ફક્ત એક મુસાફર માટે ૫૩૫ કિલોમીટર ચાલી રાજધાની એક્સપ્રેસ, યુવતીની જીદે કર્યા મજબૂર

ટ્રેનને પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. કારણ કે તેમાં એક સાથે ઘણા જ લોકો મુસાફરી કરી શકે છે. તેથી તેનું ભાડું પણ બસની તુલનામાં સસ્તું હોય છે. જોકે સામાન્ય રીતે ટ્રેનના દરેક કોચમાં ભીડ જરૂર હોય છે. ટ્રેન જ્યારે પણ કોઈ લાંબી મુસાફરી કરે છે તો સાથે જ ઘણા યાત્રીઓને લઈ જાય છે. જો કે રાંચી જવાવાળી રાજધાની એક્સપ્રેસ ૫૩૫ કિલોમીટર ફક્ત એક મહિલાને તેમના સ્થાન પર પહોંચાડવા માટે ચાલી હતી. ચાલો આ મામલાને પુરા વિસ્તારથી જાણીએ.

હકીકતમાં અનન્યા નામની એક મુસાફર ડાલટનગંજ સ્ટેશન પર ફસાયેલ રાજધાની એક્સપ્રેસથી જ રાંચી જવાની જીદ પકડીને અડગ રહી. રાંચી જનારી આ રાજધાની એક્સપ્રેસ ડાલટનગંજ સ્ટેશન પર ટાના ભગતોનાં આંદોલનના કારણે અટકી પડી હતી. તેવામાં રેલ્વેએ અનન્યાને બસ દ્વારા રાંચી જવાની સલાહ આપી હતી. પરંતુ અનન્યા પોતાની જીદ પર અડગ રહી. તેમણે કહ્યું કે જો તેને બસથી જ જવું હોત તો તે ટ્રેનની ટિકિટ શા માટે લે ? મેં રાજધાની એક્સપ્રેસની જ ટિકિટ લીધી છે તો તેમાં જ જઈશ.

આખરે આ યુવતીની જીદ સામે રેલવેએ નમવું જ પડ્યું અને તેમણે ઇતિહાસમાં પહેલીવાર ફક્ત એક યાત્રી માટે ૫૩૫ કિલોમીટર રાજધાની એક્સપ્રેસ ચલાવી. આ રાજધાની એક્સપ્રેસ સાંજે ૪ વાગ્યે ડાલટનગંજ થી ગોમો અને બોકારો થઈને રાત્રે ૧: ૪૫ મિનિટે રાંચી પહોંચી હતી.

પહેલા આ રાજધાની એક્સપ્રેસમાં લગભગ ૯૩૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ જ્યારે ટ્રેન ફસાઈ ગઈ તો બાકીના ૯૨૯ લોકોને રેલવે ડાલટનગંજ થી બસ દ્વારા તેમના સ્થાન પર રવાના કરી દીધા હતા. જોકે અનન્યા બસથી મુસાફરી કરવા માટે તૈયાર નહોતી. તેવામાં રેલવે આ એક મુસાફર માટે ૫૩૫ કિલોમીટર સુધી રાજધાની એક્સપ્રેસને ચલાવવી પડી.

બીજી બાજુ જ્યારે સોશિયલ મીડિયા પર લોકોને આ વિશે જાણ થઈ તો તેમના પણ હોશ ઉડી ગયા. અમુક લોકોએ આ મહિલાની પ્રશંસા કરી તો અમુક લોકોએ તેમની આ જિદ્દને ખોટી જણાવી. નોંધપાત્ર વાત છે કે કોરોના કાળમાં હજુ ટ્રેન શરૂ જ થઇ છે તેવામાં લોકો એકવાર ફરી તેમાં મુસાફરી કરવાનું શરૂ પણ કરી દીધું છે.