જાણો કોણ છે બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી, શું ખરેખર કરે છે ચમત્કાર, અહિયા જાણો બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે સંપુર્ણ માહિતી

Posted by

મધ્યપ્રદેશનાં છતરપુરમાં બાગેશ્વર ધામ સરકારનાં પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખુબ જ ચર્ચામાં છે. લગભગ તમામ ટીવી ચેનલો પર તે અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હકિકતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે. અચાનક ચર્ચામાં આવેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે લોકો વધારે જાણવા માંગે છે ત્યારે આજે અમે તમને બાબા બાગેશ્વર વિશે સંપુર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ ૪ જુલાઈ ૧૯૯૬ ના રોજ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢા ગામમાં થયો હતો. તેમનાં પિતાનું નામ રામકૃપાલ ગર્ગ છે જ્યારે તેમની માતાનું નામ સરોજબેન શાસ્ત્રી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને એક ભાઈ અને એક બહેન પણ છે. તેમના ભાઈનું નામ શાલિગ્રામ ગર્ગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનું શરૂઆતનું શિક્ષણ પોતાનાં ગામમાંથી જ લીધું છે. તેમણે ગંજ ગામમાંથી હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે.

ત્યારબાદ તેણે BA ની ડિગ્રી પણ મેળવી હતી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા પોતાનાં ગામમાં જ સત્યનારાયણની કથા કરતાં હતાં. જ્યારે તેની માતા દુધ વેચતી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી બાળપણમાં પોતાનાં પિતા સાથે કથા કરવા જતા હતાં. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દાદાને પોતાના ગુરુ માને છે. કહેવાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા સિદ્ધ ગુરુ હતાં. તેઓ મંગળવાર અને શનિવારે દરબાર રાખતા હતાં. નવ વર્ષની ઉંમરે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ દાદા સાથે દરબારમાં સામેલ થવા લાગ્યા હતાં.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એક દરબાર યોજે છે જ્યાં તેઓ લોકોની સમસ્યાઓ સાંભળે છે અને તેનું તાત્કાલિક નિરાકરણ પણ લાવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પરચા લખીને લોકોનાં મનની વાત જાણવાનો દાવો કરે છે. તેણે ટીવી શો ને જણાવ્યું હતું કે, “તે ચમત્કારો કરતા નથી પરંતુ પોતાનાં ઇષ્ટની વાતો લોકો સુધી પહોંચાડે છે”. જ્યારે લોકોનું સારું થાય છે એટલે જ લોકો તેમની પાસે આવે છે.

અંધવિશ્વાસનો આરોપ લાગ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, “હું કોઇ અંધવિશ્વાસ નથી ફેલાવી રહ્યો. હું ક્યારેય એમ નથી કહેતો કે હું ભગવાન છું”. તેમણે બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તેમને અનુચ્છેદ ૨૫ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે”. બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનાં મધ્યપ્રદેશની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ તેમના અનુયાયીઓ ખુબ જ મોટા પ્રમાણમાં છે.

તાજેતરમાં મહારાષ્ટ્રના તર્કવાદી શ્યામ માનવે તેને ચમત્કાર સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશનાં છતરપુરમાં આવેલું એક તીર્થ સ્થળ છે, જે બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાય છે. અહીં બાલાજીની પુજા થાય છે. બાગેશ્વર ધામ મહારાજને જોવા માટે લોકો અહીં ખુણે-ખુણેથી આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અહીંના પીઠાધીશ્વર છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પહેલીવાર ત્યારે વિવાદમાં આવ્યા હતાં જ્યારે તેમણે ૧૮ જાન્યુઆરીએ રાયપુરમાં ધર્મ પરિવર્તન અંગે નિવેદન આપ્યું હતું.

તેમણે તે સમયે કહ્યું હતું કે, “જ્યાં પણ ધર્માંતરણ થઇ રહ્યું છે ત્યાં તેઓ રામકથા કરવા જઈ રહ્યા છે. શાસ્ત્રીના આ નિવેદન બાદ રાજકારણ પણ શરુ થઈ ગયું હતું એટલે તેમની સામે અંધવિશ્વાસ ફેલાવવાના આક્ષેપો થયા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ અંધશ્રદ્ધા નાબુદી સમિતિ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ સમિતિ એ બાબા પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.