અને તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે, પરંતુ વાતચીતથી ફરીથી બધું નોર્મલ થઈ જશે.

કરિયર

નવા વર્ષમાં વ્યવસાય સાથે જોડાયેલા નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા. નોકરિયાત લોકોએ આ વર્ષે થોડું સંભાળીને રહેવું પડશે. ઓફિસ કે ફિલ્ડમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ તમારે અધિકારીઓની સાથે વિવાદમાં પડવાથી બચવું જોઈએ. આ વર્ષે કરવામાં આવેલી વ્યાવસાયિક યાત્રાઓ સફળ રહેશે પરંતુ યાત્રા દરમિયાન જરૂરી કાગળો સંભાળીને રાખવા. આ વર્ષે તમને પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના રહેલી છે. નવા વર્ષમાં તમારે પોતાના અભ્યાસ માટે કરજ લેવું પડી શકે છે.

વૈદિક ઉપાય

શુક્રવારનાં દિવસે શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. તેનાથી મહાલક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને ધનની કમી ક્યારેય રહેતી નથી. મહિનાના પહેલા ગુરુવારે સવા પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળનાં મિશ્રણની રોટલીઓ બનાવીને ગાયને ખવડાવવી. પોતાના નસીબને ચમકાવવા માટે આ ઉપાય જરૂર કરવો.

શુભ મહિનો અને શુભ રંગ

વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ અને નવેમ્બરનો મહિનો શુભ રહેશે જ્યારે રંગમાં સફેદ રંગ તમારા માટે શુભ રહેશે.